ઉજવણીનો ઉમળકો:શતાબ્દી મહોત્સવમાં 3 લાખ NRI આવશે, તમામ ફાઇવ સ્ટાર, ફોર સ્ટાર હોટેલના 20 હજાર રૂમ બુક થઈ ગયા

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફાઇવ સ્ટાર હોટેલોમાં પ્રથમ વખત સ્વામિનારાયણ ફૂડની વ્યવસ્થા, કિચન પણ અલગ બનાવાશે
  • મહોત્સવની ક્લોઝિંગ સેરેમની માટે 7થી 15 જાન્યુઆરી વચ્ચે મોટી સંખ્યામાં એનઆરઆઈ હરિભક્તો હાજરી આપશે

ભાવિન પટેલ
પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવ દરમિયાન અમદાવાદના રિંગ રોડ પર આખું પ્રમુખ સ્વામી મહારાજ નગર ઊભું કરાયું છે, જે વિશ્વમાં એક નવો રેકોર્ડ સર્જવા જઈ રહ્યું છે. આ નગર હરિભક્તો સમક્ષ ખુલ્લંુ મૂકવાના હવે બે દિવસ જ બાકી છે. આ મહોત્સવમાં ત્રણ લાખ એનઆરઆઈ સહિત 55થી 60 લાખ લોકો ઉપસ્થિત રહેશે. અમદાવાદની તમામ ફાઇવ સ્ટાર હોટેલના 90 ટકા અને અને ફોર સ્ટાર હોટેલોના 70 ટકા જુદી જુદી કેટેગરીના રૂમ બુક થઈ ગયા છે. એટલે કે 20 હજાર રૂમનું એડવાન્સ બુકિંગ કરાવી દેવામાં આવ્યું છે. ફાઇવ સ્ટાર હોટેલોમાં પ્રથમ વખત સ્વામિનારાયણ ફૂડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં તેમના માટે હોટેલોમાં અલગથી ડાઇનિંગની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.

હોટેલોમાં રોકાયેલા એનઆરઆઈ હરિભક્તોની ગુજરાતી સંસ્કૃતિ જળવાઈ રહે તેનું પણ વિશેષ ધ્યાનમાં રાખવામાં આવી રહ્યું છે. એટલે કે તેમને વેલકમ પણ હાથમાં ફૂલ આપી કંકુથી તિલક કરી પ્રવેશ આપવામાં આવશે. ખાસ કરીને હરિભક્તોનો પોતાનો ધર્મ સચવાઈ રહે તે માટે હોટેલોએ અન્ય ફૂડના કાઉન્ટર સહિત કિચન 30 દિવસ માટે જુદા કરી દીધા છે. મહોત્સવની ક્લોઝિંગ સેરેમની માટે મોટી સંખ્યામાં એનઆરઆઈ 7થી 15 જાન્યુઆરી સુધી ઉપસ્થિત રહેશે. બીજી તરફ મહોત્સવના સ્થળ નજીકથી જલદ પદાર્થ લઈ જતાં વાહનો પર પણ પ્રતિબંધ ફરમાવાયો છે.

24 દેશના વડા આવવાના હોવાથી ચાર્ટર્ડ પ્લેનનો ટ્રાફિક વધશે
શતાબ્દી મહોત્સવમાં દેશવિદેશના ખૂણેખૂણેથી લોકો હાજરી આપશે. જ્યારે 24 દેશના પ્રધાનમંત્રીઓને આમંત્રણ આપ્યું હોવાથી એક મહિનો ચાલનારા મહોત્સવમાં તેઓ કોઈ એક દિવસે હાજરી આપશે, જેના કારણે એરપોર્ટ પર મોટી સંખ્યામાંં ચાર્ટર્ડ વિમાનોની આવનજાવન રહેશે.

ત્રણ હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવશે
600 એકરમાં ફેલાયેલા આ શતાબ્દી મહોત્સવનું વડાપ્રધાન મોદી બુધવારે ઉદઘાટન કર્યા બાદ આખા નગર પર હેલિકોપ્ટર મારફતે ગુલાબોથી પુષ્પ વર્ષા કરવામાં આવશે, જેના માટે બીએપીએસ દ્વારા ત્રણ હેલિકોપ્ટર બુક કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત આકાશમાં કલરિંગ ફોર્મેશન પણ કરવામાં આવશે.
કેમિકલ લઈ જતાં વાહનો પસાર થઈ શકશે નહિ
રિંગરોડ પર ઝેરી કેમિકલયુક્ત જ્વલનશીલ પદાર્થો હોય તેવા વાહનની અવરજવર રહે છે, પરંતુ મહોત્સવ દરમિયાન સનાથલ સર્કલથી વૈષ્ણોદેવી સર્કલ સુધીના માર્ગ પરથી આ વાહનો પસાર થઈ શકશે નહીં. તેને બદલે સનાથલ સર્કલથી બાકરોલ ચાર રસ્તા, કમોડ સર્કલ, અસલાલી રિંગરોડ સર્કલ, હાથીજણ સર્કલ, દાસ્તાન સર્કલ, નાના ચિલોડા, તપોવન સર્કલથી વૈષ્ણોદેવી સર્કલ તરફ જઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...