ઓવનથી શ્વાસ રુંધાયો:અમદાવાદના ઘાટલોડિયામાં 15 દિવસ પહેલાં ખૂલેલા પફ બનાવતા કારખાનામાં ઓવનની સ્વિચ ચાલુ રહી જતાં ગૂંગળામણથી ત્રણનાં મોત

અમદાવાદએક મહિનો પહેલા
  • હસન, ઈબ્રાહિમ તથા અસ્લમ નામની ત્રણ વ્યક્તિનાં મોત નીપજ્યાં છે

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા ગોપાલનગર પાસે UKS નામના પફ બનાવવાના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા ત્રણ પરપ્રાંતિય મજૂરોના મોત નિપજ્યા છે. ઘટનાની જાણ પોલીસ અને ફાયરબ્રિગેડને કરવામાં આવી હતી. ફાયર અને પોલીસ ઘટનાસ્થળે પહોંચતાં કારખાનામાં ત્રણેય યુવક મૃત હાલતમાં પડ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે કારખાનામાં ગૂંગળામણના કારણે તેઓનું મોત નિપજ્યા છે. હાલ એફએસએલની ટીમને જાણ કરવામાં આવી છે. પીએમ બાદ સાચું કારણ જાણવા મળશે.

15 દિવસ પહેલા શરૂ થયું હતું કારખાનું
ઘાટલોડિયાના કોર્પોરેટર જતીન પટેલને જાણ થતાં તેઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જતીન પટેલે જણાવ્યું હતું કે, 15 દિવસ પહેલા જ બેકરીની આઈટમ બનાવતું કારખાનું ચાલુ કરવામાં આવ્યું હતું. વહેલી સવારે કારખાનાના માલિકે આવીને ખોલતાં ત્રણ મજૂરો મૃત હાલતમાં પડ્યા હતા. કારખાનામાં પફ બનાવવાનું ભારે મશીન આવેલું છે અને તેની સ્વીચ ચાલુ રહી જતા ગૂંગળામણના કારણે મોત થયું હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. પોલીસ, એફએસએલ અને ફાયરની ટીમ તપાસ કરી રહી છે.

કારખાનામાં મોડી રાતે ત્રણેય કારીગર કારખાનાનો દરવાજો બંધ કરી સૂઈ ગયા હતા
કારખાનામાં મોડી રાતે ત્રણેય કારીગર કારખાનાનો દરવાજો બંધ કરી સૂઈ ગયા હતા

ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના પીઆઇ વાય. આર. વાઘેલાએ જણાવ્યું હતું કે, ગોપાલનગર પાસે આવેલા uk's ફૂડ ફાર્મ નામના પફ બનાવવાના કારખાનામાં મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી ઈબ્રાહીમ (ઉ.વ.45), અસલમ (ઉ.વ.21) અને તેમનો સંબંધી હસન (ઉ.વ.15) રહેતા હતા. જેમાં પફ બનાવવાના મશીનની સ્વીચ ચાલુ રહી જતાં ગૂંગળામણના કારણે મોત થયું હોવાનું પ્રાથમિક રીતે જણાય છે. કારખાનાના માલિક રાજશ્રીબેન અંકુરભાઈ પટેલ (રહે. છારોડી, ગાંધીનગર) છે. આજે સવારે તેઓએ જ પોલીસને જાણ કરી હતી. 15 દિવસ પહેલા જ કારખાનું ભાડે રાખી અને ધંધો શરૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આજુબાજુમાં રહેણાંક મકાનો આવેલા છે અને કારખાનું શરૂ કરવામાં આવ્યું છે જેના મામલે તપાસ કરવામાં આવશે.

ઘાટલોડિયા પોલીસના જણાવ્યા મુજબ આજુબાજુમાં રહેણાંક મકાન આવેલું છે. જગ્યાના માલિક બાજુમાં રહેતા વિષ્ણુ દેસાઈ છે અને તેઓએ ભાડે મકાન આપેલું છે. ફાયર સેફટી હતી કે કેમ તે મામલે તપાસ કરવામાં આવશે. કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા બેકરી આઈટમ ચલાવવા માટે હેલ્થ લાયસન્સ હતું કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે?

ઘાટલોડિયા પોલીસે ઘટનાસ્થળે પહોંચી એફએસએલની મદદ લઇ તપાસ શરૂ કરી છે
ઘાટલોડિયા પોલીસે ઘટનાસ્થળે પહોંચી એફએસએલની મદદ લઇ તપાસ શરૂ કરી છે

પ્રાપ્ત વિગતો મુજબ, કે.કે. નગર રોડ પર ગોપાલનગર પાસે પફ બનાવવાના કારખાનામાં મોડી રાતે ત્રણેય કારીગર કારખાનાનો દરવાજો બંધ કરી સૂઈ ગયા હતા. રાતે પફ બનાવવાના ઓવનની સ્વિચ ચાલુ રહી ગઈ હતી, જેથી ગૂંગળામણને કારણે મોત થયાં હોવાની પોલીસની પ્રાથમિક જાણકારી મળી છે. ઘાટલોડિયા પોલીસે ઘટનાસ્થળે પહોંચી એફએસએલની મદદ લઇ તપાસ શરૂ કરી છે. આ દરમિયાન કારખાનાની અંદર રહેલા હસન, ઈબ્રાહિમ તથા અસ્લમ નામની ત્રણ વ્યક્તિનાં ગૂંગળામણને કારણે મોત નીપજ્યાં હતાં.

બોપલ ગટર દુર્ઘટનામાં બે સગા ભાઈઓ અને કાકાનું મોત થયું
બોપલ ગટર દુર્ઘટનામાં બે સગા ભાઈઓ અને કાકાનું મોત થયું

બોપલમાં ગટર સાફ કરવા ઉતરેલા બે ભાઈ, કાકાનું મોત
18 દિવસ પહેલા પણ બોપલ ડીપીએસ સ્કૂલની પાછળ આવેલી ગટરમાં કોઇ પણ પ્રકારની સેફટી વગર ઉતરેલા 2 સગા ભાઈ અને કાકા ગરકાવ થઇ ગયા હતા. જેમાંથી બે સગા ભાઈઓ અને કાકાનું મોત થયું છે. ગટરનું ઢાંકણું ખોલતાની સાથે જ તેમાંથી પ્રેશર સાથે પાણી અને ગેસ બહાર આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, સંદીપ ગટરનું ઢાંકણું ખોલી રહ્યો હતો ત્યારે ઢાંકણું ખોલતાની સાથે જ તેમાંથી પ્રેશર સાથે પાણી અને ગેસ બહાર આવ્યો હતો. જેથી ગૂંગળામણ થવાથી સંદીપ ગટરમાં પડી ગયો. સંદીપને બચાવવા માટે તેના કાકા ભરતભાઈ ગટરમાં ઉતરતા તે પણ ગટરમાં ગરકાવ થઇ ગયા હતા. તે બંનેને બચાવવા માટે રાજુ પણ ગટરમાં ઉતર્યો હતો.

ફાયર બ્રિગેડની ટીમોએ બચાવ કામગીરી શરૂ કરી હતી
ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમો પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી. રાજુ અને ભરતભાઈને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. થોડા સમય બાદ સંદિપ પણ મળી આવ્યો હતોપરંતુ તેનું પણ મોત થયું. બોપલ પોલીસે કોન્ટ્રાકટર અને લેબર સુપર વાઈઝર વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આગ કે કોઈ પ્રકારનો બ્લાસ્ટ પણ થયો નથી
કારખાનામાં મેન્યુઅલ અને ઓટોમેટિક એમ બે ઓવન અને 7-8 એલપીજી સિલિન્ડર હતા. જોકે કારખાનામાં આગ લાગી નથી કે કોઈ બ્લાસ્ટ થયો નથી. ઉપરના ભાગે ધુમાડો જઈ શકે તે માટે વેન્ટિલેટર પણ હતું છતાં ત્રણના મૃત્યુ થતા આખી ઘટના શંકા ઉપજાવે તેવી છે. - રાજેશ ભટ્ટ, ચીફ ફાયર ઓફિસર

અન્ય સમાચારો પણ છે...