વિવાદ:મહિલા સહિત 3એ પોલીસને પટ્ટા-ટોપી ઉતરાવી દેવાની ધમકી આપી

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિંધુ ભવન રોડ પર ફેન્સી નંબરપ્લેટવાળા બુલેટને પોલીસે રોક્યું હતું
  • પોલીસે દંડ ભરવાનું કહેતાં વિરોધ કરી અન્ય વાહનચાલકોને ઉશ્કેર્યા

સિંધુ ભવન રોડ પર પોલીસે વાહન ચેકિંગની ડ્રાઈવ દરમિયાન સોમવારે રાત્રે 11 વાગ્યે ફેન્સી નંબર પ્લેટ લગાવીને નીકળેલા બુલેટચાલક અંશ ટોળિયાને પોલીસે રોકીને દંડ ભરવા કહ્યું હતું. જેથી અંશનો પક્ષ લઈને મોનાબહેન મજમુદાર અને રવિ ભરવાડ ત્યાં આવી પહોંચ્યા હતા. આ ત્રણેય જણાએ દંડ નહીં ભરવા બાબતે પોલીસ કર્મચારીઓ સાથે ઘર્ષણ કરીને પટ્ટા-ટોપી ઉતરાવી દેવાની ધમકી આપી હતી.

આટલું જ નહીં પોલીસ કર્મચારીઓ અન્ય વાહનચાલકોને રોકી રહ્યા હતા ત્યારે તે વાહનચાલકોને પણ દંડ નહીં ભરવા માટે ઉશ્કેરી રહ્યા હતા. જેથી પોલીસે બુલેટ ડિટેઈન કરવાની વાત કરતાં ત્રણેય જણાએ બુલેટને હાથ નહીં લગાવવા દેવાની તેમજ દંડ ન ભરવાની ધમકી આપતા પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી.

પ્રતિબંધ હોવા છતાં શહેરમાં પ્રવેશેલા 6 ભારે વાહન ડિટેઈન, રૂ.50 હજાર દંડ વસૂલાયો
પ્રદૂષણ અને માર્ગ અકસ્માત નિયંત્રણમાં લાવવા સવારે 8થી રાતના 11 વાગ્યા સુધી શહેરમાં ભારે અને અતિ ભારે વાહનના પ્રવેશવા ઉપર પ્રતિબંધ છે. તેમ છતાં પૂર્વમાં આવેલા રિંગ રોડ પરથી પ્રતિબંધિત સમયમાં ભારે વાહનો શહેરમાં આવી રહ્યા હોવાની સંખ્યાબંધ ફરિયાદો મળી હતી. જેના આધારે ટ્રાફિક પોલીસને 3 ટમ્પર, 2 લકઝરી બસ અને 1 ટ્રક મળીને 6 વાહન ડિટેઈન કરીને વાહન માલિક પાસેથી રૂ.49,500 દંડ વસૂલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...