તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનાજ બારોબાર વેચવાનું કૌભાંડ:રાણીપમાં મફત આપવાનું અનાજના 3800 કિલો ચોખા ભરેલી 76 બોરી સાથે 3ની ધરપકડ

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • રેશનિંગ દુકાનધારક માધવપુરાના વેપારીને અનાજ વેચતો હતો

જરૂરિયાતમંદોને મફતમાં આપવાનું અનાજ માધવપુરાના વેપારીને વેચવાનું કૌભાંડ પકડાયું છે. રાણીપ પોલીસે 3800 કિલો ચોખાની 76 બોરી ભરેલી ગાડી સાથે ડ્રાઇવર, રેશનિંગની દુકાન ધારક તેમ જ માધવપુરાના વેપારીની ધરપકડ કરી હતી, જેમાં દુકાનધારકે પ્રધાનમંત્રીની યોજના હેઠળ મફતમાં આપવા મળેલા ચોખાની બોરી બદલીને તે ચોખા વેપારીને બારોબાર વેચી દીધા હતા.

સરકારી રેશનિંગના અનાજના કાળાં બજાર કરી રહેલી ટોળકી વિશે મળેલી બાતમીના આધારે રાણીપ પીઆઈ જે. બી. ખાંભલાએ રાણીપ રાધા સ્વામી રોડ પાણીની ટાંકી પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી બોલેરોને પોલીસે રોકી હતી. પોલીસે ગાડીની તપાસ કરતાં તેમાંથી 76 બોરીમાંથી 50 -50 કિલો લેખે 3800 કિલો ચોખા મળી આવ્યા હતા. આથી પોલીસે ગાડીના ચાલક રોશન પૂનમભાઈ તેલી (ઉં.20)(પવન એવન્યુ, મેઘાણીનગર) ની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે, આ ચોખાનો જથ્થો રાણીપના કલ્યાણકુંજ એપાર્ટમેન્ટ ખાતે જય સાઈબાબા ગ્રાહક ભંડાર નામની સસ્તા અનાજની દુકાન ધરાવતા કમલ રતનચંદ સિંધીએ દૂધેશ્વરમાં તાવડીપુરામાં અનાજની દુકાન ધરાવતા મુકેશ રેવાશંકર ત્રિવેદીને મોકલવા આપ્યો હતો.

આ આધારે પોલીસે કમલ અને મુકેશની ધરપકડ કરી હતી. પોલીસે બંનેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, કોરોનાની મહામારીના કારણે પ્રધાનમંત્રીએ ગરીબોને મફતમાં 5 કિલો અનાજ આપવાની જાહેરાત કરી છે. તે અનાજનો જથ્થો પુરવઠા ખાતા દ્વારા રેશનિંગની દુકાનોમાં ફ્રી સપ્લાય કરવામાં આવે છે. જ્યારે કમલે તે અનાજ પૈકી ચોખા મુકેશને વેચી દીધા હતા, જે માટે કમલે ચોખાની બોરી બદલી દીધી હતી. પોલીસે રૂ.83,600ની કિંમતનો ચોખાનો જથ્થો, પિકઅપ વાન મળી 7.83 લાખના મુદ્દામાલ સાથે ત્રણેયની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...