સાયલેન્સર ચોર:અમદાવાદમાં 250 ઈકો ગાડીમાંથી 2.5કરોડના સાયલેન્સર ચોરનારા 3 પકડાયા

અમદાવાદએક દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી પાસેથી સાયલેન્સર ઉપરાંત ચોરી કરવાના સાધનો પણ મળી આવ્યા. - Divya Bhaskar
આરોપી પાસેથી સાયલેન્સર ઉપરાંત ચોરી કરવાના સાધનો પણ મળી આવ્યા.
  • રાતના સમયે સાયલેન્સર ચોરી કરીને બીજું ફિટ કરી દેતા
  • સાયલેન્સરમાંથી નીકળતી કીમતી ધાતુ પેલિડિયમને 12થી 15 હજારમાં દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં વેચી મારતા હતા

પશ્ચિમ અમદાવાદમાં છેલ્લા 10 જ મહિનામાં 250 ઈકો ગાડીમાંથી રૂ. અઢી કરોડની કિંમતના સાયલેન્સરની ચોરી કરનારી ગેંગના 3 સભ્યોને ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધા હતા. ત્રણ ભાગમાં આવતા ઈકો ગાડીના સાયલેન્સરના વચ્ચેના ભાગમાં પેલેડિયમ, પ્લેટિનમ અને રોડિયમ ધાતુનો પથ્થર જેવો પદાર્થ હોય છે. જે 12 થી 15 હજારમાં દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં વેચી દેતા હતા.

ઈકો ગાડીના સાયલેન્સરની ચોરી કરતી ગેંગ વિશે અમદાવાદ ક્રાઈમ બ્રાંચના પીઆઈ એસ.જે.જાડેજાને મળેલી બાતમીના આધારે આસિફ ઉર્ફે રૂપાલ અયુબભાઈ વોરા, ઉવેશમિયા ઉર્ફે ટકો અનવરમિયા મલેક અને સરફરાજ ઉર્ફે સફો બસીરભાઈ મલેકને ઝડપી લીધા હતા. તેમની પાસેની કારની તલાસી લેતા ઈકો ગાડીના 15 સાયલેન્સર, લોખંડના સળિયા, કોસ, હથોડી, પકકડ, કટર મળીને કુલ રૂ.15.53 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ત્રણેય આરોપીઓની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતુ કે, તેમની ગેંગમાં બીજા 2 માણસો છે. પાંચેય માણસોની આ ગેંગે ફેબ્રુઆરી 2022થી આજ દિન સુધીમાં એટલે કે છેલ્લા 10 મહિનામાં પશ્ચિમ અમદાવાદમાંથી 250 ઈકો ગાડીના સાયલેન્સર તેમજ આણંદ અને બોરસદમાંથી 25 સાયલેન્સર મળીને 275 જેટલા સાયલેન્સરની ચોરી કરી હતી. ઉલ્લેખનીય છે કે રાતના સમયે આ ટોળકી સાયલેન્સર ચોરી કરવા નીકળે એટલે ઈકો ગાડીમાંથી સાયલેન્સર કાઢીને તેની જગ્યાએ પથ્થર વગરનું સાયલેન્સર ફિટ કરી દેતા હતા. ઈકો ગાડીના સાયલેન્સરમાંથી નીકળતો ત્રણ ધાતુ વાળો મિશ્રીત પથ્થર આ ટોળકી દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં વેચી દેતા હતા. છેલ્લા 10 જ મહિનામાં આ ટોળકીએ પશ્ચિમ અમદાવાદમાં 143 જગ્યાએ થી જ 250 સાયલેન્સરની ચોરી કરી હતી. જેમાંથી અમદાવાદમાં 55 અને આણંદ - બોરસદમાં 10 મળીને 65 ગુના નોંધાયેલા છે, જ્યારે બાકીના કિસ્સાઓમાં કાર માલિકોએ ફરિયાદ કરી ન હોવાનું સામે આવ્યું છે. આ અંગે વધુ તપાસ ચાલી રહી છે.

1 સાયલેન્સરમાં 800 ગ્રામ કીમતી ધાતુ

પ્રદૂષણ ઓછુ થાય તે માટે કાર બનાવતી કંપની ઈકો ગાડીના સાયલેન્સરમાં પેલેડિયમ, પ્લેટિનમ અને રોડિયમ મિશ્રિત ધાતુનો પથ્થર બનાવીને તે સાયલેન્સરમાં ફિટ કરે છે. જો કે ઈકો ગાડીનું સાયલેન્સર 3 ભાગમાં આવેલું હોવાથી આ પથ્થર વચ્ચેના ભાગમાં ફિટ કરવામાં આવે છે. જેના માટે ચોર ટોળકી સાયલેન્સરની ચોરી કરે છે.

ચોરી કરી UPના સાગરીતને પહોંચાડતા

ત્રણેય આરોપીઓની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતુ કે, તેમની સાથે સાયલેન્સરની ચોરી કરવામાં અન્ય 2 આરોપી સામેલ છે, જ્યારે સાયલેન્સરમાંથી પથ્થર કાઢીને આ લોકો ઉત્તરપ્રદેશના આઝમગઢના રહેવાસી નબાવ અને ફૈઝાન મારફતે ઉત્તરપ્રદેશ અને દિલ્હીમાં વેચતા હતા, જ્યાં આ પથ્થર કેમિકલ સહિતની ઈન્ડસ્ટ્રીઝમાં વપરાતો હતો.

પથ્થરને ઓગાળી ત્રણેય ધાતુ જુદી કરતા

આ પથ્થરને સોના તેમજ અન્ય કીમતી ધાતુની જેમ ગરમ કરવામાં આવે છે. જેથી તેમાંથી પ્લેટિનમ, પેલેડિયમ અને રોડિયમ ધાતુ નીકળે છે. આ ત્રણેય ધાતુને અલગ કરીને તેને પણ વેચવામાં આવે છે. જો કે આ ત્રણેય ધાતુની કિંમત સોના કરતાં પણ વધારે હોવાનું પોલીસે જણાવ્યું હતંુ.

અન્ય સમાચારો પણ છે...