નકલી માર્કશીટને અસલી બનાવી UK મોકલાતા:અમદાવાદમાં ભેજાબાજો 10 રૂપિયામાં નકલી માર્કશીટને અસલી બનાવી દેતા, લાખો પડાવી વિદેશ મોકલનારા 3ની ધરપકડ

અમદાવાદ2 મહિનો પહેલા

જીવનને સાર્થક બનાવવા માટે લોકો પોતાની જીવનભરની બચાવેલી મૂડીથી વિદેશ જવાનાં સપનાં જોતાં હોય છે, પરંતુ તેઓ પોતાના અભરખા પૂરા કરવા એવા ભેજાબાજોના સકંજામાં આવી જાય છે, જેઓ તેમની જીવનભરની મૂડીને લૂંટી લેતા હોય છે. લોકોના જીવનને નરક બનાવી તેમના જીવનની આશાઓ સાથે ચેડાં કરતા ભેજાબાજ લોકોનો અમદાવાદની એલિસબ્રિજ પોલીસે પર્દાફાશ કર્યો છે. ધોરણ 12ની માર્કશીટમાં ચેડાં કરીને બોગસ માર્કશીટના આધારે યુકેમાં એડમિશન અપાવવાનું કૌભાંડ પોલીસે ઝડપી પાડ્યું છે.

AC ઓફિસ બનાવીને લોકોને છેતરવાનું કાવતરું શરૂ કર્યું
અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં ગ્રાન્ડ મોલના ત્રીજા માળે ભેજાબાજે AC ઓફિસ બનાવીને લોકોને છેતરવાનું કાવતરું શરૂ કર્યું હતું. ઘણા સમયથી આ પ્રકારે લોકોને ફસાવીને રૂપિયા પડાવતા ભેજાબાજ અને તેના મળતિયાઓની એલિસબ્રિજ પોલીસે ધરપકડ કરી છે. પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે, અમદાવાદના આંબાવાડીમાં સ્થિત ઓફિસમાં એક વ્યક્તિ લોકોને યુકે મોકલવાની લાલચ આપતો હતો. જે વ્યક્તિને ધોરણ 12માં 70 માર્ક આવ્યા હોય કે તેથી વધુ આવ્યા હોય તેને યુકેમાં એડમિશન મળે છે. જો તેના માર્ક ઓછા હોય તો તેને IELTSની પરીક્ષા પાસ કરવી પડે છે, પરંતુ બંને ના થઈ શકે ત્યારે આવા ભેજાબાજો પોતાના શૈતાની ઉપાય અજમાવીને લોકોને છેતરવાનું કાવતરું શરૂ કરે છે.

પોલીસે બાતમીને આધારે દરોડા પાડ્યા
એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી.ડી.પટેલે બાતમી મુજબ આંબાવાડીના ગ્રાન્ડ મોલ ખાતે ત્રીજા માળે આવેલી યુનિવર્લ્ડ નામની ઓફિસમાં શુક્રવારે બપોરે દરોડા પાડી ત્રણ આરોપીને ઝડપી લીધા હતા. પોલીસ તપાસમાં ખૂલેલી વિગત મુજબ ઓફિસના સંચાલક મનીષભાઈ સુરેન્દ્રભાઈ ઝવેરી નીરવ વિનોદ વખારિયા, જિતેન્દ્ર ભવાનભાઈ ઠાકોર ડુપ્લિકેટ માર્કશીટ બનાવવાના વેપલો કરતો હતો. આરોપીઓની પૂછપરછમાં ખૂલેલી વિગત મુજબ વિદેશ ઇચ્છતા લોકોની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની અસલ માર્કશીટ લઈ આરોપીઓ એમાંથી ગુજરાત બોર્ડનો અસલ લોગો અને સિક્કો કાઢી માર્ક સુધારી તૈયાર થયેલી નકલી માર્કશીટ પર આ લોગો અને સિક્કો લગાવી દેતા હતા. આમ, વિદેશ જવા ઇચ્છતા લોકોને વિઝા અપાવવા માટે આ રેકેટ ચાલતું હોવાનું ખૂલ્યું હતું.

માર્કશીટમાં ચેડાં કરવાનો ગોરખધંધો
આ ઓફિસના સંચાલક અને તેના મળતિયાઓએ યુકે જવા માટે તત્પર લોકોની ધોરણ 12માં જરૂરી માર્ક ના હોય તો તેમની માર્કશીટમાં ચેડાં કરવાનો ગોરખધંધો શરૂ કર્યો હતો. કોઈ વ્યક્તિને 68 માર્ક આવ્યા હોય તો તે વિદેશ વિઝા માટે લાયકાત ધરાવતો નથી, તેથી આ લોકો તેની માર્કશીટમાં ચેડાં કરીને 86 માર્ક કરી દેતા હતા, જે નજીકની ઝેરોક્સની દુકાનમાં કલર ઝેરોક્સ, જેની દસ રૂપિયા કિંમત છે, એ કઢાવીને યુકેની એમ્બેસી અને કોલેજ કે યુનિવર્સિટીમાં મોકલી દેતા હતા. એના આધારે એડમિશન લેટર મળી જતા હતા. આ રીતે દસ રૂપિયાના જુગાડમાં લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી લેવાનું રીતસરનું કૌભાંડ ચાલતું હતું.

પોલીસે 24.64 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
આ બનાવ અંગે જ પોલીસ સ્ટેશનના પીઆઇ રાજપૂતે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે માર્કશીટમાં ચેડાં કરી એની કલર ઝેરોક્સ બનાવીને વિદેશ મોકલનારા તેમજ તેની સાથે જોડાયેલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ લોકો અત્યારસુધીમાં કેટલા લોકોને આ રીતે છેતર્યા છે એની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે આ ઓફિસના સંચાલકોની અંગજડતી લેતાં તેમની પાસેથી 35 જેટલી નકલી માર્કશીટ, 60 હજારની કિંમતનાં બે કોમ્પ્યુટર, એક પૈસા ગણવાનું મશીન, ત્રણ નંગ મોબાઈલ, 23.75 લાખ રોકડા સહિત કુલ 24.64 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.