ડ્રગ્સ ઝડપાયું:અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશને હાવરા-ગાંધીધામ ટ્રેનના પેસેન્જર પાસેથી રૂ.3 કરોડનું ડ્રગ્સ પકડાયું

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
કાલુપુર રેલવે સ્ટેશનની ફાઈલ તસવીર - Divya Bhaskar
કાલુપુર રેલવે સ્ટેશનની ફાઈલ તસવીર
  • ડિલિવરી માટે આવેલા બે કેરિયર પણ ઝડપાઈ ગયા
  • એનસીબીને​​​​​​​ મળેલી બાતમીને આધારે રેલવે પોલીસે 974 ગ્રામ એમડી ડ્રગ્સ પકડી ઓપરેશન પાર પાડ્યું, ડ્રગ્સ મગાવનાર અંગે તપાસ શરૂ

કોલકાતાના હાવડાથી આવતી અને ગાંધીધામ જતી ગરભા એકસપ્રેસમાં પ્રતિબંધિત એમ.ડી ડ્રગ્સ સાથે મુસાફરી કરી રહેલા એક મુસાફરને રેલવે પોલીસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમે ઝડપી લીધો હતો. આરોપી પાસેથી રૂ. ત્રણ કરોડની આંતરરાષ્ટ્રીય બજાર કિંમતના 974 ગ્રામ મેથામ્ફેટામાઈનનો જથ્થો કબજે કર્યો હતો. આ ઉપરાંત ડિલિવરી લેવા માટે આવેલા અન્ય બે રીસીવરોને પણ સંયુકત ટીમે ઝડપી લીધા હતા.

હાવડાથી ગાંધીધામ જતી ગરભા એક્સપ્રેસમાં એક વ્યક્તિ એમડી ડ્રગ્સ સાથે મુસાફરી કરી રહ્યો છે અને તે અમદાવાદ સ્ટેશને કોઈને આ ડ્રગ્સની ડિલિવરી આપવાનો છે તેવી બાતમી એનસીબીને મળી હતી. જેના પગલે એનસીબી અને આરપીએફ અમદાવાદની સંયુકત ટીમે અમદાવાદ સ્ટેશન પર વોચ ગોઠવી દીધી હતી. દરમિયાન ગરભા એકસપ્રેસ આવતા ટ્રેન પ્લેટફોર્મ નંબર-3 પર ટ્રેન પહોંચી પોલીસટીમે અંદર પ્રવેશી બી-2 કોચમાં 8 નંબરની સીટ પરથી એક શંકાસ્પદ યુવક પ્રવીણકુમાર ભાટીને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ટીમને તપાસ દરમિયાન લગભગ 3 કરોડ રૂપિયાની કિમતનો પ્રતિબંધિત મેથામ્ફેટામાઈન ડ્રગ્સ મળી આવ્યું હતું.

એનસીબીના સૂત્રોના આધારે હાવરાથી અમદાવાદ સુધીમાં આરોપી પ્રીવણકુમારે અન્ય કેટલાક લોકોને એમડીનો જથ્થો સપ્લાય કર્યો છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. આ જથ્થો કોલકાતાથી ગુજરાતમાં લવાયો હતો કે વચ્ચે આવતા અન્ય રાજ્યોમાંથી લવાયો હતો તે બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

સ્ટેશન નજીક ડ્રગ્સ પહોંચાડવાનું હતું
પ્રવીણ ભાટીની પૂછપરછ કરતા તેણે આ ડ્રગ્સની ડિલિવરી તે અમદાવાદ સ્ટેશનની નજીકના વિસ્તારમાં ઉભેલા સરોજ નામના યુવકને આપવાનો છે તેવી માહિતીના આધારે આરપીએફની ટીમે સરોજ ઉર્ફે સાગર ગોસ્વામીની પણ ધરપકડ કરી હતી. સરોજ ગોસ્વામીની પૂછપરછમાં તેની સાથે ડિલિવરી માટે અન્ય એક વ્યક્તિ આવી હોવાનું જાણવા મળતા પોલીસ ટીમે વધુ એક આરોપી અબ્દુલ ગનીની પણ ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...