નમસ્કાર, આજે મંગળવાર છે, તારીખ 20 જુલાઈ, અષાઢ સુદ અગિયારસ
આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) આજે ભારત-શ્રીલંકા વચ્ચે 3 મેચની સિરીઝની બીજી મેચ રમાશે, ભારત એક મેચ જીતીને 1-0થી આગળ
2) સાબરમતી રિવરફ્રન્ટ પર ચંદ્રનગર બ્રિજના બાયોડાયવર્સિટી પાર્ક પર જાપાનની ‘મિયાવાકી’ પધ્ધતિથી મીની જંગલ ઊભું કરાશે
3) ME, M.TECH અને M.PHARMની આજથી પ્રવેશ પ્રક્રિયા શરૂ, વિવિધ જિલ્લામાં 63 સાયબર સેન્ટરની વ્યવસ્થા
4) મુખ્યમંત્રી વિજય રૂપાણી ભાવનગરમાં જનસુખાકારી અને આરોગ્ય સુવિધાના રૂ. 70 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરશે
5)આજથી સુરત શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનરે 15 દિવસ હથિયારબંધી લાગૂ કરી
હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચારો
1) પેગાસસ જ નહીં મોદી CM હતા ત્યારે જાસૂસીના આરોપ લાગ્યા હતા, શંકરસિંહ વાઘેલાએ કહ્યું- જાસૂસીનું ગુજરાત મોડલ, આપખુદશાહીને ઉત્તેજન
ઈઝરાયેલના સોફ્ટવેર પેગાસસની મદદથી કેન્દ્ર સરકાર દ્વારા દેશના કેટલાક પત્રકારો, નેતાઓ અને જજની ફોન-ટેપિંગ માધ્યમથી જાસૂસી કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ત્યારે અગાઉ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા એ સમયે પણ ગુજરાતમાં રાજકીય નેતાઓ અને અધિકારીઓના ફોન ટેપ થવાના વખતોવખત તેમની પર આક્ષેપો થયા હતા. પેગાસસ મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કહ્યું છે કે, જાસૂસીનું જે મોડલ જોઈ રહ્યા છો એ ભાજપાના ગુજરાત મોડલનો એક ભાગ છે. લોકશાહી નાબૂદ કરીને તાનાશાહીને ઉત્તેજન અપાઈ રહ્યું છે. ઉત્તર કોરિયાવાળા દિવસો આવનાર છે.
વાંચો સમાચાર વિગતવાર
2) સમગ્ર દેશમાં પ્રથમવાર ગુજરાત હાઇકોર્ટની તમામ કોર્ટરૂમની કામગીરીનું યુ-ટ્યૂબ પર લાઇવ સ્ટ્રીમિંગ, સામાન્ય જનતા સુનાવણી જોઈ શકશે
ગુજરાત હાઈકોર્ટ દેશમાં કોર્ટ રૂમની તમામ કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરનારી દેશમાં પ્રથમ હાઈકોર્ટ છે. સોમવારે 19મી જુલાઈથી ગુજરાત હાઇકોર્ટના 18 કોર્ટ રૂમની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવામાં આવી રહ્યું છે, જેમાં અરજદાર સહિત જુનિયર એડવોકેટ, પત્રકાર, સામાન્ય જનતા તમામ કાર્યવાહીને ગુજરાત હાઇકોર્ટની યુ-ટ્યૂબ ચેનલ પર નિહાળી રહ્યા છે. હવે કોર્ટમાં કાર્યવાહી કેવી રીતે થાય છે એ તમામ બાબત સામાન્ય જનતા પણ જાણી શકશે.
વાંચો સમાચાર વિગતવાર
3) સ્માર્ટ સિટી અમદાવાદમાં શિક્ષણ, વિદ્યાર્થીઓ પાસે મોબાઈલ નથી માટે AMCના શિક્ષકોએ બગીચામાં ભણાવવાનું શરૂ કર્યું
કોરોના કાળમાં ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે ત્યારે અનેક વિદ્યાર્થીઓ એવા છે. જેમની પાસે ઓનલાઇન શિક્ષણ માટે મોબાઈલ ફોન, લેપટોપ અને રિચાર્જ કરાવવાના પૈસા નથી. જેથી આવા વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે સ્માર્ટસિટી AMCની સ્કૂલના વિદ્યાર્થીઓ માટે નવો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં અગાઉ શેરી શિક્ષણ ચાલી રહ્યું હતું ત્યારે હવે બગીચામાં વિદ્યાર્થીઓને ભણાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.
વાંચો સમાચાર વિગતવાર
4) ભરૂચના BJP સાંસદ મનસુખ વસાવાએ શિક્ષણ મંત્રીને લખ્યો પત્ર, ઉદ્યોગપતિ બે-નંબરી આવકમાંથી બચવા સ્કૂલો-હોસ્પિટલ ઊભી કરતા હોવાનો આક્ષેપ કર્યો
શિક્ષણ મુદ્દે ભરૂચના BJP સાંસદ મનસુખ વસાવાનો શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને લખ્યો પત્ર લખ્યો છે. ઉદ્યોગપતિઓ બે નંબરી આવકમાંથી બચવા શૈક્ષણિક સંસ્થાઓ-હોસ્પિટલો ઉભી કરે છે એવો આક્ષેપ ભાજપના સિનિયર સાંસદ મનસુખ વસાવાએ લગાવ્યો છે. પત્ર જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું માટી કૌભાંડ બહાર આવ્યું અને એનાથી પણ શરમજનક ઘટના તો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ 7500 રૂપિયામાં બેસ્ટ પ્રિન્સિપાલનો એવોર્ડ ખરીદ્યો એ કહી શકાય.
વાંચો સમાચાર વિગતવાર
5) ચોમાસુ શરૂ થતાંની સાથે જ અમદાવાદ શહેરમાં ઝાડા, ઉલ્ટી, કમળો, ટાઇફોઇડ સહિત મચ્છરજન્ય રોગોમાં વધારો
રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગો અને મચ્છરજન્ય રોગોની શરૂઆત થઈ ગઈ છે. તેમાં પણ અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. જેમાં ઝાડા, ઉલ્ટી, કમળો અને ટાઇફોઇડના કેસોમાં ગત વર્ષે જુલાઈ માસમાં થયેલા કેસ કરતા આજદિન સુધીમાં વધારો થયો છે. અમદાવાદમાં મેલેરિયાના 40, ઝેરી મેલેરિયાના 3, ડેન્ગ્યુના 24 અને ચિકનગુનિયાના 7 કેસ નોંધાયા છે.
વાંચો સમાચાર વિગતવાર
6) અમદાવાદના હીરાપુરની વિવાદિત DPS સ્કૂલ પાસે માન્યતા ના હોવા છતાં 800 વિદ્યાર્થીઓને ભણાવાઈ રહ્યા છે, નવા એડમિશન પણ આપ્યા
હીરાપુરની વિવાદિત DPS સ્કૂલ ફરીથી વિવાદમાં આવી છે. અગાઉ સ્કૂલ નિત્યાનંદ મામલે ચર્ચામાં આવી હતી તે સમયે સ્કુલના દસ્તાવેજ અને ચેક કરતા ખોટા દસ્તાવેજના આધારે મંજુરી મેળવી હોવાનું સામે આવ્યું હતું. જે બાદ સ્કૂલની માન્યતા રદ કરવામાં આવી હતી. પરંતુ સરકાર હસ્તક સ્કુલ લઈને વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને 31 માર્ચ સુધી સ્કૂલ ચાલુ રાખવામાં આવી હતી. પરંતુ નવા શૈક્ષણિક વર્ષમાં પણ સ્કૂલ ચાલુ રાખવામાં આવી છે, જેથી ફરીથી વિવાદ સર્જાયો છે.
વાંચો સમાચાર વિગતવાર
7) ભૂતપુર્વ CJI રંજન ગોગોઈ પર યૌન શોષણનો આરોપ લગાવનાર સ્ટાફરના 3 ફોન હેકિંગ લિસ્ટમાં સામેલ; રાહુલ અને પ્રશાંત કિશોરના ફોન પણ ટાર્ગેટ
દેશના ભૂતપુર્વ મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ પર યૌન શોષણનો આરોપ લગાવનારી સુપ્રીમ કોર્ટની ભૂતપુર્વ સ્ટાફર પણ ફોન હેકિંગ કેસમાં ટાર્ગેટમાં હતી. ધ વાયરના અહેવાલ પ્રમાણે આ સ્ટાફરના ત્રણ ફોન નંબર પર ચાંપતી નજર રાખવામાં આવતી હતી. આ માટે અપરિચિત ભારતીય એજન્સીએ ઈઝરાયલી સ્પાયરવેર પેગાસસનો ઉપયોગ કર્યો હતો. બીજી બાજુ, અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઈઝરાયલી સ્પાયવેર મારફતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરનો ફોન પણ હેક કરવામાં આવ્યો હતો. ફોન ટેપ કરવાના અહેવાલોને પગલે સોમવારે સંસદમાં હોબાળો મચી ગયો હતો.
વાંચો સમાચાર વિગતવાર
8) ICMRએ કહ્યુ - આગળના 3 સપ્તાહમાં ત્રીજી લહેર આવશે, રોજ એક લાખ સુધીના કેસો આવશે; IITનાં પ્રોફેસર બોલ્યા- ભારત હર્ડ ઇમ્યુનિટીથી નજીક
કોરોનાની ત્રીજી લહેરને લઇને દેશની બે મોટી સંસ્થાઓના વિજ્ઞાનિકોનો મત અલગ-અલગ છે. ઇન્ડિયન કાઉંસિલ ઓફ મેડિકલ રિસર્ચ(ICMR)ના પ્રમુખ વૈજ્ઞાનિક સમીરન પાંડા એ દાવો કર્યો છે કે આગલા ત્રણ સપ્તાહમાં એટલે કે ઓગસ્ટના અંત સુધી દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવશે. એવી પણ સંભાવનાઓ છે કે રોજના આશરે એક લાખ લોકો સંક્રમીતો નોંધાશે. તેમણે કહ્યુ કે વાઇરસે જો સ્વરૂપ બદલ્યુ તો સ્થિતિ વધુ વણસી શકે છે. IIT કાનપુરનાં પ્રોફેસર મણિન્દ્ર અગ્રવાલએ આનાથી વિરુધ્ધ નિવેદન આપ્યુ છે. તેમણે ત્રીજી લહેરનુ ખતરનાક હોવુ તે વાતને નકારી દીધી છે. તેમનો દાવો છે કે ભારત હર્ડ ઇમ્યુનિટીથી નજીક છે.
વાંચો સમાચાર વિગતવાર
9) અફઘાનિસ્તાનમાં જ્યાં ઈન્ડિયન જર્નાલિસ્ટ દાનિશની હત્યા થઈ, ત્યાં પાકિસ્તાન અને તાલિબાનના ઝંડા એકસાથે લહેરાતા જોવા મળ્યા
અફઘાનિસ્તાનના સ્પિન બોલ્ડ વિસ્તારમાં 16 જુલાઇએ ઈન્ડિયન ફોટો જર્નાલિસ્ટ દાનિશ સિદ્દીકીની હત્યા કરાઈ હતી. અત્યારે અહીં તાલિબાન અને પાકિસ્તાનના ધ્વજ એકસાથે લહેરાતા જોવા મળ્યા હતા. આનાથી સ્પષ્ટપણે અનુમાન લગાવાઈ રહ્યું છે કે પાકિસ્તાન પ્રમાણિકપણે તાલિબાનનું સમર્થન કરી રહ્યું છે. તાજેતરમાં જ પાકિસ્તાનના 10 હજાર લડવૈયાઓને અફઘાનિસ્તાનના વોર ઝોનમાં મોકલાયા છે. આ લડવૈયાઓને ત્યાં આતંક ફેલાવવામાં તાલિબાનની સહાયતા કરવા અને ઈન્ડિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિનાશ કરવા મોકલાયા છે.
વાંચો સમાચાર વિગતવાર
મહત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) સિદ્ધુ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા પણ કેપ્ટને શુભેચ્છા ના પાઠવી, દરેક ધારાસભ્યોને લંચ માટે બોલાવ્યા, સિદ્ધુને આમંત્રણ પણ નહીં
2)પાકિસ્તાનમાં મોટી દુર્ઘટના સર્જાઈ; ટ્રક અને બસની ટક્કરમાં 30નાં મૃત્યુ, 40થી વધુ ઘાયલ
3) સંસદમાં ફોન-ટેપિંગ મુદ્દે હોબાળો; વિપક્ષે સ્વતંત્ર તપાસની માગ કરી, સરકારે કહ્યું- લીક ડેટાની જાસૂસી સાથે કોઈ લેવાદેવા નથી, લોકશાહીને બદનામ કરવાનું કાવતરું
4) દેશના અનેક ભાગોમાં ભારે વરસાદ, ઉત્તરકાશીમાં વાદળ ફાટતા 3 લોકોના મોત, 4 ગુમ
આજનો ઈતિહાસ
વર્ષ 1969માં આજના દિવસે નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્રમા પર પગ મૂક્યો હતો. આર્મસ્ટ્રોંગ એપોલો 11 અંતરિક્ષ યાનમાં ચંદ્રમા પર પહોંચ્યા હતા.
અને આજનો સુવિચાર
વિચાર એ એક એવું પંખી છે જે શબ્દ સ્વરૂપે પિંજરામાં પાંખ તો પ્રસારે છે પણ ઉડવા માટે અશક્ત છે
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું..
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.