બીજા ડોઝનું વેક્સિનેશન:અમદાવાદમાં આજે વેક્સિનેશન સેન્ટર પર લાંબી લાઈન અને ભીડ વગર વેક્સિન અપાઈ, 38104 લોકોને બીજો ડોઝ અપાયો

અમદાવાદ3 મહિનો પહેલા
વેક્સિનેશન સેન્ટર પર બીજો ડોઝ લેવા પહોંચેલા સિનિયર સિટીઝન
  • અસારવા અને સીજી રોડ પરના અર્બન હેલ્થ સેન્ટર ખાતે વેક્સિનના 200 ડોઝ ફાળવવામાં આવ્યા હતા
  • બીજો ડોઝ મેળવનારમાં આજની વ્યવસ્થાથી સંતોષ, રોજ આવી રીતે જ વ્યવસ્થા કરવા સૂચન

રાજ્યમાં રવિવાર અને બુધવારે એમ બે દિવસ માટે કોરોના વેક્સિનેશન બંધ હોય છે જો કે આજે રવિવારે વેક્સિનેશનનો માત્ર બીજો ડોઝ આપવામાં આવશે તેવી રાજ્ય સરકારે જાહેરાત કરી હતી. જેના પગલે આજે રવિવારે વેક્સિનેશન સેન્ટર પર 38104 લોકોને વેક્સિનનો બીજો ડોઝ અપાયો હતો. જેમાં કેટલાક સેન્ટર પર લોકોની ભીડ જોવા મળી હતી. તો કેટલાક સેન્ટરો પર ખૂબ ઓછી ભીડ જોવા મળી રહી હતી. અસારવા અને સીજી રોડ પરના અર્બન હેલ્થ સેન્ટર ખાતે વેક્સિનના 200 ડોઝ આવ્યા હતા. જે માત્ર બીજા ડોઝ લેવા આવનારને જ આપવામાં આવ્યા હતા. લોકોએ લાઈન અને ભીડ વિના આજે બીજો ડોઝ મેળવ્યો હતો.

22191 પુરૂષ અને 15913 મહિલાઓએ વેક્સિન લીધી
અમદાવાદ શહેરમાં આજે શુક્રવારે 38104 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. જેમાં 22191 પુરૂષ અને 15913 મહિલાઓએ વેક્સિન લીધી હતી. 18થી 44 વય જૂથના 18070 અને 45 વર્ષ ઉપરના 14963 લોકોને વેક્સિન અપાઈ હતી. 60 વર્ષથી ઉપરના 3677 લોકોને જ વેક્સિન આપવામાં આવી હતી.

અમદાવાદમાં કોવિશીલ્ડ અને કોવેક્સિનના બીજા ડોઝ આપવાની કામગીરી થઈ હતી
અમદાવાદમાં કોવિશીલ્ડ અને કોવેક્સિનના બીજા ડોઝ આપવાની કામગીરી થઈ હતી

આજની માફક સામાન્ય દિવસોમાં પણ બોલાવાય તો ભીડ ન થાય
રાજુ પરીખે જણાવ્યું હતું કે, આજે હું બીજો ડોઝ લેવા આવ્યો હતો. સરકારે આજે માટે બીજા ડોઝ માટેનું જ આયોજન કર્યું હતું. જેથી મને લાઈન અને ભીડ વિના બીજો ડોઝ મળ્યો હતો. સામાન્ય દિવસોમાં પણ આ પ્રકારે અલગ અલગ ડોઝ માટે બોલાવવામાં આવે તો વેક્સિન સેન્ટર પર લાઈન નહીં થાય. સરકારે આયોજન કરીને વેક્સિન આપવી જોઈએ જેથી તમામને વેક્સિન મળી રહે.

આવી રીતે આયોજન કરાય તો તમામને લાભ મળે
એક સિનિયર સિટીઝને જણાવ્યું હતું કે, સામાન્ય દિવસમાં ભીડ વધુ હોય છે, પરંતુ આજે વેક્સિન લેવા આવ્યો હતો. ત્યારે જરા પણ ભીડ ન હતી. જેથી જલ્દીથી વેક્સિન મળી રહી હતી. અમારા જેવા સિનિયર સિટીઝનને આજે જે રીતે વેક્સિન આપવામાં આવી તેનો ફાયદો થયો છે. આ પ્રકારનું આયોજન કરવામાં આવે તો તમામને લાભ થશે.