છેતરપિંડી:અમદાવાદમાં લકી ડ્રોની સ્કીમમાં પૈસાનું રોકાણ કરાવી 500થી વધુ સભ્યો પાસેથી 2.92 કરોડની છેતરપિંડી, બે આરોપીની અટકાયત

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ક્રાઈમ બ્રાન્ચ ઓફિસની ફાઈલ તસવીર - Divya Bhaskar
ક્રાઈમ બ્રાન્ચ ઓફિસની ફાઈલ તસવીર
  • આરોપીઓની બહેરામપુરા, કુબેરનગર અને નિકોલ-નરોડમાં 3 ઓફિસ ચાલતી

અમદાવાદમાં લકી ડ્રોના નામે લોભાવતી સ્કીમ મૂકીને છેતરપિંડી આચરનારા બે આરોપીઓની અટકાયત કરી છે. આરોપીઓએ લકી ડ્રોની સ્કીમમાં ડ્રો દ્વારા દર મહિને પૈસાની લાલચ આપીને સભ્યો પાસેથી પૈસા પડાવતા. ફરિયાદીની ફરિયાદના આધારે પોલીસ તપાસમાં જાણ થઈ કે બે જેટલી સ્કીમ દ્વારા આરોપીઓએ 2.92 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. આરોપીઓ અમદાવાદ બહેરામપુરા, કુબેરનગર તથા નિકોલ-નરોડા રોડ એમ 3 જગ્યાએ ઓફિસ ચલાવતા હતા.

વિગતો મુજબ, આરોપી મહેશ ભદ્રા દ્વારા ચિરાગ મિત્ર મંડળ નામની બે નવી સ્કિમ શરૂ કરવામાં આવેલી. જેમાં સ્કિમના કાર્ડમાં લખ્યું હતું, સભ્ય થનાર વ્યક્તિને માસિક રૂ.2000 ના કુલ 32 હપ્તા ભરવાના અને દર માસની 16 મી તારીખે લક્કી ડ્રો રાખવાનું જણાવ્યું હતું. જેમાં પ્રથમ માસે ઇનામ લાગનાર વ્યક્તિને રૂ. 1.50 લાખની રકમ ઇનામ પેટે આપવામાં આવશે.

તેમજ આ રીતે દર માસે ઇનામની રકમમાં માસિક રૂપિયા 50,000 નો વધારો કરવામાં આવશે તથા આગળ પાછળના સભ્યોને 100-100 ગ્રામ ચાંદીના બિસ્કીટ પ્રોત્સાહીત ઇનામ રૂપે આપવામાં આવશે, જે વ્યક્તિને ઇનામ લાગે તે વ્યક્તિને માસિક રૂપિયા 2000 ભરવાના બંધ થઇ જશે અને તેનું સભ્ય પદ રદ થઇ જશે. આ સ્કિમમાં સભ્ય સંખ્યા 3000 સુધીની રાખવાની લીમીટ રાખવામાં આવેલ હતી. આ સ્કિમમાં 32 હપ્તા પુર્ણ થયા બાદ જે વ્યક્તિઓને ઇનામ ના લાગે તેને રૂપિયા 6000ની રકમ ઉમેરી કુલ રૂપિયા 70,000ની રકમ સ્કિમ પુર્ણ થયેથી ચુકવવામાં આવશે.

તેમજ એક ડબલની સ્કિમ 10 માર્ચ 2019ના રોજ શરૂ કરવામાં આવેલ, જેમાં કુલ-60 સભ્યો રાખેલ હતા. જેમાં દરેક સભ્યોએ રૂ.1 લાખની રકમ ચેકથી આનંદ ફાયનાન્સમાં એડવાન્સમાં ભરવાની હતી. આ 60 સભ્યોનો એક જ દિવસે ડ્રો કરી સ્કિમ ચાલુ કર્યાના એક માસ બાદ લક્કી ડ્રોમાં 1 થી 10 નંબર ખુલે તે રીતે રૂ.2 લાખ રકમ પરત ચુકવવાની હતી. આનંદ ફાયનાન્સ તરફથી ડ્રોના દિવસે જ તમામ સભ્યોને રૂ.2 લાખના ચેકો તારીખ પ્રમાણે એડવાન્સમાં આપી દેવાના હતા, તે મુજબની બે નવી સ્કિમો મુકેલી.

પ્રથમ જણાવેલ સ્કિમમાં જે સભ્ય લાવશે તે એન્જટને તેના સભ્યના સભ્ય ફીના પૈસા ઉઘરાવી લાવવાના રહેશે અને તે બદલ સભ્ય દીઠ એજન્ટને માસીક રૂપિયા 100 કમીશન ચુકવવામાં આવશે. તેમજ જે વ્યક્તિ રૂપિયા 100 વધારે ભરશે તે સભ્યનું મૃત્યુ થશે તો તે સભ્યના પરિવારને રૂપિયા 3 લાખનો વિમો ચુકવવામાં આવશે, તે મુજબની એક સ્કીમ 16 નવેમ્બર 2018થી ચાલુ કરેલી.

પ્રથમ સ્કીમ પૈકી ફરિયાદી તથા અન્ય એજન્ટો મારફતે કુલ 475 વ્યક્તિઓ પાસેથી રૂપિયા 2,78,10,000ની રકમ ઉઘરાવેલી, તેમજ આરોપી મહેશ ભદ્રાએ બાકીના 2525 સભ્યો પોતાના હોવાનું જણાવી દર માસે 3000 સિક્કા રાખી ડ્રો કરેલ, તે પૈકી ફક્ત એજન્ટ બનાવેલ એક સભ્યને રૂપિયા 10 લાખ ઇનામ પેટે ચુકવી તેમજ રૂપિયા 10.59 લાખની રકમ સભ્યોને કમિશન પેટે ચુકવી બાકીની રૂપિયા 2,57,51,000 ની રકમ આરોપીઓએ પોતાની પાસે રાખી હતી. તેમજ બીજી સ્કીમમાં કુલ 60 સભ્યો પાસેથી રૂપિયા 60 લાખ ઉઘરાવી તે પૈકી 1 થી 25 નંબરના સભ્યોને માસિક રૂપિયા 2 લાખ લેખે ઇનામી રકમ ચુકવી બાકીના 35 સભ્યોને કોઇ રકમ ન ચુકવી તેમની 35 લાખની રકમ આરોપીઓએ રાખી લીધી.

બન્ને સ્કિમોના મળી કુલ રૂપિયા 2,92,51,000ની રકમ સભ્યોને નહીં ચુકવી સભ્યો તથા એજન્ટો સાથે વિશ્વાસઘાત અને છેતરપીન્ડી કરી ગુનો આચરેલા છે. હાલમાં આ છેતરપિંડી મામલે પોલીસે ચિરાગ ભદ્રા અને મમતા ભદ્રા નામની મહિલા સહિત બે વ્યક્તિની અટકાયત કરી છે. જ્યારે મુખ્ય સુત્રધાર મહેશ ભદ્રાની શોધખોળ ચાલું છે.

અન્ય સમાચારો પણ છે...