ધો.10 ના રિઝલ્ટનું એનાલિસિસ:સાયન્સમાં 28 હજાર વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો, અંગ્રેજી પ્રથમ ભાષાનું 94.73% પરિણામ,બેઝિક ગણિતમાં ધોવાઈ ગયાં

અમદાવાદએક મહિનો પહેલા
  • સુરત જિલ્લાનું 2020માં 74.66 ટકા અને 2022માં 75.64 ટકા આવ્યું

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ 10ની પરીક્ષાનું 65.18 ટકા પરિણામ આજે જાહેર થઈ ગયું છે.આ વખતે છોકરાઓ કરતાં છોકરીઓએ 11.74 ટકા વધુ પરિણામ મેળવ્યું છે. બીજી બાજુ સૌથી વધુ સાયન્સમાં 28 હજાર વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે અંગ્રેજી પ્રથમ ભાષામાં 94.73 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે બેઝિક ગણિતમાં વિદ્યાર્થીઓ આ વખતે ધોવાઈ ગયાં છે. બેઝિક ગણિતમાં આ વખતે 69.53 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે સ્ટાન્ડર્ડ ગણિતમાં 92.63% પરિણામ આવ્યું છે.

અંગ્રેજી પ્રથમ ભાષાનું સૌથી વધુ પરિણામ
ધોરણ 10માં સૌથી વધુ અંગ્રેજી વિષયનું પરિણામ આવ્યું છે. અંગ્રેજી (FL) કુલ 87137 વિદ્યાર્થીઓમાંથી 87006 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં 82418 વિદ્યાર્થીઓ પાસ થયાં હતાં. જેથી આ વિષયનું 94.73% પરિણામ આવ્યું છે. બીજી તરફ સ્ટાન્ડર્ડ ગણિતમાં વિદ્યાર્થીઓએ સારા માર્ક મેળવ્યાં છે. સ્ટાન્ડર્ડ ગણિતમાં કુલ 110797 વિદ્યાર્થીઓમાંથી 110703 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં 102540 વિદ્યાર્થીઓ પાસ થયાં હતાં. તેનું 92.63% પરિણામ આવ્યું છે.

હિન્દીમાં વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ મેળવ્યાં
હિન્દી (FL)માં વિદ્યાર્થીઓએ સારૂ પરિણામ મેળવ્યું છે. હિન્દી (FL)માં કુલ 16415 વિદ્યાર્થીઓમાંથી 16246 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં 14777 વિદ્યાર્થીઓ પાસ થયાં હતાં. જેમનું 90.96% પરિણામ આવ્યું છે. જ્યારે બેઝિક ગણિતમાં વિદ્યાર્થીઓ માર ખાઈ ગયાં છે. કુલ 670355 વિદ્યાર્થીઓમાંથી 661540 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં 459992 વિદ્યાર્થીઓ પાસ થયાં છે. તેમનું 69.53% પરિણામ આવ્યું છે.

આ વિષયમાં સૌથી વધુ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો
ધોરણ 10ની પરીક્ષાના પરિણામ વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થીનીઓએ સૌથી વધુ માર્કસ મેળવ્યાં છે. પરંતુ જો વિષય પ્રમાણે ગ્રેડની વાત કરવામાં આવે તો સાયન્સ અને સોશિયલ સાયન્સમાં સૌથી વધુ વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો છે. સોશિયલ સાયન્સમાં 26104, સાયન્સમાં 28286, સ્ટાન્ડર્ડ ગણિતમાં 21501, સંસ્કૃતમાં 25830, બેઝિક ગણિતમાં 14744 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો છે. જ્યારે ગુજરાતીમાં 1543, હિન્દીમાં 160, અંગ્રેજીમાં 170, અંગ્રેજી(Sl) 8598, ગુજરાતી (SL)માં 729, હિન્દી (SL)માં 829 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે.

છેલ્લા ત્રણ વર્ષના પરિણામ પર એક નજર
ગુજરાતમાં આ વખતે સુરત જિલ્લાનું પરિણામ સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ આવ્યું છે. 2019માં સુરત જિલ્લાનું પરિણામ 79.63 ટકા હતું. જે ઘટીને કોરોનાકાળમાં 2020માં 74.66 ટકા આવ્યું હતું. આ વખતે તેમાં એક ટકાનો વધારો થતાં 75.64 ટકા આવ્યું છે. મોરબીની વાત કરીએ તો 2019માં 74.09 ટકા હતું.જે 2020માં ઘટીને 64.62 ટકા આવ્યું હતું. પરંતુ આ વખતે પરિણામમાં વધારો થતાં 73.79 ટકા આવ્યું છે. રાજકોટ જિલ્લાનુ પરિણામ જોઈએ તો 2019માં 73.92 ટકા હતું. જે 2020માં ઘટીને 64.08 ટકા આવ્યું હતું. આ વખતે તેમાં વઘારો થતાં 72.86 ટકા આવ્યું છે.

છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદ અને વડોદરામાં પરિણામ ઘટ્યું
અમદાવાદ શહેરની વાત કરીએ તો 2019માં 72.45 ટકા હતું જે 2020માં ઘટીને 65.51 ટકા આવ્યું હતું. આ વખતે પણ તેમાં ઘટાડો થતાં 63.18 ટકા આવ્યું છે. જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 2019માં 70.24 પરિણામ આવ્યું હતું. જે 2020માં ઘટીને 66.07 ટકા આવ્યું હતું પણ આ વખતે પણ તેમાં ઘટાડો જોવા મળ્યો છે. આ વખતે 2022માં 63.98 ટકા પરિણામ આવ્યું છે. વડોદરાની વાત કરીએ તો 2019માં 67.03 ટકા હતું.તેમાં 6 ટકા ઘટાડો થતાં 2020માં 60.19 ટકા આવ્યું હતું. પણ આ વખતે તેમાં એક ટકાનો વધારો થતાં 61.21 ટકા પરિણામ આવ્યું છે.