રાજ્યમાં ફરી એક વાર કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. તો બીજી તરફ કોરોનાનાં લક્ષણ ધરાવતા ફ્લૂએ માથું ઊંચક્યું છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શરદી, ખાંસી, તાવના કેસો પણ જોવા મળી રહ્યા છે. જો કે, રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી એકવાર દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 262 કેસ નોંધાયા છે. જેની સામે 146 દર્દીઓ સાજા થયા છે અને હાલ ચાર દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે. તો બીજી તરફ 10 માર્ચના સુરતમાં એક દર્દીના મોત બાદ 21 માર્ચે ભરૂચના ઝઘડિયામાં કોરોનાના કારણે 81 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ત્યારબાદ 22 માર્ચે મહેસાણામાં ત્રણ વર્ષના બાળકના મોત બાદ 23 માર્ચ એટલે કે આજે ફરી અમદાવાદમાં 13 વર્ષની બાળકીનું મોત થયું છે.
રાજ્યમાં કોરોનાના કુલ 1179 એક્ટિવ કેસ
કોરોનાના કુલ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 1179 એક્ટિવ કેસ છે. જેમાંથી 04 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 1175 દર્દીઓ હાલ સ્ટેબલ છે. ત્યારે કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,67,290 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11050 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ 143 કેસ
કોરોના કેસને લઇ જિલ્લા અને કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 143 કેસ નોંધાયા છે. જ્યારે 63 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારબાદ મોરબીમાં નવા 18 કેસ સામે આવ્યા છે. સુરતમાં નવા 21 કેસ નોંધાયા છે. રાજકોટમાં 22 કેસ નોંધાયા છે. વડોદરામાં નવા 19 કેસ સામે આવ્યા છે. અમરેલીમાં 7 કેસ નોંધાયા છે. મહેસાણામાં 5 કેસ સામે આવ્યા છે. આણંદમાં 3 કેસ નોંધાયા છે. ભરૂચમાં 3 કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં નવા 6 કેસ સામે આવ્યા છે. બનાસકાંઠા, કચ્છ અને નવસારીમાં 2-2 કેસ નોંધાયા છે. જ્યારે અરવલ્લી, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ખેડા, પાટણ, સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયા છે.
અમદાવાદમાં 13 વર્ષની બાળકીનું મોત
અમદાવાદમાં આજે કોરોનાના કારણે 13 વર્ષની બાળકીનું સિવિલ હોસ્પિટલમાં મોત થયું છે. વાડજ વિસ્તારમાં રહેતી બાળકી 4 મહિનાથી ટીબીથી બીમાર હતી. કોરોના પોઝિટિવ આવતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જેનું આજે સારવાર દરમિયાન મોત થયું છે.
વડોદરામાં કોરોનાના 9 કેસ, એક્ટિવ કેસ 46 થયા
વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેરમાં કોરોનાના આજે વધુ 9 પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરોનાના કેસનો કુલ આંક 100,981 ઉપર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક 544 થયો છે. આજે વધુ 4 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 100,391 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં કોરોનાના એક્ટિવ કેસનો આંક વધીને 46 ઉપર પહોંચ્યો છે.
આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
વડોદરા શહેરના અટલાદરા, દિવાળીપુરા, ફતેગંજ, અકોટા અને માંજલપુર વિસ્તારમાં આજે કોરોનાના નવા 9 કેસ નોંધાયા છે. કુલ 398 સેમ્પલ લેવાયાં હતાં. જેમાંથી 9 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. એક્ટિવ 46 કેસ પૈકી 42 દર્દી હોમ આઇસોલેશનમાં છે અને 4 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. હાલ 4 દર્દી ઓક્સિજન પર છે. જ્યારે 36 લોકો હોમ ક્વોરન્ટીન છે.
જોટાણાના ત્રણ વર્ષના મૃત્યુ પામેલા બાળકને કોરોના
ઉલ્લેખનીય છે કે, મહેસાણા જિલ્લામાં સતત કોરોના કેસમાં વધારો નોંધાતા આજે વધુ 5 કેસ સામે આવ્યા છે. જ્યારે ગઈકાલે મહેસાણા જિલ્લામાં કોરોનાના 12 કેસ નોંધાયા છે. જ્યારે જોટાણા તાલુકાના એક ત્રણ વર્ષીય બાળકનું કોરોનાના કારણે મોત નીપજ્યું હોવાનું પણ આજે જાહેર કરવામાં આવ્યું છે.
ભરૂચમાં 81 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત
ભરૂચના ઝઘડિયા તાલુકાના વાસણા ગામના 81 વર્ષીય વૃદ્ધને કોરોનાની સારવાર માટે 15 માર્ચે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. મૃતકે વેક્સિનના બંને ડોઝ લીધા હોવાનું સામે આવ્યું છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.