કોરોનાવાઈરસ:અમરાઇવાડીમાં એક જ દિવસમાં 34 સહિત નવા 256 કેસ, વધુ 19નાં મોત 

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જમાલપુરમાં છેલ્લા બે દિવસથી કોઈ નવો કેસ નહીં
  • ભાઈપુરા-હાટકેશ્વર વોર્ડના કોંગ્રેસી કોર્પોરેટર પણ કોરોના પોઝિટિવ
  • પાંચ દિવસ પછી શહેરમાં 20થી ઓછાં મોત, કુલ મૃત્યુઆંક 764, કેસ 11097

બુધવારે શહેરમાં વધુ 256 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે 19 લોકો મૃત્યુ પામ્યા હતા. આ સાથે અમદાવાદમાં કેસનો આંકડો 11097 અને કુલ મૃત્યુઆંક 764 થયો છે. અમરાઈવાડી વોર્ડમાં એક જ દિવસમાં 34, ચાંદખેડામાં 20 અને સાબરમતીમાં 11 કેસ નોંધાયા છે. ઠક્કરબાપાનગરમાં 10, વસ્ત્રાલમાં 10 અને ખાડિયામાં 17 કેસ નોંધાયા છે. જોકે જમાલપુરમાં એક પણ કેસ નોંધાયો ન હતો. પશ્ચિમ અમદાવાદમાં મંગળવારે 68 કેસ મળ્યા હતા. ભાઈપુરા-હાટકેશ્વર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર ઈનાક્ષીબેન પટેલનો રિપોર્ટ પોઝિટિવ આ‌વ્યો છે. 19 મૃતકોમાં ઇન્ડિયાકોલોની વોર્ડમાં નરોડા રોડ પર આવેલી ક્રિશ્નાની ચાલીમાં બે વ્યક્તિના મોત નીપજ્યા છે. પાંચ દિવસ પછી શહેરનો મૃત્યુઆંક 20 નીચે ગયો છે.   શહેરમાં 19 મૃતકોમાં 15 પુરુષ અને 4 સ્ત્રી દર્દીઓનો સમાવેશ થાય છે. મૃતકોમાં તમામ 50 વર્ષથી ઉપરના હતા. વટવા, ઇન્દ્રપુરી, ચાંદલોડીયા, ઇન્ડિયાકોલોની વિસ્તારમાં 2 -2 વ્યક્તિના મૃત્યુ થયા છે. સૈજપુર બોઘા, ઠક્કરબાપાનગર, ઇસનપુર, ગોમતીપુર, વસ્ત્રાલ, સરદારનગર, બાપુનગર, અસારવા, ભાઇપુરા, વિરાટનગર અને અમરાઇવાડીમાં 1 -1 વ્યક્તિના મૃત્યુ નિપજ્યા છે. સાબરમતી રામનગરમાં નાથુભાઇની ચાલીમાં 15 કેસ નોંધાયા :  સાબરમતીમાં રામનગર નજીક આવેલી નાથુભાઇની ચાલીમાં 15 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. મ્યુનિ.એ હાથ ધરેલી તપાસમાં કોરોના પોઝિટિવ કેસ પકડાયા હતા. તમામને તત્કાલ સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. સિવિલની કોવિડ હોસ્પિટલમાં સરકારે નિયુક્ત કરાયેલા નાયબ કલેક્ટરનો રિપોર્ટ પોઝિટિવ સિવિલની કોવિડ હોસ્પિટલમાં દર્દીની સારવાર કરતાં ડોકટર અને નર્સ પણ કોરોનાગ્રસ્ત થાય છે. પરંતુ, છેલ્લાં 40 દિવસથી સિવિલની કોવિડ હોસ્પિટલમાં રાજ્ય સરકારે  નિયુક્ત કરાયેલાં નાયબ કલેકટર ધવલ જાનીએ તાવ અને શરીરના દુખાવા જેવા લક્ષણો હોવાથી કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો, જેનો બુધવારે રિપોર્ટ પોઝિટિવ આવતાં હોમ ક્વોરન્ટાઇન થવા છતાં તેમણે ઘરેથી કામગીરી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. ધવલ જાની છેલ્લાં 40 દિવસથી કોવિડ હોસ્પિટલમાં બનાવાયેલાં કંટ્રોલ રૂમમાંથી કામગીરી કરતા હતા. બે દિવસ તાવ અને શરીરમાં દુખાવાના ફરિયાદ પછી ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...