અમદાવાદમાં રોગચાળો વકર્યો:ગરમીને કારણે ઝાડા-ઊલટીના રોજિંદા કેસમાં 250નો વધારો, સોલા સિવિલની OPDમાં કેસ 850થી વધી 1100એ પહોંચ્યા

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 40 ટકા બાળકોને દાખલ કરવા પડે છે, સિવિલમાં કમળાના 60 કેસ

છેલ્લાં અઠવાડિયા દરમિયાન અમદાવાદમાં ગરમીનો પારો 42થી 43 ડિગ્રીની આસપાસ રહ્યો છે, જેથી ગરમીને કારણે સોલા સિવિલ અને સિવિલ હોસ્પિટલમાં ઝાડા-ઉલટી અને કમળાના કેસ વધ્યાં છે. સોલા સિવિલની ઓપીડીમાં આવતાં 40 ટકા બાળકો અને 10 ટકા પુખ્તોને દાખલ કરીને સારવાર આપવી પડે છે. જ્યારે સિવિલ હોસ્પિટલમાં અઠવાડિયામાં ઝાડા-ઉલટી અને કમળાના 60 જેટલા કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે.

સોલા સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો. પ્રદિપ પટેલ જણાવે છે કે, ગરમીને કારણે હોસ્પિટલની ઓપીડીમાં વધારો થયો છે, સામાન્ય દિવસોમાં દરરોજ 850ની ઓપીડી રહેતી હોય છે, જે વધીને હાલમાં 1100એ પહોંચી છે, જેથી એક મહિના દરમિયાન હોસ્પિટલની ઓપીડીનો આંકડો 36 હજારે પહોંચ્યો છે. છેલ્લાં એક અઠવાડિયા દરમિયાન હોસ્પિટલની ઓપીડીમાં ઝાડા-50, ઝાડાઉલટી- 25, કમળો-5, ટાયફોઇડ-4 કેસ નોંધાયા છે. ઓપીડીમાં આવતાં દર્દીમાંથી 40 ટકા બાળકો છે. સિવિલના સુપરિટેન્ડેન્ટ ડો. રાકેશ જોષી જણાવે છે કે, ગરમીને કારણે હોસ્પિટલમાં અઠવાડિયા દરમિયાન ઝાડા-ઉલટીના 27 અને કમળાના 29 મળીને 60 કેસ નોંધાયા છે. હોસ્પિટલમાં ઝાડા, ઉલટી, કમળાના રોજના 4 કેસ નોંધાય છે.

મેમાં ઝાડા-ઊલટીના 626, કમળાના 139 કેસ
મે મહિનાના માત્ર 28 દિવસમાં જ શહેરમાં ઝાડા ઉલ્ટીના કુલ 626 જેટલા કેસો સામે આવ્યા હતા. જ્યારે કમળાના 139 અને ટાઇફોઇડના 203 કેસ સામે આવ્યા છે. શહેરમાં ખાસ કરીને વટવા, સરસપુર, રખીયાલ, શાહીબાગ, અસારવા, જમાલપુર, કુબેરનગર, બાપુનગર, દાણીલીમડા, બહેરામપુરા, લાંભા સહિતના અનેક વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. ત્યારે મ્યુનિ. તંત્ર દ્વારા ક્લોરીનની ગોળીઓનું વિતરણ, પાણીની ચકાસણી સહિતની કામગીરી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...