સમયનું મહાદાન:સિવિલની કિડની હોસ્પિટલમાંથી નિવૃત્ત થયેલી 25 નર્સે કહ્યું - અડધી જિંદગી દર્દીઓની સેવામાં ખર્ચી નાખી, હવે વગર પગારે ફરી એકવાર સેવા કરવી છે

અમદાવાદ17 દિવસ પહેલાલેખક: શાયર રાવલ
  • કૉપી લિંક

જીવનના 35 વર્ષ હોસ્પિટલમાં સર્વિસ પૂરી કર્યા બાદ નિવૃત્ત થઈને દર્દીઓની નિ:શુલ્ક સેવા કરવા અમદાવાદ સિવિલ કેમ્પસ સ્થિત કિડની હોસ્પિટલની 25 ઈન્ચાર્જ સિસ્ટર્સે તૈયારી બતાવી છે. છેલ્લા ત્રણ વર્ષમાં કિડની હોસ્પિટલમાંથી જુદા જુદા તબક્કે 40 ઈન્ચાર્જ સિસ્ટર્સ નિવૃત્ત થયા હતા જે પૈકી 25 ઈન્ચાર્જ સિસ્ટર્સ આર્થિક અને સામાજિક રીતે વેલસેટ છે.

વંદના સિસ્ટરે કહ્યું કે, અડધી ઉંમર કરતા વધુ સમય ગરીબ દર્દીઓની સેવામાં વિતાવ્યો છે. નિવૃત્ત સિસ્ટર્સનું અમે એક ગ્રૂપ બનાવ્યું છે જેમાં એક પછી એક પોતાના વિચારો મૂકતા હોય છે. નિવૃત્તિ બાદ પ્રવૃત્તિનો વિચાર પણ ચર્ચામાંથી ઉદભવ્યો હતો. કિડની હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. વિનિત મિશ્રાએ કહ્યું કે, ઈન્સ્ટિટ્યૂટની આ સિસ્ટર્સે આરોગ્ય ક્ષેત્રમાં પ્રવૃત્ત સ્ટાફ માટે ખૂબ મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સપ્તાહ પહેલા તમામ સિસ્ટર્સ એકત્ર થઈને મળવા આવ્યા હતા અને નિવૃત્તિ બાદ ઈન્સ્ટિટ્યૂટ જોઈન કરવાની તૈયારી બતાવી હતી. એ ઘડીએ તેમને કહ્યું કે, નિવૃત્તિ બાદ પુન: ભરતી કરવાની સરકારમાં કોઈ જોગવાઈ નથી. આ હિસાબે તમને ઈન્સ્ટિટ્યૂટમાં રાખી શકાય નહીં.

આટલી વાત સાંભળતાની સાથે તમામ સિસ્ટર્સ બોલી ઉઠ્યા કે, ‘સાહેબ અમારે દર્દીઓની નિ:શુલ્ક સેવા કરવી છે. અમે પગાર લેવાની ગણતરી સાથે તમને મળવા આવ્યા નથી.

નવી કિડની હોસ્પિટલમાં ડ્યૂટી સોંપવામાં આવશે
નિવૃત્ત થયેલી તમામ સિસ્ટર્સે કહ્યું, અમારી પાસે જે ક્વોલિટી ટાઈમ છે તેનું અમે દાન કરવા માગીએ છીએ. તેમની વાત સાંભળીને ડૉ. મિશ્રાને આશ્ચર્ય થયું હતું. તેમણે ઉ‌મેર્યું કે, સિસ્ટર્સની આંખોમાં ખરેખર દર્દીઓની સેવા કરવાનો ભાવ છલકાઈ રહ્યો હતો. નવી કિડની હોસ્પિટલ કાર્યરત થાય પછી આ તમામ નિવૃત્ત ઈન્ચાર્જ સિસ્ટર્સને તેમની અનુકુળતા મુજબ ડ્યૂટી સોંપવામાં આવશે.

સંતાનો વિદેશમાં સ્થાયી
નિવૃત્ત થયેલી તમામ નર્સ હાલમાં દાદી કે નાની બની ગઈ છે. કેટલાકના સંતાન પણ ભણી ગણીને વિદેશમાં સ્થાયી થઈ ગયા હોવાથી બાકીનો સમય સેવામાં ખર્ચ કરવા માગે છે.

અન્ય સમાચારો પણ છે...