જિમ્નેશિયમમાં કોચની અછત:AMC સંચાલિત જિમ્નેશિયમમાં 15 મહિલા સહિત 25 કોચની ભરતી કરાશે, કોન્ટ્રાક્ટથી ભરતી કરવા માટે ટેન્ડર પ્રક્રિયા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત જિમ્નેશિયમ તેમજ ટેનિસ કોર્ટ વગેરેમાં કોચ ન હોવાના કારણે લોકો પૂરતો લાભ મેળવી શકતા નથી. જેથી હવે કોર્પોરેશનના વ્યાયામ વિદ્યાલય દ્વારા શહેરમાં 16 જેટલા જિમ્નેશિયમ અને ટેનિસ કોર્ટ વગેરેમાં આઉટસોર્સિંગ મારફતે કોચ મૂકવામાં આવશે. મહિલા અને પુરુષ એમ બંને કોચ કોન્ટ્રાક્ટથી ભરતી કરવા માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે. સૌથી વધારે 15 જેટલી મહિલા કોચની ભરતી કરવામાં આવશે. જ્યારે 10 જેટલા પુરુષ કોચની ભરતી કરાશે. જિમ્નેશિયમમાં કોચની અછતના કારણે ઓછા લોકો આવે છે. જો કોચની ભરતી કરવામાં આવે તો વધુમાં વધુ લોકો આવે છે.

કોર્પોરેશનના જીમનેસિયમ અને ટેનિસ કોર્ટમાં કોચની ઘટ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વ્યાયામ વિદ્યાલય દ્વારા શહેરમાં આવેલા તમામ કોર્પોરેશનના જીમનેસિયમ અને ટેનિસ કોર્ટ, ચેસ અને સ્કેટિંગ વગેરે માટેના કોચની ઘટ પડતા હવેથી આઉટસોર્સિંગ મારફતે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આવેલા જિમ્નેશિયમમાં કોચની ભરતી કરાશે. જિમ્નેશિયમ કોચ માટે એસએસસી પાસ અથવા સીપીએડ શા પાસે તેમજ વોલીબોલ, બાસ્કેટબોલ, કુસ્તી, બોક્સિંગ વગેરે જગ્યાએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લીધેલો હોવો જોઈએ. તેમજ જીમના માર્ગદર્શન આપવાના અનુભવને વધારાની લાયકાત ગણાશે. ટેનિસ, ચેસ અને સ્કેટીંગ માટે જે તે રમત માટે સ્ટેટ કક્ષાએ રમેલા હોવાનો તેમજ જે તે રમત શીખવવાનો એક વર્ષનો અનુભવ જરૂરી છે.

મહિલા કોચની ભરતી વધુ કરવામાં આવી રહી છે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 40 જેટલા જિમ્નેશિયમ વગેરે આવેલા છે. એમાં 1000થી વધારે લોકો અલગ અલગ શિફ્ટમાં જીમ માટે આવે છે. કેટલાક જિમ્નેશિયમમાં કોચની અછત છે જેના કારણે લોકો ઓછા આવે છે. હવે મહિલાઓ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત જીમમાં વધુ આવી રહી છે જેથી તેઓ વધુ લાભ લે તેના માટે મહિલા કોચની ભરતી વધુ કરવામાં આવી રહી છે. 16 જેટલા જીમમાં 15 જેટલા મહિલા કોચની ભરતી એટલે કે દરેક જીમમાં મહિલા કોચની ભરતી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...