મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો હતો. જો કે શહેરમાં હવે કોરોના નબળો પડ્યો હોય તેમ સતત કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. એક સપ્તાહ બાદ એક માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયો છે. ચાંદખેડાના કલાધામ ફ્લેટના 12 ઘરના 43 લોકોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. શહેરમાં 15 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી હતાં. ત્યારે 6 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી દૂર કરાયા છે. હવે શહેરમાં 10 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યા છે.
શહેરના ઘોડાસર, હાટકેશ્વર, ભાઈપુરા, ગોતા અને બોડકદેવના 6 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી દૂર કરાયા છે.
નવા માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો સહિત શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આવતીકાલે (25 મે )થી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.
શહેરમાં 500થી ઓછા કેસ નોંધાયા
અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 475 નવા કેસ નોંધાયા છે. તેમજ 8 દર્દીના મોત થયા છે અને 2 હજાર 553 દર્દી સાજા થયા છે. આમ શહેર અને જિલ્લામાં લગભગ બે મહિના બાદ પહેલીવાર 600થી ઓછા કેસ નોંધાયા છે. આ પહેલા 23 માર્ચે 509 કેસ નોંધાયા હતા. જ્યારે 22 માર્ચે 483 કેસ નોંધાયા હતા.
23 મેની સાંજથી 24 મેની સાંજ સુધીમાં શહેરમાં 459 અને જિલ્લામાં 16 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 2 હજાર 527 અને જિલ્લામાં 26 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ શહેરમાં 8 દર્દીના મોત થયા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 32 હજાર 940 થયો છે. જ્યારે 2 લાખ 8 હજાર 921 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 3 હજાર 296 થયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.