નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોનો અહેવાલ:છેલ્લાં 5 વર્ષમાં 240 દુષ્કર્મીને ફાંસીની સજા સંભળાવાઈ, 21 વર્ષમાં 5ને જ ફાંસી અપાઈ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.
  • દેશમાં પહેલીવાર સુરતમાં 9 દિવસમાં બીજા દુષ્કર્મીને ફાંસીની સજા કરાઈ
  • એકલા ગુજરાતમાં 3 વર્ષમાં દુષ્કર્મની 1,568 ઘટના, દેશભરમાં 1.60 લાખ કેસ પેન્ડિંગ

સુરતમાં માત્ર 9 દિવસમાં બીજા દુષ્કર્મીને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં 10 વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ પાશવી હત્યા કરનાર 24 વર્ષના દિનેશ બાઇસાનેને સેશન કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે.

દુષ્કર્મની આ ઘટના 2020ની 7 ડિસેમ્બરે ઘટી હતી. જો કે લાંબી કાનૂની પ્રક્રિયાને કારણે દેશમાં છેલ્લા 21 વર્ષમાં માત્ર 5 દુષ્કર્મીને જ ફાંસી અપાઈ છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડાઓ પ્રમાણે, રાજ્યમાં છેલ્લા 3 વર્ષમાં દુષ્કર્મના 1568 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોનાકાળમાં પણ રોજના એકથી વધારે દુષ્કર્મની ઘટનાઓ બનતી હતી. વર્ષ 2020ના અંત સુધીમાં દુષ્કર્મના કુલ 1.59 લાખ કેસ પેન્ડિંગ હતા. અંદાજે 94 ટકા કેસો પેન્ડિંગ રહે છે. 2020માં મહિલાઓ સામે ગુનાઓમાં કુલ 16969 કેસોમાં આરોપીઓને દોષિત જાહેર કરાયા હતા જેમાંથી 3814 દુષ્કર્મના આરોપી હતા. છેલ્લા 20 વર્ષમાં 8 આરોપીઓને ફાંસી આપવામાં આવી છે જેમાંથી 5 દુષ્કર્મના આરોપીઓને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા છે.

‘ડેથ પેનલ્ટી ઇન ઇન્ડિયા 2020’ પ્રમાણે, છેલ્લા 5 વર્ષમાં અદાલતો દ્વારા વિવિધ ગુનાઓમાં કુલ 606 આરોપીઓને ફાંસીની સજા સંભળાવી છે જેમાં 240 આરોપીઓ દુષ્કર્મના છે. ગુજરાતમાં 6 આરોપીઓ ફાંસીની સજાના વેઇટિંગ લિસ્ટમાં છે. 2016થી 2020 સુધી રાજ્યમાં કુલ 11 આરોપીઓને સેશન્સ કોર્ટ દ્વારા ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના તાજેતરના અહેવાલ મુજબ, દુષ્કર્મના બનાવોમાં 94 ટકા કેસોમાં આરોપી પીડિતાના જાણકાર જ હતા.

આ 5 આરોપીને દુષ્કર્મના કેસોમાં ફાંસી અપાઈ

  • 2004ની 14મી ઑગસ્ટે કોલકતામાં ધનંજય ચેટર્જીને ફાંસી આપવામાં આવી હતી. 2020ની 20મી માર્ચે દિલ્હી ગેંગરેપના ચાર આરોપીઓ મુકેશસિંહ, અક્ષય ઠાકુર, વિનય શર્મા, પવન શર્માને ફાંસીએ લટકાવવામાં આવ્યા હતા.
  • એક આંકડા પ્રમાણે હજૂ 400થી વધારે આરોપી ફાંસીની સજા માટે જેલમાં છે. છેલ્લે દિલ્હી ગેંગ રેપના આરોપીઓને ફાંસીની સજા અપાઈ હતી. એક રિપોર્ટ પ્રમાણે, 2018માં દેશમાં કુલ 163 આરોપીને ફાંસીની સજા ફરમાવાઇ.જે 20 વર્ષમાં સૌથી મોટો આંકડો હતો. 2019માં આ આકડો 103 થઇ ગયો હતો.