અમદાવાદ ગેરકાયદે બિલ્ડિંગનો ગઢ:AMCમાં ભાજપના 24, કોંગ્રેસના 6 વર્ષના શાસનમાં 5 લાખ ગેરકાયદે બિલ્ડિંગ બની; સંખ્યાબંધ રાજકીય અગ્રણીઓની ભાગીદારી

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર
  • સરકારે પણ હાઇકોર્ટમાં સોગંદનામું કરી સ્વીકાર્યું છે કે, લાખો બિલ્ડિંગ ગેરકાયદે બની છે
  • ગેરકાયદે બિલ્ડિંગ તોડી પાડવી કે સીલ કરવાના વિકલ્પ મુશ્કેલ હોવાની સરકારની હાઇકોર્ટમાં દલીલ

અમદાવાદમાં ‘વાડ ચીભડાં ગળે’ જેવી સ્થિતિ સર્જાઈ છે. ભાજપના 24 અને કોંગ્રેસના 6 વર્ષ એમ છેલ્લા 30 વર્ષના મ્યુનિ.શાસનમાં શહેરમાં પાંચ લાખ ગેરકાયદે બિલ્ડિંગો ઊભી થઈ ગઈ હતી. લાખોની સંખ્યામાં બિલ્ડિંગો નિર્માણ પામી ત્યાં સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોના પેટનું પાણી હલ્યુ નહોતું. હવે જ્યારે ગુજરાત હાઈકોર્ટે શહેરમાં આડેધડ બી.યુ. પરમિશન વગરની બિલ્ડિંગો મામલે સરકારની ઝાટકણી કાઢી છે ત્યારે સરકારે સોગંદનામું રજૂ કરી શહેરમાં લાખોની સંખ્યામાં બી.યુ. વગરની બિલ્ડિંગો હોવાનો સ્વીકાર કર્યો છે. ગેરકાયદે બિલ્ડિંગ સામે એક્શન લેવા મેનપાવર અથવા મિકેનિઝમ નહીં હોવાનો લૂલો બચાવ કરી સરકારે હાથ ખંખેર્યા છે.

નિવૃત્ત અધિકારીએ જણાવ્યું કે, ગેરકાયદે બિલ્ડિંગો ઊભી કરવાનું પાપ રાજકારણીઓ કરે છે, પરંતુ દોષનો ટોપલો અધિકારીઓ ઉપર ઢોળવામાં આવે છે. અધિકારીઓ એક્શન લેવા માગતા હોય ત્યારે રાજકીય આગેવાનો જ તેમા રોડા નાંખતા હોય છે. કેટલાક કિસ્સામાં અધિકારીઓ પણ મેનેજ થઈ જતા હોય છે.આ બિલ્ડિંગોમાં રાજકીય લોકો ભાગીદારો બની ગયા હતા અને મ્યુનિ. અધિકારીઓ પાસે ખોટા કામો કરાવ્યા હતાં.

બીજી તરફ સરકારે પણ જાતે 2001 અને 2011માં શહેરમાં ઈમ્પેક્ટ ફીનો કાયદો લાવી ગેરકાયદે બિલ્ડિંગોને રેગ્યુલરાઈઝ કરવાની તક આપી હતી. આ કારણે ખોટું કરતા બિલ્ડરો હજુ પણ એવી માન્યતા ધરાવે છે કે, 2021-22 સુધીમાં ઈમ્પેક્ટ ફીનો કાયદો ફરી આવશે અને અનઅધિકૃત બિલ્ડિંગો પાસેથી દંડ વસૂલી તેમને રેગ્યુલરાઈઝ કરી દેવાશે. શહેરની મોટાભાગની ગેરકાયદે બિલ્ડિંગોમાં વોર્ડ સ્તરના કાર્યકર્તા, કોર્પોરેટરો અને ધારાસભ્યો સુધીની ભાગીદારી રહેલી હોવાનો એક પૂર્વ અધિકારીએ ઘટસ્ફોટ કર્યો હતો.

હાઇકોર્ટમાં સરકારે સ્વીકાર્યું
​​​​​​​સરકારે ગુજરાત હાઈકોર્ટમાં બચાવમાં કરેલા સોગંદનામામાં જણાવ્યું હતુ કે, બી.યુ. પરમિશન આપવાની પ્રક્રિયા ખૂબ લાંબી છે. સરકાર પાસે માત્ર બે વિકલ્પ છે બી.યુ. વગરની બિલ્ડિંગો સીલ કરવી અથવા તેને ડિમોલીશ કરવી. પરંતુ આ બન્ને વિકલ્પોને અમલમાં મૂકી શકાય તેમ નથી. તેથી અસરકારક અમલ માટે સરકાર થોડા સમયમાં કામગીરી કરી શકે તેમ નથી. તેના માટે મોટી સંખ્યામાં મેનપાવર અને યોગ્ય મિકેનિઝમ ગોઠવવા નિષ્ણાતોની મદદ લેવી પડશે.

બિલ્ડિંગો રાતોરાત બની નથી : હાઇકોર્ટ
શહેરમાં આડેધડ બી.યુ. પરમિશન વગરની ઈમારતો મામલે હાઈકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીમાં હાઇકોર્ટે અનેક વખત સરકાર અને કોર્પોરેશનને નક્કર પગલાં લેવા આદેશ કર્યા છે. હાઈકોર્ટે સરકારને ટકોર કરી છે કે લાખોની સંખ્યામાં બનેલી બહુમાળી ઇમારતો રાતોરાત નથી બની ગઈ. તમારા અધિકારીઓની રહેમનજર હેઠળ તેને મંજૂરી આપી દેવામાં આવી છે. બી.યુ. પરમિશન આપ્યા વગર ઇમારતો શરૂ કેવી રીતે થઈ શકે? સરકારે બનાવેલા પાર્કિંગના અને બે ઈમારતો વચ્ચેના માર્જિનની જગ્યા જેવા નિયમોનું પાલન ન થતંુ હોવા છતાં લાખોની સંખ્યામાં બિલ્ડિંગ શરૂ બને છે. ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે પગલાં લેવાતા નથી.

ટીડીઓ-એસ્ટેટની કામગીરી સામે પ્રશ્ન
સામાન્ય વ્યક્તિને ઘરનું રિપેરિંગ કરાવવા મંજૂરી લેવા માટે આંખે પાણી આવી જાય છે જ્યારે શહેરમાં તોતિંગ બિલ્ડિંગો ઊભી કરવા મ્યુનિ. ના ટીડીઓ અને એસ્ટેટ વિભાગના અધિકારીઓ આંખ આડા કાન કરી પરવાનો આપી રહ્યાં છે. ખાસ કરીને કોટ વિસ્તારમાં મ્યુનિ. અધિકારીઓ અને રાજકીય આગેવાનોએ આરટીઆઈ એક્ટિવિસ્ટો સાધી રાખ્યા છે જેઓ તેમના વતી આરટીઆઈ કરી સામાન્ય વ્યક્તિને હેરાન કરવાનું કામ કરતા હોય છે જ્યારે મોટા બિલ્ડરો નિયત હપ્તો અધિકારીઓને પહોંચાડી દીધા પછી નિયમોને નેવે મૂકી ગેરકાયદે બિલ્ડિંગો ઊભી કરતા હોય છે. તેમને મ્યુનિ. નો એક પણ નિયમ લાગુ પડતો નથી.

અન્ય સમાચારો પણ છે...