અમદાવાદ પૂર્વ અને પશ્ચિમનો ગેટ વે ગણાતો નેશનલ હાઈવેના તાબા હેઠળ આવેલો લાલ બહાદૂર શાસ્ત્રી બ્રિજ હાલની સ્થિતિએ જોખમી છે. માત્ર અમદાવાદ જ નહીં પરંતુ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત તો સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાત માટે પણ આ બ્રિજ ઉપયોગી છે. સ્માર્ટ સિટી અમદાવાદ માટે ધોરી નસ સમાન અને ખૂબ જ મહત્વના આ બ્રિજ પર રોજરોજ લાખો વાહનો પસાર થાય છે. ત્યારે નારોલથી વિશાલા સર્કલ બ્રિજ પરથી આવ-જા કરવું ખૂબ જોખમી છે. બ્રિજ તૂટેલી હાલતમાં છે અને નીચેના ભાગે તિરાડો પડી ગઈ છે. તો બ્રિજનો કેટલોક ભાગ તૂટેલો છે. બ્રિજની સ્થિતિ દિવ્ય ભાસ્કરના ગ્રાઉન્ડ રિપોર્ટમાં સામે આવી છે.
વાહનો પસાર થયા ત્યારે બ્રિજ વાઇબ્રેટ થાય છે
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નારોલથી વિશાલા સર્કલ સુધી જતા હો તો પીરાણા નજીક આવેલો લાલબહાદુર શાસ્ત્રી બ્રિજ (નારોલ- પીરાણા બ્રિજ) પરથી પોતાનું વાહન સાચવીને ચલાવજો. કારણ કે આ બ્રિજ અત્યંત જોખમી બની ચૂક્યો છે. બ્રિજ તૂટેલી હાલતમાં અને નીચેના ભાગોમાં પણ તિરાડ અને કેટલોક ભાગ તૂટેલો છે. જેના કારણે હવે આ બ્રિજ જોખમી બની ગયો છે. દિવ્ય ભાસ્કરે બ્રિજની સ્થળ પર પહોંચી તપાસ કરતાં બ્રિજની આવી સ્થિતિ જોવા મળી હતી. આ બ્રિજ પર દરરોજ એક લાખ જેટલા નાના-મોટા વાહનોની અવરજવર થાય છે અને જ્યારે પણ બ્રિજ પરથી બે ભારે વાહનો પસાર થાય ત્યારે બ્રિજમાં ધ્રુજારી અનુભવાય છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) હેઠળ આવતો આ બ્રિજને રિપેર કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા જાણ કરવામાં આવે છે પરંતુ અત્યાર સુધી આ બ્રિજનું સમારકામ થઇ શક્યું નથી.
કોર્પોરેશન બ્રિજ તૂટે કે ક્ષતિ હોય એની NHAIને જાણ કરે છે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ એન્ડ બિલ્ડિંગ પ્રોજેક્ટનો હવાલો સંભાળતાં સિટી એન્જિનિયર હિતેશ કોન્ટ્રેક્ટરના જણાવ્યા મુજબ નારોલ- પીરાણા બ્રિજ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા હેઠળ આવે છે. આ બ્રિજ પર જ્યારે પણ કોઈપણ ક્ષતિ હોય અથવા તૂટેલી હાલતમાં હોય તો તેને રિપેર કરવાની જવાબદારી તેમની હોય છે. આ બાબતે અમારા ધ્યાન પર આવતું હોય તો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને પત્ર લખીને જાણ કરવામાં આવે છે. અગાઉ પણ આ બ્રિજને સમારકામ માટે પત્ર લખવામાં આવ્યા હતા. ફરી એકવાર પત્ર લખી અને તેઓને જાણ કરીશું.
દિવ્ય ભાસ્કરની તપાસમાં શું જોવા મળ્યું?
વર્ષ 1969-70માં બનેલા લાલ બહાદુર શાસ્ત્રી બ્રિજ (નારોલ-પીરાણા બ્રિજ) નારોલ તરફથી વિશાલા સર્કલ તરફ જતાં બ્રિજની શરૂઆતમાં જ થોડે આગળ જ્યાં બ્રિજ પર ચાલવાની ફૂટપાથ છે, તેની પાળી તૂટેલી હાલતમાં છે અને પાળી એટલી બધી નીચી છે. જો ત્યાં કોઈ વ્યક્તિ ઊભો રહે અને બેલેન્સ ગુમાવે તો સીધો નીચે નદીમાં પડી જાય. બ્રિજની બીજી તરફ એટલે કે વિશાલા સર્કલથી નારોલ તરફ આવતા પણ બ્રિજના છેડે સાઈડની પાળી તૂટી ગઈ છે. બ્રિજની નીચેની તરફ પણ કેટલોક ભાગ તૂટેલી હાલતમાં જોવા મળે છે.
24 કલાક વાહનોની અવરજવર રહે છે
નારોલ પીરાણા બ્રિજ નેશનલ હાઈવેને જોડતો એટલે કે અમદાવાદ શહેરમાં પ્રવેશ મેળવવા પૂર્વથી પશ્ચિમ અને પશ્ચિમથી પૂર્વ તરફ જવા માટેનો મુખ્ય રસ્તો છે. નાના મોટા અને ભારે વાહનોની સતત 24 કલાક અવરજવર રહેતી હોય છે. જેથી આ જોખમી બની ગયેલા બ્રિજનું સમારકામ તાત્કાલિક કરવું જરૂરી છે. બ્રિજ પર આ રીતે જો હવે વધુ જોખમ રહેશે તો આગામી દિવસોમાં કોઈ દુર્ઘટના પણ બની શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદી પર આવેલા તમામ બ્રિજનું સમારકામ કરી અને તેને વધુ દસ વર્ષ ચાલે તેવી સ્થિતિ બનાવી દીધા છે, પરંતુ આ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા હેઠળ બ્રિજ આવતો હોવાથી તેઓ આમાં કશું કરી શકતા નથી, જેથી હવે NHAI દ્વારા આ બ્રિજનું સમારકામ કરવામાં આવે છે કે કેમ તે સવાલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.