ફાઈલો પર જામેલી ધૂળ ખખેરાઈ:GHB સક્રિય થતાં 23 સ્કિમ પુનઃ ધમધમતી થઈ, રીડેવલપમેન્ટ સ્કિમમાં અવરોધ ઊભા કરનારા 50થી વધુને નોટિસ ફટકારાઇ

અમદાવાદ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
ગુજરાત હાઉસિંગ બોર્ડની ફાઈલ તસવીર - Divya Bhaskar
ગુજરાત હાઉસિંગ બોર્ડની ફાઈલ તસવીર
 • ભાવનગર, જામનગર સહિત ચાર યોજનામાં બાંધકામ ચાલું

ગુજરાત સરકાર દ્રારા 2016માં લાવવામાં આવેલી રિડેવલપમેન્ટ પોલીસીના ભાગરૂપે ગુજરાતમાં સૌ પ્રથમ અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની સામે જ આવેલા એકતા એપાર્ટમેન્ટની યોજના ચાર વર્ષ બાદ સફળતાપૂર્વક પૂર્ણ થઇ છે. એટલું જ નહીં પરંતુ આ એપાર્ટમેન્ટમાં મહત્તમ રહિશો વસવાટ પણ કરવા લાગ્યા છે. પરંતુ એપાર્ટમેન્ટના 48 ફલેટો અંગે હાઉસિંગ બોર્ડ અને ડેવલોપર યુનાઇટેડ એન્જીનિયર્સ એન્ડ ડેવલપર્સ વચ્ચે વિવાદ સર્જાયો છે. જેના કારણે કેટલાંક રહિશોના દસ્તાવેજો અટવાઇ પડયાં છે. આ અંગે ડેવલોપર તરફથી હાઉસિંગ બોર્ડ તરફથી જગ્યા આપવામાં આવે તો એફોર્ડેબલ હાઉસ તૈયાર કરી આપવા અથવા તો પ્રિમિયમ ચૂકવી આપવા ઓફર કરી છે. તેની સામે હાઉસીંગ બોર્ડે એકતા એપાર્ટમેન્ટના 48 ફલેટોના વેચાણ અંગેની જાહેરાત આપતાં વિવાદ વકર્યો છે.

23 એપાર્ટમેન્ટોની દરખાસ્ત હાઉસિંગ બોર્ડમાં આવી
બીજી તરફ રિડેવલપમેન્ટ સ્કિમમાં જોડાવવા માટે બીજા 23 એપાર્ટમેન્ટોની દરખાસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવી હતી. આ દરખાસ્તોની ફાઇલો પરથી ધૂળ ખંખેરી નાંખવામાં આવી હોય તેમ દરખાસ્તો પરની કામગીરી પુનઃ ધમધમતી થઇ છે. ભાવનગર, જામનગર સહિત સુરતના પાંડેસરા અને ઉમરવાડામાં ચાર એપાર્ટમેન્ટમાં બાંધકામનું કામ ચાલુ થઇ ગયું છે. જ્યારે અમદાવાદના 4 એપાર્ટમેન્ટમાં બંને પક્ષ સંમંત થઇ જતાં હાલ મકાન ખાલી કરવાની કામગીરી શરૂ થવા પામી છે. જ્યારે બાકીના 4 એપાર્ટમેન્ટમાં ટેન્ડરની અવધિ પૂર્ણતાના આરે હોવાથી આગળની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરાશે. જયારે બીજા સાત એપાર્ટમેન્ટ માટેના ટેન્ડરો તૈયાર કરવામાં આવ્યા છે. જેને મંજૂરીની મ્હોર વાગતાં તેના પણ ટેન્ડરો ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.

વર્ષોથી ઠપ્પ પડેલી રિડેવલપમેન્ટ યોજનાએ ગતિ પકડી
આમ છેલ્લાં કેટલાંય વર્ષોથી ઠપ્પ થઇ ગયેલી રીડેવલપમેન્ટ યોજના હવે ગતિ પકડી રહી છે. જે સભ્યો અસંમત થયા છે તેવા 50થી વધુ રહીશોને ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્રારા ઇવીકશન (ખાલી/કબ્જો મકાનનો લેવાની)ની નોટિસો ફટકારવામાં આવી છે. આ નોટિસ સામે કોઇ રહિશ દ્રારા હાઇકોર્ટના દ્રાર ખટખટાવવામાં આવે તો તેમને સાંભળ્યા વગર મનાઇહુક્મ નહીં આપવા માટે હાઉસીંગ બોર્ડે કેવિયટ પણ ફાઇલ કરી દીધી છે. ​​​​​​​

કેમ રિડેવલપમેન્ટ સ્ક્રિમ લાવવામાં આવી?
ગુજરાત સ્થાપના દિન 1લી મેં 1960ના રોજ હાઉસિંગ બોર્ડની રચના કરવામાં આવી હતી. આ હાઉસિંગ બોર્ડ દ્રારા 2012-13 સુધીમાં ગુજરાતમાં જુદા-જુદા સ્થળોએ 1,076,830 મકાનો તથા બંગલાઓ બનાવ્યાં હતા. જેમાંથી 90 ટકા મકાનો ત્રણ માળના બનાવવામાં આવ્યા હતા. જ્યારે 10 ટકા બંગલાઓ બનાવવામાં આવ્યા હતા. 2014 પછી મુખ્યમંત્રી તથા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 22,429 મકાનો ઊભા કરવામાં આવ્યા હતા અને 15,236 મકાનોનું કામ પ્રગતિ હેઠળ હતું. ​​​​​​​

2017માં ફલેટનો ભાગ તૂટી પડવાના કારણે બેના મોત થયાં
બીજી બાજુ વર્ષો પહેલાં બનાવવામાં આવેલાં હાઉસિંગ બોર્ડના મકાનો જર્જરિત હાલતમાં મૂકાયાં હોવાથી અમૂક એપાર્ટમેન્ટમાં ધાબાંનો કેટલોક ભાગ તૂટી પડયો હોવાની પણ ઘટનાઓ અગાઉ બનેલી છે. શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલાં સુરમ્ય એપાર્ટમેન્ટમાં ટાંકી પડી ગઇ હતી. તો શ્રધ્ધાદીપ કોમ્પ્લેક્ષમાં ધાબાંનો ભાગ તૂટી પડયો હતો. જો કે સદનસીબે કોઇ જાનહાનિ થવા પામી ન હતી. પરંતુ શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા પ્રગતિનગર સ્થિત ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસ સામે જ આવેલા એકતા એપાર્ટમેન્ટમાં 2017માં ફલેટનો કેટલોક ભાગ તૂટી પડવાના કારણે બે જણાંના મોત થયાં હતા. ત્યારબાદ ઊંઘમાંથી સફાળી જાગી ઉઠેલી સરકારે રિડેવલપમેન્ટ સ્ક્રીમ જાહેર કરી હતી.​​​​​​​

સૌ પ્રથમ એકતા એપાર્ટમેન્ટ સ્કીમ પૂર્ણ થઇ
ગુજરાત સરકાર દ્રારા 2016માં રીડેવલપમેન્ટ સ્કીમ લાવવામાં આવી હતી. આ યોજના અંતર્ગત સૌ પ્રથમ નારણપુરાના પ્રગતિનગર ખાતે આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફીસની સામેના એકતા એપાર્ટમેન્ટની સ્કિમ મંજૂર થઇ હતી. આ કામગીરી શરૂ થઇ હતી પણ હાલ આ સ્કિમ પૂર્ણ થઇ ગઇ છે. તેમાં રહિશો વસવાટ પણ કરવા લાગ્યા છે. એકતા એપાર્ટમેન્ટની જેમ રાજ્યના બીજા હાઉસિંગ બોર્ડના એપાર્ટમેન્ટો દ્રારા પણ રિડેવલપમેન્ટ યોજનામાં જોડાવવા દરખાસ્ત કરી હતી. આ દરખાસ્તો વર્ષો સુધી પડતર રહી હતી. જેના કારણે દરખાસ્તની ફાઈલો પર ધૂળ જામી ગઇ હતી.​​​​​​​

અસંમત સભ્યોને ઈવીક્શન નોટિસો ફટકારાઈ
જો કે છેલ્લાં કેટલાંક દિવસોમાં હાઉસીંગ બોર્ડે સક્રિય બનીને એક પછી એક દરખાસ્તો પર કાર્યવાહી હાથ ધરતાં નવાવાડજ વિસ્તારમાં આવેલાં કિરણ પાર્ક એપાર્ટમેન્ટ ઉપરાંત સોલા રોડ પરના રામેશ્વર એપાર્ટમેન્ટ, સૂર્યા વિભાગ-3, સેટેલાઇટ શિવરંજની ચાર રસ્તા નજીક કેશવ બાગ પાર્ટી પ્લોટની સામે આવેલાં આનંદ વિહારના રહીશો તેમ જ બિલ્ડર વચ્ચે સંમંતિ સધાતાં કામગીરી આપવામાં આવી છે. જો કે આ સ્કિમોમાં કેટલાંક અસંમત સભ્યોને ઈવીક્શન(ખાલી/કબ્જો મકાનનો લેવાની) પ્રક્રિયાંના ભાગરૂપે નોટિસો ફટકારવામાં આવી છે. જો કે હાઉસિંગ બોર્ડ કમિશનરની સમજાવટથી કિરણપાર્ક એપાર્ટમેન્ટના સભ્યો સંમંત થઇ ગયા હોવાની હકીકત જાણવા મળી છે. જેના કારણે હાલ કિરણ પાર્ક એપાર્ટમેન્ટ, આનંદ વિહાર, રામેશ્વર અને સૂર્યા એપાર્ટમેન્ટ વિભાગ-3ના મકાનો ઉતારી લેવાની પ્રક્રિયા શરૂ થઇ છે.​​​​​​​

ક્યાં એપાર્ટમેન્ટના કેટલાં રહિશોને નોટિસ ફટકારાઇ

એપાર્ટમેન્ટનું નામકેટલા રહિશોને નોટિસ આપીશું આવ્યું પરિણામ
કિરણ પાર્ક એપાર્ટમેન્ટ6સંમંત થઇ ગયા
સૂર્યા એપાર્ટમેન્ટ વિભાગ-318------
રામેશ્વર એપાર્ટમેન્ટ.29-------

►​​​​​​​ક્યાં છે, 23 એપાર્ટમેન્ટ?

ક્યાં એપાર્ટમેન્ટમાં બાંધકામ ચાલુ

 • ભાવનગર
 • જામનગર
 • પાંડેસરા, સુરત
 • ઉમરપાડા, સુરત

ક્યાં એપાર્ટમેન્ટમાં ડીમોલીશનની કામગીરી હાથ ધરાઇ

 • કિરણપાર્ક એપાર્ટમેન્ટ, નવા વાડજ
 • આનંદ વિહાર એપાર્ટમેન્ટ, સેટેલાઇટ
 • રામેશ્વર એપાર્ટમેન્ટ, સોલા રોડ
 • સૂર્યા એપાર્ટમેન્ટ, વિભાગ-3

કયા એપાર્ટમેન્ટમાં ટેન્ડર પ્રક્રિયા અંતિમ તબક્કામાં

 • અમરદીપ
 • શ્રધ્ધાદીપ એપાર્ટમેન્ટ- અંકુર રોડ
 • સૂર્યા એપાર્ટમેન્ટ, વિભાગ -2
 • અમર એપાર્ટમેન્ટ- સોલા રોડ
 • સુરમ્ય એપાર્ટમેન્ટ- સોલા રોડ

ક્યાં એપાર્ટમેન્ટના રહિશોની સુનાવણીની કામગીરી હાથ ધરાશે

 • શાંતિ એપાર્ટમેન્ટ
 • રવિ એપાર્ટમેન્ટ
 • ઉન્નતિ એપાર્ટમેન્ટ

ક્યાં એપાર્ટમેન્ટો ટેન્ડર મંજૂરીની પ્રક્રિયામાં

 • એમ- 5 શાસ્ત્રીનગર -3 એપાર્ટમેન્ટ
 • સૂર્યા એપાર્ટમેન્ટ, વિભાગ-1
 • અભિષેક એપાર્ટમેન્ટ
 • સુરતના રાંદેર સ્થિત એપાર્ટમેન્ટ
 • નિર્મલ એપાર્ટમેન્ટ
અન્ય સમાચારો પણ છે...