મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો હતો. જો કે શહેરમાં હવે કોરોના નબળો પડ્યો હોય તેમ સતત કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. સતત પાંચમા દિવસે શહેરમાં એકેય માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયો નથી. શહેરમાં 23 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી હતાં. ત્યારે 5 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી દૂર કરાયા છે. હવે શહેરમાં 18 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યા છે.
શહેરના ઈન્દ્રપુરી, સરખેજ, દાણીલીમડા અને ચાંદલોડિયા 5 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી દૂર કરાયા છે.
નવા માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો સહિત શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આવતીકાલે (23 મે )થી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.
શહેરમાં સતત બીજા દિવસે એક હજારથી ઓછા કેસ
અમદાવાદમાં કોરોનાના કેસ ઘટાડો નોંધાયો છે, ત્યારે શહેર અને જિલ્લામાં સતત બીજા દિવસે એક હજારથી ઓછા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 711 નવા કેસ નોંધાયા છે. શહેર અને જિલ્લામાં અત્યાર સુધી 2 લાખથી વધુ દર્દીએ કોરોનાને માત આપી છે. જ્યારે 1 હજાર 647 દર્દી ડિસ્ચાર્જ થયા છે. 20મી મેએ એક હજારથી ઓછા દર્દીઓ સાજા થયા હતા અને કુલ 985 દર્દીએ કોરોનાને હરાવ્યો હતો. જ્યારે 7 દર્દીના મોત થયા છે,
21 મેની સાંજથી 22 મેની સાંજ સુધીમાં શહેરમાં 692 અને જિલ્લામાં 19 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 1 હજાર 580 અને જિલ્લામાં 67 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ શહેરમાં 7 દર્દીના મોત થયા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 31 હજાર 896 થયો છે. જ્યારે 2 લાખ 4 હજાર 488 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 3 હજાર 281 થયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.