મોંઘવારી ભથ્થુ, એરિયર્સ, ઓવર ટાઈમ, સેટલમેન્ટના લાભ સહિત અન્ય પડતર માગણીઓ મુદ્દે એસટીના 40 હજારમાંથી 22 હજાર કર્મચારીઓ માસ સીએલ પર ઊતરશે. તેઓ 27 સપ્ટેમ્બરથી વિવિધ કાર્યક્રમો આપશે.
એસટી નિયમના કર્મચારીઓની માગણીને લઈ ત્રણેય યુનિયનો મેદાને ઊતર્યાં છે. કર્મચારીઓ પડતર માગણી સ્વીકારવામાં નહીં આવે તો 8 ઓક્ટોબરથી તમામ કર્મચારીઓ માસ સીએલ પર ઊતરી જશે. હાલ 22 હજાર કર્મચારીઓ રજા રિપોર્ટ સબમિટ કરી દીધો છે અને બાકીના લોકો પણ એકાદ દિવસમાં પોતાનો રજા રિપોર્ટ સબમિટ કરી દેશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, એસટી બસમાં રોજ લાખો પેસેન્જરો પ્રવાસ કરે છે. ડ્રાઈવરો અને કંડક્ટરો કોઈ પણ પરિસ્થિતિમાં બસ દોડાવવા સજ્જ હોય છે. ત્યારે તેમને મળવા પાત્ર લાભો આપવામાં તેમને પાછળ કેમ રાખવામાં આવે છે. એસટી નિગમના વર્ગ 3 અને 4 ના કર્મચારીઓએ પોતાને મળવા પાત્ર લાભો મેળવવા માટે પણ આંદોલન કરવું પડે છે. છેલ્લાં 10 વર્ષમાં કર્મચારીઓ 2 વખત માસ સીએલ પર ઉતરતા તેમની અનેક માગણી સ્વીકારવામાં આવી હતી. કેટલીક માગણીઓ સ્વીકાર્યા બાદ પણ તેનો લાભ હજુ સુધી કર્મચારીઓને મળ્યો નથી.
હાલ તમામ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી પોતાની ફરજ બજાવી રહ્યા છે. ત્યાર બાદ 27 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી કર્મચારીઓ લંચ સમય દરમિયાન સૂત્રોચ્ચાર અને શંખનાદ કરશે. આ સમય દરમિયાન જો માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો તમામ કર્મચારી 8 ઓક્ટોબરથી અચોક્કસ મુદત માટે માસ સીએલ પર ઉતરી બસનાં પૈડાં થંભાવી દેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.