તસ્કરી:પાલડીમાં વકીલના ઘરમાંથી 12 મિનિટમાં 21.90 લાખની ચોરી, એડવોકેટ પરિવાર સાથે રાણપુર દર્શન કરવા ગયા હતા

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એડવોકેટનાં પત્નીએ સાંજે ઘરે આવીને જોયું તો દરવાજાનું લોક તૂટેલું પડ્યું હતું, રોકડા રૂ. 20 લાખ અને દાગીનાની ચોરી

પાલડીમાં રહેતા એડવોકેટના ફ્લેટમાં 13 જુલાઈએ રાતે 9.23 વાગે ચોર તાળું તોડીને ઘૂસ્યો હતો અને 9.35 વાગે બહાર જતો સીસીટીવીમાં દેખાયો હતો. જેથી 12 જ મિનિટમાં રૂ.20 લાખ અને દાગીના મળીને રૂ.21.90 લાખની મતા ચોરી થઈ હતી. એડવોકેટ પરિવાર સાથે રાણપુર(બોટાદ) દર્શન કરીને સાંજે પાછા આવીને જોયું તો મકાનના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હતું.​​​​​​​

પાલડી ધરણીધર દેરાસર સામે આવેલા અક્ષત ફ્લેટમાં રહેતા નીતિનભાઈ રમણલાલ શાહ સિવિલ કોર્ટમાં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરે છે. નીતિનભાઈ પત્ની શિલ્પાબેન સાથે રહે છે. ​​​​​​​દીકરા મિતનું કેન્સરના કારણે 2018માં મૃત્યુ થયું હતું. જ્યારે દીકરી માનુશીના લગ્ન 2014માં થઇ ગયા હોવાથી તે વાસણા સાસરીમાં રહે છે.

મંગળવારે સવારે 6.30 વાગે નીતિનભાઈ કુટુંબી ભાઈ ભરતભાઈ અને રાજેશભાઈ સાથે રાણપુર(બોટાદ) દર્શન કરવા ગયા હતા, જ્યારે શિલ્પાબેન ઘરે હતાં ત્યારે શિલ્પાબેનના કાકા સસરા રજનીકાંત, સાસુ રેખાબેન, દીકરા અંકિતની પત્ની રેખા અને દીકરા સાથે શિલ્પાબેનના ઘરે આવ્યા હતા. તેમણે પણ શિલ્પાબેનને રાણપુર દર્શને જવાની વાત કરતાં શિલ્પાબેને નીતિનભાઈને ફોનથી જાણ કરીને ઘરને તાળું મારીને ચાવી ફ્લેટમાં જ રહેતા જ્યોત્સનાબેનને આપીને રાણપુર જવા નીકળ્યા હતા.

સાંજે 5.15 વાગ્યે શિલ્પાબેન ઘરે પાછાં આવ્યા હતા જ્યારે નિતીનભાઈ તેમના ભાઈઓ સાથે ચોટીલા દર્શન કરવા જઇ ત્યાં જ રોકાયા હતા. શિલ્પાબેને ઘરે આવીને જોયું તો દરવાજો ખુલ્લો હતો, નકુચા સાથેનું તાળું સ્ક્રૂ સાથે તૂટેલું હતું, ઈન્ટરલોક તૂટેલું હતું અને ઘરની લાઈટો ચાલુ હતી. જેથી ચોરી થયાની શંકા જતાં તેમણે ઘરમાં જઈને જોયું તો તિજોરીનો સામાન વેરવિખેર પડ્યો હતો. જ્યારે તિજોરીમાં મુકેલા રોકડા રૂ. 20 લાખ અને સોના-ચાંદીના દાગીના મળીને કુલ રૂ.21.90 લાખની મતાની ચોરી થઇ હતી. આ અંગે શિલ્પાબેને પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.

CCTVમાં ચોર આવતો-બહાર જતો દેખાયો
​​​​​​​પોલીસે અક્ષત ફ્લેટના અને રોડ પરના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં 13 જુલાઈએ રાતે 9.23 વાગે એક ચોર ફ્લેટમાં જતો અને 12 જ મિનિટમાં 9.35 વાગે બહાર જતો દેખાયો છે. પોલીસે રોડ પરના સીસીટીવી ફુટેજ ચેક કરતાં તેમાં પણ તે જ ચોર જતો દેખાય છે.

જાણભેદુની શંકાના આધારે પોલીસે તપાસ શરૂ કરી
અક્ષત ફ્લેટ્સમાંના મોટાભાગના ફ્લેટ બંધ છે. માત્ર 4 જ ફ્લેટમાં લોકો રહે છે. તેમાંય નીતિનભાઈ પરિવાર સાથે બહારગામ ગયા હોવાની વાત ચોર સારી રીતે જાણતો હતો. એટલું જ નહીં નીતિનભાઈના ઘરમાં રોકડા રૂ.20 લાખ હોવાની વાત પણ ચોર સારી રીતે જાણતો હોવાથી આ કામ કોઇ જાણભેદુનું હોવાની શંકા પોલીસે નકારી નથી.

અન્ય સમાચારો પણ છે...