તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:અમદાવાદ શહેરની 211 સ્કૂલે ધોરણ 10ના વિદ્યાર્થીના માર્ક અપલોડ ન કર્યા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બોર્ડ જૂનના છેલ્લા સપ્તાહમાં પરિણામ જાહેર કરવાનું છે
  • ધો.10ના પરિણામ માટે અગાઉથી ટાઇમટેબલ આપી દેવામાં આવ્યું હોવા છતાં માર્ક અપલોડ કરવામાં બેદરકારી

અમદાવાદની 211 સ્કૂલોએ ધો.10ના વિદ્યાર્થીઓના ગુણ નિયત તારીખ સુધીમાં અપલોડ ન કરતા બોર્ડે તમામ ડીઇઓને સૂચના આપી છે. બોર્ડે પરિપત્રમાં જણાવ્યું છે કે, ધો.10ના વિદ્યાર્થીઓના ગુણ અપલોડ કરવા 17 જૂન છેલ્લી તારીખ હતી છતાં પણ 15 જૂન સુધીમાં 211 સ્કૂલોએ પોતાના 100 ટકા વિદ્યાર્થીઓના ગુણ અપલોડ કર્યા નથી.

બોર્ડે તમામ જીલ્લાના ડીઇઓને પરિપત્ર કરીને જણાવ્યું હતું કે, સ્કૂલોને ધો.10ના પરિણામને લઇને દરેક કાર્યવાહીનું સમયપત્રક પહેલાંથી જ આપી દેવાયું હતું. તેમ છતાં ઘણી સ્કૂલોના ગુણ અપલોડ થતા નથી, જેની દરેક જીલ્લા શિક્ષણાધિકારી નોંધ લઇને સ્કૂલો પાસેથી તમામ વિદ્યાર્થીઓના ગુણ અપલોડ કરા‌વે. સ્કૂલોને ધો.10ની માર્કશીટ તૈયાર કરવા માટેની ફોર્મ્યુલા સમજાવ્યા બાદ ઓનલાઇન એન્ટ્રી માટેની તાલીમ પણ અપાઇ હતી. તેમ છતાં ઘણી સ્કૂલોએ વિદ્યાર્થીઓના ગુણ અપલોડ કરવામાં લાપરવાહી દાખવી હતી. ધો.10ના પરિણામ અંગે બોર્ડે જાહેર કરેલી ગાઇડલાઇન પ્રમાણે જૂનના અંતિમ અઠવાડિયામાં પરિણામ ઓનલાઇન જાહેર થશે, જ્યારે જુલાઇના બીજા અઠવાડિયામાં પ્રમાણપત્રનું વિતરણ કરાશે.

ગ્રામ્યની 5 સ્કૂલનો પણ સમાવેશ થાય છે
શિક્ષણ વિભાગે ડીઇઓને મોકલેલ સ્કૂલોના લિસ્ટમાં અમદાવાદ ગ્રામ્યની પાંચ સ્કૂલો છે, જ્યારે અમદાવાદ શહેરની 206 સ્કૂલોએ ગુણ અપલોડ કરવામાં મોડું કર્યું છે. જેથી બોર્ડે તમામ ડીઇઓને તાકીદ કરી છે કે બને તેટલી જલ્દીથી તમામ સ્કૂલોને કડક સૂચના આપીને વિદ્યાર્થીઓના ગુણ અપલોડ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે.

બાકી ફી વસૂલવા સ્કૂલોની આડોડાઈ
ભૂતકાળમાં ઘણી સ્કૂલોએ ફી ન ભરી હોય તેવા વાલીના બાળકોની બોર્ડની પરીક્ષાના ફોર્મ ન ભરવાની સૂચના આપી હતી. જેથી પરિણામ તૈયાર કરીને વિદ્યાર્થીઓના ગુણ અપલોડ કરવાના મુદ્દે પણ ઘણી સ્કૂલોની ફી બાકી હોય તેઓએ ગુણ અપલોડ ન કર્યા હોવાનો અંદાજ અધિકારીઓ લગાવી રહ્યાં છે. આગામી સમયમાં ગુણ અપલોડ કરવામાં બાકી રહેલી સ્કૂલોનું બારીકાઇથી ફોલોઅપ લેવાશે.

કેટલીક સ્કૂલે ધો.11માં પ્રવેશ શરૂ કરી દીધો
ધો.10નું પરિણામ જાહેર થાય તે પહેલાં જ ઘણી સ્કૂલોએ ધો.11માં પ્રવેશ કાર્યવાહી શરૂ કરી બોર્ડની ગાઇડલાઇનનો ભંગ કર્યો છે. કારણ કે બોર્ડે સ્પષ્ટ જણાવ્યું હતું કે પરિણામ જાહેર થયા બાદ જ ધો.11ની પ્રવેશ કાર્યવાહી શરૂ થશે. સ્કૂલો પોતાની રીતે વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકે નહીં. તેમ છતાં ઘણી સ્કૂલોએ ધો.11માં પ્રવેશ કાર્યવાહી શરૂ કરી દીધી છે, વાલીઓ પાસેથી એડમિશન કન્ફર્મ થતા પહેલાં ફી પણ ભરાવી રહ્યા છે.

10 હજાર લિટરની ટાંકી હોવી જરૂરી છે
સરકારે 9 મિટરની ઉંચાઇ સુધીના બિલ્ડિંગને ફાયર એનઓસીમાંથી મુક્તિ આપી છે. પરંતુ આ માટે આ બિલ્ડિંગોમાં અમુક નિયમોનું પાલન કરવાનું રહેશે. જે અંતર્ગત બિલ્ડિંગ પર 10 હજાર લિટરની પાણીની ટાંકીની વ્યવસ્થા કરવી ફરજિયાત રહેશે. આ અંગે રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, સ્કૂલો માટે 10 હજાર લિટરની પાણીની ટાંકી બનાવવી જૂની બિલ્ડિંગોમાં શક્ય નથી. જેને લઇને અમે સરકારમાં રજૂઆત પણ કરી છે.

312 સ્કૂલ સહિત 323ને ફાયરની નોટિસ
અમદાવાદમાં ગુરૂવારે વધુ 323 એકમોને ફાયર વિભાગે નોટિસ ફટકારી છે. જેમાં 312 સ્કૂલ અને 11 હાઈરાઈઝ કોમર્શિયલ બિલ્ડિંગનો સમાવેશ થયો છે. ફાયર વિભાગે અત્યાર સુધી શહેરમાં કુલ 832 એકમોને નોટિસ ઈશ્યુ કરી છે. ગુજરાત હાઈકોર્ટે સરકાર સામે લાલ આંખ કરતા તંત્ર દોડતું થયું હતું અને શહેરની સ્કૂલો, હોસ્પિટલો અને હાઈરાઈઝ કોમર્શિયલ બિલ્ડિંગોનો સરવે શરૂ કર્યો હતો. નોટિસમાં તમામ એકમોને ફાયર એનઓસી મેળવવા માલિકો અથવા કબજેદારોને જણાવવામાં આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી શહેરમાં આગ લાગવાના બનાવો સામે આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...