અમદાવાદમાં દારૂડિયાએ બાપને હત્યારો બનાવ્યો:નશામાં ચૂર બનેલા દીકરાને પિતાએ લાત મારી પછાડ્યો, ખાંડણીના 7-8 ઘા ઝીંકી હત્યા કર્યા બાદ લાશના ગ્રાઈન્ડરથી ટુકડા કર્યા

2 મહિનો પહેલા

અમદાવાદમાં મળેલાં કપાયેલાં માનવ અંગોનું રહસ્ય આખરે ખુલી ગયું છે. માનવ અંગો એક દીકરાના છે અને તેને ફેંકનાર બીજું કોઈ નહીં પરંતુ મૃતકનો બાપ જ છે. આરોપીએ 21 વર્ષીય દીકરાને મોતને ઘાટ ઉતારીને ગ્રાઈન્ડરથી 6 ટુકડા કરી નાંખ્યા હતા. ત્યારબાદ બધું સગેવગે કરીને આરોપી બાપ વાયા ગોરખપુર થઈ નેપાળ ભાગવાની ફિરાકમાં હતો. તો દીકરાના વ્યસનને કારણે એક બાપ હત્યારો બની ગયો છે.

વાસણા અને કલગી ચાર રસ્તા પાસે માનવ અંગો મળ્યાં
અમદાવાદમાં વાસણા અને એલિસબ્રિજ વિસ્તારના કલગી ચાર રસ્તા પાસેથી માનવ શરીરના અવશેષો મળ્યા હતા. અવશેષો મળતાં વાસણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં આંબાવાડીમાં રહેતા નિલેશ જોશીએ જ પોતાના પુત્ર સ્વયંની હત્યા કરી ટુકડા કરી નાખ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચની 2 ટીમ આ કેસમાં તપાસ કરી રહી હતી. આરોપીનું નામ સામે આવતા ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે આરોપી એસ.ટી બસમાં બેસીને સુરત ગયો હતો અને સુરતથી અવધ એક્સપ્રેસમાં બેસીને ગોરખપુર જવા રવાના થયો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી RPFની મદદથી રાજસ્થાનના સવાઇ માધવપુર જિલ્લાના ગંગાપુર રેલ્વે સ્ટેશન પરથી આરોપી નિલેશ જોશીને પોલીસે ઝડપી પાડ્યો હતો.
દીકરો બાપના કટકા કરવા ધમકી આપતો
દીકરા સ્વયં સાથે અવારનવાર નિલેશ જોશીને ઝઘડો થતો હતો. જેને પગલે સ્વયં પિતાને ધમકી આપતો કે તમારા કટકા કરી નાખીશ. પરંતુ સ્વયંની ધમકીની વિપરિત થયું હતું. તેના પિતાએ જ સ્વયંને મારીને ગ્રાઈન્ડરથી કટકા કરીને શહેરના વિવિધ ભાગમાં તેના શરીરના ટુકડા ફેંક્યા હતા.

ક્રાઈમ બ્રાન્ચે આરોપીને રાજસ્થાનથી ઝડપ્યો
ક્રાઈમ બ્રાન્ચે આરોપીને રાજસ્થાનથી ઝડપ્યો

દીકરી અને પત્નીને હત્યાની જાણ કરી
દારૂના નશામાં ઘૂત પુત્ર સાથે ઝઘડો થતાં પુત્રએ લાકડાના દંડા વડે મારવાના પ્રયત્ન કર્યો હતો. તે પહેલાં જ પિતાએ લાત મારીને પુત્રના માથામાં પથ્થરની ખાંડણી મારીને હત્યા કરી દીધી હતી. ત્યારબાદમાં દીકરાની હત્યા કર્યાની જાણ જર્મનીમાં રહેતી દીકરી અને પત્નીને કરી હતી. દીકરી અને તેમની પત્નીએ નિલેશ જોશીને કહ્યું હતું કે, તમારે આવું નહોતું કરવું જોઈતું, હવે તમે અહીંયા આવી જાવ જલ્દી.
વિદેશ ભાગવું હતું પણ ખિસ્સામાં 10 હજાર જ હતા
નિલેશ જોશીએ હત્યા કર્યા બાદ લાશના ટુકડા કરીને સગેવગે કરી નાખ્યા હતા. સાથે પોતે ફરાર થવા માટે પણ પ્લાન બનાવી દીધો હતો. નિલેશ જોશી પાસે 10,000 રૂપિયા જ હતા. જેથી સૌ પ્રથમ બસમાં બેસીને સુરત પહોંચ્યા ત્યાંથી ગોરખપુર જવાના હતા અને ત્યાંથી નેપાળ જવાના હતા. નેપાળ ગયા બાદ જર્મની જવાનું હતું અને જર્મની ના જઈ શકાય તો દુબઇ જવા સુધીનો પ્લાન બનાવ્યો હતો, પરંતુ ગોરખપુરથી જ પોલીસે આરોપીને ઝડપી લીધો હતો.

મૃતક સ્વયંની ફાઈલ તસવીર
મૃતક સ્વયંની ફાઈલ તસવીર

આરોપી એસટીના નિવૃત્ત કર્મી છે, પત્ની અને દીકરી જર્મનીમાં
આરોપી નિલેશ જોશી 65 વર્ષીય નિવૃત સરકારી કર્મચારી છે. તે એસ.ટી.વિભાગમાં ફરજ બજાવતા હતા. આરોપીના પત્ની અને દીકરી જર્મની રહે છે. જ્યારે આરોપી તેમના 21 વર્ષના પુત્ર સ્વયં સાથે રહે છે. આરોપીની પૂછપરછ કરતા ક્રાઈમ બ્રાન્ચને જાણવા મળ્યું હતું કે, નિલેશ જોશીનો પુત્ર સ્વયં 10 ધોરણ સુધી ભણેલો છે. સ્વયં કોઈ કામ ધંધો કરતો ન હતો અને નશાના રવાડે ચઢી ગયો હતો. સ્વયં દારૂ તથા અન્ય નશીલા પદાર્થોનું સેવન કરતો હતો, જેને લઈને પિતા-પુત્ર વચ્ચે અનેક વખત ઝઘડા થતા હતા.
18મી જુલાઈએ પૈસા માગી હુમલો કરતા ખાંડણીથી માર્યો
18 જુલાઈના વહેલી સવારે 5 વાગે સ્વયમ નશાની હાલતમાં પિતા પાસે આવ્યો હતો અને પૈસા માંગવા પિતાને જ બીભત્સ ગાળો બોલીને ઘરમાં તિજોરીનો કાચ તોડી નાખ્યો હતો. આ ઝઘડા દરમિયાન સ્વયંએ તેના પિતાને પાવડાના લાકડાના હાથ વડે હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ નિલેશ જોશીએ સ્વયંને લાત મારીને પલંગ પર પાડી દીધો હતો. ત્યારબાદ સ્વયંના માથામાં રસોડામાં રહેલાં પથ્થરની ખાંડણી લઈને 7-8 ઘા માર્યા હતા, જેમાં સ્વયંનું મોત થયું હતું.

બાપે રસોડામાં દીકરાના શરીરના ટુકડા કરી નાખ્યા
લાશનો નિકાલ કરવા નિલેશ જોશી કાલુપુરથી ઇલેક્ટ્રિક ગ્રાઈન્ડર અને કાળા કલરની મોટી થેલી ખરીદીને લાવ્યો હતો. બાદમાં લાશ રસોડામાં લઈ જઈને દીકરાના માથાના, હાથ તથા પગને અલગ-અલગ કાપીને 6 ટુકડા કરી નાખ્યા હતા. આ ટુકડા કરીને તેને પ્લાસ્ટિકની બેગમાં ભરીને એક્ટિવા પર લઈ જઈને અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા હતા. લાશનો નિકાલ કર્યા બાદ આરોપી સુરત ભાગી ગયો હતો. સુરતથી ગોરખપુર ટ્રેનમાં જવા રવાના થયો હતો. ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને પકડીને અમદાવાદ લાવી છે. અમદાવાદ લાવી આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

CCTV ફૂટેજમાં શું દેખાય છે
પોલીસને એક સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા છે. જેમાં આંબાવાડી પાસેના એક મકાનમાં સીસીટીવીમાં એક વૃદ્ધ દેખાઈ રહ્યા છે. શંકાસ્પદ હિલચાલ કરતાં દેખાતા વૃદ્ધ દેખાય છે. તે પોલિથીન બેગમાં શંકાસ્પદ વસ્તુને લઈ જતાં સીડી ઉતરતાં દેખાય છે.

પોલિથીન બેગમાં દીકરાના ટુકડા ફેંકવા જતાં વૃદ્ધ
પોલિથીન બેગમાં દીકરાના ટુકડા ફેંકવા જતાં વૃદ્ધ
અન્ય સમાચારો પણ છે...