અમદાવાદ જિલ્લાના 2098 પરિવારે વર્ષ 2022-23 દરમિયાન ‘કુંવરબાઈનું મામેરું યોજના’નો લાભ લીધો છે. આ યોજના હેઠળ સરકાર તરફથી કુલ રૂ. 2.43 કરોડ ચુકવાયા છે. વિધાનસભાના સત્ર દરમિયાન ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં સરકારે આ માહિતી આપી હતી. વિધાનસભા ગૃહમાં સામાજિક ન્યાય અને અધિકારિકતા મંત્રી ભાનુબહેન બાબરિયાએ યોજના વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારોની દીકરીઓના કલ્યાણ માટે અને આર્થિક રીતે મદદરૂપ થવાના ઉદ્દેશ સાથે ‘કુંવરબાઈનું મામેરું યોજના’ ઘણા સમયથી કાર્યરત છે.
લગ્ન કરનારી દીકરીઓને આ યોજના હેઠળ સહાય પેટે DBT દ્વારા રૂ. 12 હજાર સીધા તેમના બૅન્ક ખાતામાં ચૂકવાય છે. આ યોજનાનો લાભ લેવા માટે 6 લાખની આવકમર્યાદા નક્કી કરવામાં આવી છે. રાજ્યના મૂળ વતની હોય અને આર્થિક રીતે નબળા પરિવારોને આ યોજનાનો લાભ મળે છે.
પરિવારમાં પુખ્ત વયની 2 કન્યાનાં લગ્ન આ યોજનાનો લાભ મળશે. લગ્ન સમયે કન્યાની ઉંમર 18 વર્ષ અને યુવકની ઉંમર 21 વર્ષ હોવી જોઈએ. લગ્નના 2 વર્ષની સમયમર્યાદામાં યોજનામાં ફોર્મ ઓનલાઇન ભરવાનું રહેશે તેમ મંત્રીએ ઉમેર્યું હતું. મહત્ત્વનું છે કે આ યોજના અંતર્ગત અમદાવાદ જિલ્લા ઉપરાંત ગીર-સોમનાથ જિલ્લામાં 3960 અરજી મંજૂર કરી રૂ. 4.39 કરોડ જ્યારે આણંદ જિલ્લામાં 1285 અરજી મંજૂર કરી રૂ. 1.49 કરોડની સહાય ચૂકવાઈ છે. આમ ત્રણેય જિલ્લામાં કુલ 7143 નાગરિકોને કુલ રૂ. 8.32 કરોડની સહાય ચૂકવાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.