આજે ભારે વરસાદની આગાહી:ગુજરાતમાં સીઝનનો 93 ટકા સાથે 30 ઇંચ વરસાદ વરસ્યો, ધરોઈ ડેમમાંથી પાણી છોડાયું, અમદાવાદ સહિત સાત જિલ્લામાં એલર્ટ

અમદાવાદએક મહિનો પહેલા

ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સીઝનમાં નિરંતર વરસાદી માહોલ જોવા મળ્યો છે. રાજ્યમાં હજુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. અત્યારસુધીમાં ગુજરાતના કુલ 58 તાલુકામાં 100 ટકાથી વધુ વરસાદ, જ્યારે 38 તાલુકામાં 90થી 98 ટકા સુધીનો વરસાદ ખાબકી ગયો છે. રાજ્યના 18 તાલુકા અને દાહોદ જિલ્લામાં હજુ 50 ટકા જેટલો પણ વરસાદ થયો નથી. દાહોદ જિલ્લામાં માત્ર 48.94 ટકા અને સૌથી ઓછો ખેડાના ઠાસરા તાલુકામાં 10.12 ઈંચ, એટલે કે સરેરાશ વરસાદના 32.36 ટકા જ થયો છે. આજે સવારે 6થી 8 વાગ્યા સુધીમાં 108 તાલુકામાં વરસાદ ખાબકી ગયો છે, જેમાં 3.88 ઈંચ વરસાદ ખાબક્યો છે. આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે, જેમાં સાત જિલ્લામાં ઓરેન્જ અને 3 જિલ્લામાં યેલો એલર્ટની આગાહી કરાઈ છે.

અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરમાં કાલુપુર, સારંગપુર, જમાલપુર, ખાડિયા, આસ્ટોડિયા, રાયપુર, કાંકરિયા, લાલ દરવાજા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. શહેરના અન્ય વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. સવારથી શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને બપોરે ધોધમાર વરસાદ તૂટી પડયો છે.ધરોઈ ડેમમાંથી પાણી સાબરમતીમાં છોડવામાં આવ્યું છે. જેને કારણે અમદાવાદ સહિતના સાત જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે.

આગામી પાંચ દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગ તરફથી ગુજરાતમાં આગામી પાંચ દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં પાંચ દિવસ સુધી વરસાદી માહોલ યથાવત્ રહેશે. આગામી 24 કલાકમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન માછીમારોને દરિયા ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ઉપરવાસમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડાતાં સરદાર સરોવર ડેમની સપાટીમાં ઘટાડો થયો છે. સરદાર સરોવર ડેમના કુલ 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના 23 દરવાજા 3.25 મીટર ખોલાયા છે.

છેલ્લા 24 કલાકમાં 221 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 221 તાલુકામાં મેઘમહેર થઈ છે. સુરતના પલસાણામાં 8.54, તાપીના વ્યારામાં 8.4, ડોલવણ અને બારડોલીમાં 6.77, સોનગઢમાં 5.78 ઈંચ વરસાદ ખાબક્યો છે. અમદાવાદ શહેરમાં આ વર્ષે અત્યારસુધીમાં મોસમનો સો ટકા વરસાદ વરસી ગયો છે. ભારે વરસાદને પગલે સોમવારે વાસણા બેરેજના સાત દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલી વીસ હજાર કયૂસેક પાણી છોડવાની મ્યુનિસિપલ તંત્રને ફરજ પડી હતી. આ વર્ષે ૧૦ જુલાઈથી અમદાવાદમાં વરસાદના ધમાકેદાર રાઉન્ડની શરુઆત થવા પામી હતી. 16 ઓગસ્ટ સુધીમાં મોસમનો સરેરાશ વરસાદ ત્રીસ ઈંચથી પણ વધુ થવા પામ્યો છે. શહેરમાં પ્રતિ વર્ષ સરેરાશ ત્રીસ ઈંચ વરસાદ થવાની સંભાવના વ્યકત કરવામાં આવતી હોય છે.

ગુજરાતમાં 78 ડેમ હાઈ એલર્ટ પર
ગુજરાતમાં હાલમાં 90 ટકાથી વધુ ભરાયેલા 78 ડેમ હાઈ એલર્ટ પર છે, જ્યારે 90 ટકા સુધી ભરાયેલા 16 ડેમ એલર્ટ પર છે. એ ઉપરાંત જે ડેમમાં 80 ટકા જેટલું પાણી ભરાયું છે એવા 17 ડેમને વોર્નિંગ પર રાખવામાં આવ્યાં છે. રાજ્યના 206 ડેમમાં હાલમા પાણીની સારા પ્રમાણમાં આવક થઈ છે. ગુજરાતમાં નર્મદા સહિતના ડેમમાં હાલમાં 76.69 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. બીજી બાજુ ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદને કારણે ધરોઈ ડેમ 80.42 % ટકા ભરાયો છે. ડેમમાં પાણીની 1,38,610 ક્યુસેક આવક અને જાવક - 1200 ક્યુસેક છે. હાલમાં સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું હોવાથી એલર્ટ જાહેર કરાયું છે.

નર્મદા ડેમના 23 દરવાજા 3.25 મીટર સુધી ખોલાયા
હાલ સરદાર સરોવર ડેમના તમામ 23 દરવાજા 3.25 મીટર સુધી ખોલીને 5,28,464 ક્યુસેક પાણી નદીમાં છોડાઇ રહ્યું છે. બીજી તરફ રિવરબેડ પાવરહાઉસમાં 6 ટર્બાઇનથી વીજળી ઉત્પન્ન કરીને 44,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આ રીતે નર્મદા નદીમાં કુલ (દરવાજા + પાવરહાઉસ) 5,72,000 ક્યુસેક પાણીની જાવક છે. નદીમાંથી વધારે માત્રામાં પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...