ચૂંટણી પહેલા રૂપિયાની હેરાફેરી:વલસાડમાં વાઈફાઈથી EVM હેક થવાની આશંકા, વડોદરામાં 15.40 લાખ રૂપિયા સાથે વેપારી ઝડપાયો

2 મહિનો પહેલા

વલસાડ જિલ્લાની 5 વિધાનસભા બેઠક ઉપર સામાન્ય ચૂંટણી પૂર્ણ થયા બાદ વલસાડ ઇજનેરી કોલેજના સ્ટ્રોંગ રૂમ ખાતે 35 ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય સિલ છે. ત્યારે ઇજનેરી કોલેજ અને આજુબાજુના વિસ્તારમાં JIO અને NAMO વાઇફાઇ પકડાતું હોવાથી કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષના ઉમેદવારોએ ચૂંટણી પંચ સામે પ્રશ્નો ઉભા કર્યા હતા. રવિવારે તમામ કોલેજો બંધ હોય છે ત્યારે વાઇફાઇની મદદ વડે EVM હેક કરવાની સંભાવના દર્શાવી વહેલી તકે જામર લગાવવા અથવા તો વાઈફાઈ બંધ કરાવવા રજુઆત કરી હતી.

વડોદરાના ડભોઇ પાસેથી 15.40 લાખ રૂપિયા સાથે વેપારી ઝડપાયો
ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી પૂર્વે દારૂની હેરાફેરી અને રોકડ રકમની થતી હેરાફેરીને અટકાવવા માટે તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે, ત્યારે ડભોઈ તાલુકાના વેગા ચોકડી પાસે મોડી રાત્રે સર્વેલન્સ ટીમના વાહન ચેકિંગ દરમિયાન રૂપિયા 15.40 રોકડ સાથે વડોદરાનો વેપારી ઝડપાતા ચકચાર મચી ગઇ હતી. મોડી રાત્રે આ રકમ ક્યાં લઇ જવાતી હતી તે અંગે સર્વેલન્સ ટીમે તપાસ શરૂ કરી હતી. તે સાથે આ રકમ અંગે IT વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. 15.40 રોકડ રકમ વાસણા રોડ ઉપર રહેતા અને ભાયલીમાં ટ્રેડિંગની દુકાન ધરાવતા બંકિમ ડાહ્યાભાઇ પટેલ કારમાં ડભોઈ તરફ જતા હતા. તે દરમિયાન સર્વેલન્સ ટીમના વાહન ચેકિંગ દરમિયાન ઝડપાઈ ગયા હતા. આ વેપારીએ આ રકમ લઇને વઢવાણા ગામ તરફ જઇ રહ્યા હોવાની પણ વિગતો સર્વેલન્સ ટીમની તપાસમાં બહાર આવ્યું હતું. મોડી રાત્રે રૂપિયા 15 લાખ જેટલી રકમ સાથે વડોદરાના વેપારી બંકિમ પટેલ ઝડપાતા ચકચાર મચી ગઇ છે.

PM મોદી મતદાન પહેલાં માતા હીરાબાને મળ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં બીજા તબક્કાના મતદાન પહેલાં અમદાવાદ આવી પહોંચ્યા છે. એરપોર્ટથી સીધા ગાંધીનગર રાયસણ ખાતે માતા હીરાબાને મળવા પહોંચ્યા હતા. જ્યાં માતાના આશીર્વાદ લઇ તેમની સાથે શિયાળાની સાંજે ગરમા ગરમ ચાની ચૂસ્કી ભરીને વડાપ્રધાન મોદી કમલમ રવાના થયા હતા. અહીં આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના અગ્રણીઓ સાથે તેમની મહત્વની બેઠક યોજાશે.

મોદી કાલે રાણીપમાં કરશે મતદાન
ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની 93 બેઠકો પર આવતી કાલે સવારે મતદાન યોજાવવાનું છે. ત્યારે મતદાનની તમામ આખરી તૈયારીઓ કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 8:30 વાગ્યે અમદાવાદની સાબરમતી વિધાનસભામાં રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલ ખાતે મતદાન કરવાના છે.​​​​​​ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતદાનને લઈ અને નિશાન સ્કૂલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સમગ્ર મતદાનને લઈ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. આજે સવારે વડાપ્રધાનના પ્રોટોકોલ મુજબ એસપીજી અને અમદાવાદ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. નિશાંત સ્કૂલમાં મતદાનની તમામ સામગ્રીઓ પહોંચાડવામાં આવી હતી.

ભાજપે સરકારના ગઠનની ચર્ચા કરી, કોંગ્રેસનો જીતનો દાવો
આવતીકાલે સોમવારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની બીજા તબક્કાની 93 બેઠકો પર મતદાન થશે. ત્યારે ગઈકાલે કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ પર એક બેઠક કરી હતી. જેમાં ચૂંટણી બાદ સરકારના ગઠનની ચર્ચા કરી હતી. તો કોંગ્રેસે પણ પ્રથમ તબક્કામાં કોંગ્રેસની જીત થતી હોવાનો દાવો કર્યો છે. એટલું જ નહીં, 63 બેઠક પર જીત મેળવીને ઓબીસી મુખ્યમંત્રી અને 3 અન્ય ઉપમુખ્યમંત્રી બનાવવાની ગુગલી ફેંકી છે.

પાટણમાં કોંગી ઉમેદવારે ભાજપના ઉમેદવાર પર ફૂલ વરસાવ્યા
પાટણમાં પ્રચારના અંતિમ દિવસે કોંગ્રેસ અને ભાજપની રેલીઓ શહેરના બ્રિજ ઉપર સામસામે ભેગી થતાં કોંગ્રેસના ધારાસભ્યે ભાજપના ઉમેદવારની રેલીને ફુલડાથી વધાવી હતી. જો કે, રોડ શો પૂર્ણ થયા બાદ ભાજપના મહિલા ઉમેદવારે કોંગ્રેસના ધારાસભ્ય પર દાદાગીરીના આક્ષેપ કરી કડવા વેણથી વધાવ્યા હતા.
સામસામે આક્ષેપોનો મારો
પાટણ બેઠક ભાજપના મહિલા ઉમેદવાર ડૉ.રાજુલ દેસાઈએ જણાવ્યું હતું કે, અસામાજીક તત્વો અને ગુંડાઓ લઈને નીકળેલી આ કોંગ્રેસની રેલીએ ખુલ્લી દાદાગીરીની પ્રતીતિ અમને કરાવી છે. જ્યારે ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે, રેલીમાં જોડાયેલા લોકો પાટણના પ્રતિષ્ઠિત ડૉક્ટરો, વેપારીઓ અને લોકો હતા પણ તેમણે આક્ષેપ કર્યા છે કે અસામાજિક તત્વોની ટોળી હતી. પરંતુ અમારી રેલીની સંખ્યા તેમનાથી 4 ઘણી વધારે હતી. જેથી હાર જોઈ જતાં માનસિક સ્થિતિ ગુમાવી દીધી હોય તેમ આ નિવેદનો કર્યા છે.

સોમવારના મતદાનની વ્યૂહરચના ઘડાઈ
અમિત શાહ, પાટીલ, ભૂપેન્દ્ર પટેલ અને રત્નાકાર વચ્ચે દોઢ કલાક જેટલા લાંબા સમય સુધી કમલમ ખાતે ચર્ચા ચાલી હતી. ભાજપે પ્રથમ તબક્કાના ઉમેદવારોને કમલમ પર મળવા માટે બોલાવી લીધાં છે અને છ તારીખે બીજા તબક્કાના ઉમેદવારોને પણ મળવા આવવા કહી દેવાયું છે. મૂળમાં આ નેતાઓ ચૂંટણી પછી બનનારી ભાજપ સરકારના નવા મંત્રીમંડળને લઇને પણ ડિઝાઇન બનાવી રહ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ દરમિયાન તેમણે સોમવારે મતદાન વધે તે માટે આવશ્યક પ્રયત્નોને લઇને વ્યૂહ બનાવ્યો હોવાનું સૂત્રો જણાવે છે. ભાજપના આ શીર્ષષ્ઠ નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કુલ મળીને ઓછામાં ઓછી 130 બેઠકો પર ભાજપનો વિજય થશે અને પ્રથમ તબક્કાની 89 પૈકી પણ મોટી સંખ્યામાં જીત મળે તેવાં સંકેતો છે.

ચૂંટણીમાં ખડગેની 8 સભાઓ અને રાહુલ ગાંધીનું મોનિટરિંગ
વિધાનસભા ચૂંટણીના પ્રથમ ચરણના મતદાનમાં કોંગ્રેસને 65થી વધુ બેઠક મળશે તેવું કોંગ્રેસ પ્રભારી રધુ શર્માનું નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસના આગેવાનોએ ચૂંટણીમાં ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો. ખડગેએ 8 મિટિંગ અને સભાઓ કરી અને રાહુલ ગાંધીએ સમગ્ર ગુજરાતનું મોનિટરિંગ કર્યું. જેને કારણે વિજેતા બનવા તરફ આગળ વધી રહ્યા છીએ. 26 લોકસભા અને 182 બેઠક પર સિનિયર નેતાઓ અને ઉમેદવારો સહિત કાર્યકરોએ સારો પ્રચાર કર્યો. અનુશાસનમાં રહીને મુદ્દા ઉઠાવવાનું કામ કર્યું. ભાજપની સ્થિતિ ખરાબ છે. જનતામાં જોરદાર આક્રોશ છે. ગુજરાત ગૌરવ યાત્રા ફેઇલ છે. સાત દિવસમાં યાત્રા ખત્મ કરી નાખવી પડી.

ઠક્કરબાપાનગરના AAP ઉમેદવારને ઢોર માર મરાયો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનને ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે આજે રાત્રે અમદાવાદના ઠક્કરબાપાનગર વિસ્તારમાં ભાજપ અને આમ આદમીના કાર્યકરો વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. ઠક્કરબાપાનગર વિધાનસભાના હીરાવાડી વિસ્તારમાં શુભ સાગર પેલેસ નામની સોસાયટી પાસે આમ આદમી પાર્ટીના ઠક્કરબાપા નગર વિધાનસભાના ઉમેદવાર સંજય મોરી પર હુમલો થયો હોવાની જાણકારી મળી છે. ઘટનાને પગલે મોટો પોલીસ કાફલો પણ હાલમાં ઘટના સ્થળે પહોંચ્યો છે. ઠક્કરબાપાનગર વિસ્તારમાં બનેલી ઘટનાને પગલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા છે. સમગ્ર ઘટનાને પગલે બાપુનગર પોલીસ સ્ટેશનમાં પણ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે.

સોમવારે બીજા તબક્કાનું મતદાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 93 બેઠકો માટે સોમવારે મતદાન થવાનું છે. ત્યારે શનિવારે સાંજે 5 વાગ્યે બીજા તબક્કાના મતદાન માટેના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા હતા. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષો દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બંને તબક્કા માટે વડાપ્રધાનથી લઇ કેન્દ્રીય નેતાઓ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો હતો. હવે મતદાનને ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે ઉમેદવારો પોતાના સંપર્કોથી ગ્રુપ મિટિંગ અને અલગ અલગ જગ્યાએ ખાનગીમાં મિટિંગ કરી પોતાના તરફ મતદાન થાય તેવા પ્રયાસો શરૂ કર્યા છે.

મુખ્યમંત્રીએ રાણીપથી લઈને ઓગણજ સુધી રોડ શૉ કર્યો
બીજા તબક્કાના પ્રચાર માટે શનિવારે અંતિમ દિવસ હોવાથી ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ પોતાની તમામ તાકાત લગાવી રોડ શો, રેલી, જાહેર સભા યોજી હતી. ઘાટલોડિયાના ઉમેદવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાણીપથી લઈને ઓગણજ સુધી રોડ શો કર્યો હતો. આ ઉપરાંત એલિસબ્રિજના અમિત શાહ અને દસક્રોઈના બાબુભાઈ પટેલે પણ બાઈક રેલી પ્રચાર કરી હતી. કોંગ્રેસના વટવા બેઠકના ઉમેદવાર બળવંતસિંહ ગઢવીએ વિશાળ રેલી યોજી જાહેર સભાને સંબોધી હતી.

ઓવૈસીની પાર્ટીના જમાલપુરના ઉમેદવારને હત્યાની ધમકી મળી
જમાલપુર-ખાડિયા બેઠક પર ઔવેસીની પાર્ટી એઆઈએમઆઈએમના ઉમેદવાર સાબીર કાબલીવાલાને ફોન ઉપર તેમજ સભામાં ધમકી આપવામાં આવી હતી. આ અંગે કાબલીવાલાએ ફારુક યુસુફભાઈ રોલવાલા વિરુદ્ધ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આસ્ટોડિયા પુરબિયાવાડમાં રહેતા સાબીર અબ્દુલકરીમ ખેડાવાલા (કાબલીવાલા)(58) એ શનિવારે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફારુક યુસુફભાઈ રોલવાલા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેઓ છેલ્લા 30 વર્ષથી શાંતિપુરા ખાતે પેપર પ્રિન્ટ નામે ધંધો કરે છે. 2 ડિસેમ્બરે તેઓ ઘરેથી કારમાં ઓફિસે જતા હતા, ત્યારે રસ્તામાં ગોળલીમડા પાસે 12.14 વાગ્યે તેમના ઉપર ફારૂકે ફોન કરી ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

બાપુનગર કોંગ્રેસમાં ભંગાણ મુસ્લિમોએ સપાનો હાથ પકડ્યો
વડાપ્રધાન મોદીના રોડ-શો બાદ બાપુનગર કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે. મુસ્લિમ સમાજના લોકોની કોંગ્રેસમાં અવગણના થતી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે, તેથી તેમણે સમાજવાદી પાર્ટીના ઉમેદવારને ટેકો જાહેર કરવા અંદરખાને ફતવો જાહેર કર્યાની ચર્ચા છે. શુક્રવાર મોડી સાંજે મોદીનો રોડ-શો પૂરો થઈ ગયા બાદ રખિયાલની જુદી જુદી ચાલીમાં બેઠકો યોજાઈ હતી, જેમાં આ નિર્ણય લેવાયો હતો. પૂજારીની ચાલી, મચ્છી માર્કેટ, રંગવાલાની ચાલી, ડોસુમિયાની ચાલી, સ્ટેડિયમના છાપરાં, ઘાંચીની ચાલી, જાલમપુરની ચાલી, મોરારજી ચોક, અર્બન નગર, શકીલ ચોક મુસ્લિમ બહુમતી વિસ્તાર છે. બાપુનગર વિધાનસભામાં આશરે 40 હજાર મુસ્લિમ મતદારો છે. આ વિસ્તારમાં આવતા બૂથ સપાના ઉમેદવાર માટે તરફી મતદાન કરે તો કોંગ્રેસના ઉમેદવાર માટે મુશ્કેલી થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...