અમદાવાદ ચૂંટણી:ભાજપના કાર્યકરોએ બાપુનગરમાં જીતનો જશ્ન મનાવ્યો, આજે બીજા તબક્કાની ચૂંટણી યોજાઈ

અમદાવાદ2 મહિનો પહેલા

ગુજરાતમાં બીજા ચરણનું મતદાન પૂરું થયું છે, ત્યારે દરેક ઉમેદવાર હવે પોતાના મતદાનની મત પેટીઓ ખૂલે તેની રાહ જોઈ રહ્યા છે, ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં બાપુનગર વિધાનસભામાં ભાજપના કાર્યકરોએ ભાજપનો વિજય થશે તેમ માનીને આતશબાજી કરી હતી. શહેરના કયા ઉમેદવાર ક્યારે જીતશે? કેટલા મતથી જીતશે? તે હજી નક્કી નથી. બીજી તરફ હાલ બાપુનગર વિધાનસભા બેઠક પર કોંગ્રેસ જીતી હતી. આજે થયેલા મતદાન બાદ કોણ જીતશે? કોણ હારશે? તે આઠમી તારીખે નક્કી થશે. ત્યારે બાપુનગર વિધાનસભાના સરસપુર ખાતે આજે આતશબાજી થઈ હતી.

2017 કરતાં 12 ટકા ઓછું મતદાન
અમદાવાદ સહિત રાજ્યની બીજા તબક્કાની 93 બેઠકની આજે ચૂંટણી યોજાઈ હતી. પાંચ વાગ્યે મતદાન પૂરું થયું હતું અને જિલ્લા અને શહેરની 21 બેઠકો પરના ઉમેદવારોના ભાવી ઈવીએમમાં સીલ થયા હતા. 5 વાગ્યા સુધી 54.57 ટકા નોંધાયું હતું. જેમાં સૌથી વધુ સૌથી વધુ 66.57 ટકા મતદાન ધોળકા તાલુકામાં નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું 45.25 ટકા નરોડામાં નોંધાયું છે.

સિંગરવામાં કાર્યકર્તાઓ પર ભાજપે હુમલો કર્યો: બળવંતસિંહ ગઢવી
વટવા વિધાનસભા વિસ્તારમાં આવતા સિંગરવા ગામમાં સોમવારે સાંજે કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપર કેટલાક ભાજપના લોકોએ હુમલો કર્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસના ઉમેદવાર બળવંતસિંહ ગઢવીએ કર્યો હતો. સિંગરવામાં સાંજે પાંચ વાગ્યે મતદાન પૂર્ણ થવાની થોડા સમય પહેલા બોગસ મતદાન થતું હોવાની માહિતી કોંગ્રેસને મળી હતી. જેથી ઉમેદવાર બળવંત ગઢવીના ભાઈ અને તેમના દીકરા તેમજ કાર્યકર્તાઓ ગામમાં પહોંચ્યા હતા અને મતદાન મથક પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થાય તેને લઇ અને ત્યાંના લોકોને જાણ કરી હતી. સાંજે 5 વાગ્યે સમયસર મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તેને લઈ વાતચીત કર્યા બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓ જ્યારે ત્યાંથી પરત આવતા હતા. ત્યારે રસ્તામાં ભાજપના કેટલાક કાર્યકરોએ કોંગ્રેસના નેતાઓને કાર્યકર્તાઓની ગાડી પર હુમલો કર્યો હતો. પાઇપો અને લાકડીઓ વડે હુમલો કરી અને ગાડીના કાચ પણ તોડી નાખ્યા હતા. આ હુમલાની ઘટનામાં ત્રણ લોકોને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું હતું. હાલમાં આ મામલે કાર્યવાહી કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું.

વિજયી બનીને ભૂષણ ભટ્ટે તો આભાર પણ માની લીધો!
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાની 93 બેઠકોના મતદાનમાં અમદાવાદ શહેરમાં ખૂબ જ ઓછું મતદાન થયું છે. ત્યારે અમદાવાદ શહેરની કેટલીક બેઠકો પર ભાજપના ઉમેદવારો પોતે અત્યારથી જ પોતાની જીત નક્કી કરી લીધી છે અને તેઓએ જીતનો જશ્ન પણ બનાવવાનું શરૂ કરી દીધું છે. તો બીજી તરફ ભાજપના ઉમેદવારો પોતે પોતાની જીત થઈ હોવાને લઈ અત્યારથી જ સોશિયલ મીડિયામાં મેસેજ પણ ફરતા કર્યા હતા. સવારના પ્રથમ ત્રણ કલાક મતદાન જ્યાં સૌથી ઓછું ચાલી રહ્યું હતું એવી જમાલપુર ખાડિયા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટે સોશિયલ મીડિયામાં અને પોતાના સ્ટેટસમાં પોતાને વિજય બનાવવા માટે દિવસ રાત એક કર્યા બદલ ભાજપના કાર્યકર્તાઓનો આભાર માનતો મેસેજ મોકલ્યો હતો. આ ઉપરાંત તેઓએ જમાલપુર કાળિયા વિધાનસભાની જનતાએ મતદાન કરી અને તેમની ફરજ પૂરી તે બદલ મતદારોનો પણ આભાર માન્યો હતો.

અમદાવાદમાં ચૂંટણી નિરસ રહી
અમદાવાદમાં આજે વહેલી સવારથી મતદાન મથકો પર મોટા ગજાનાં નેતાઓ મતદાન કરવા પહોંચ્યા હતા. એક સમયે એવું લાગતું હતું કે ગઈ વખતનો મતદાનનો આંકડો આ વખતે રેકોર્ડ બ્રેક રીતે તૂટી જશે. પરંતુ જેમ જેમ દિવસ વીતતો ગયો તેમ તેમ મતદારો નીરસ થતા ગયા હતા. બપોરે વૃદ્ધો અને આધેડ વયના લોકો મતદાન મથક સુધી પહોંચતા હતા. જ્યારે આ વખતે સૌથી વધુ મતદારો યુવાનો હતા. જે પ્રથમ વખત મતદાન કરવાના હતા, તેઓ મતદાન મથક પાસે ખૂબ ઓછી સંખ્યામાં દેખાતા હતા. જ્યારે અલગ અલગ વિસ્તારમાં મતદાન મથકો પર લાઈન જોવા મળી રહી હતી અને તેના કારણે મતદાન પ્રક્રિયા ક્યાંક ધીમી રહી હતી. બીજી તરફ અમદાવાદમાં આ વખતે ઘણા વિસ્તારોમાં મતદાન કરવા માટે લોકોને ઘરેથી બહાર લાવવા માટે તૈયારીઓ કરવામાં આવી હતી. પરંતુ મતદારો ગરમી બહાર ન આવતા ઢોલ નગારા વગાડીને મતદાન મથક સુધી લાવવામાં આવ્યા હતા.

AIMIM અને કોંગ્રેસના કાર્યકરો સામસામે
અમદાવાદના પશ્ચિમ વિસ્તારની વાત કરીએ તો સવારના સમયે ઘાટલોડિયા વિધાનસભામાં મોટી સંખ્યામાં મતદાન થયું હતું. ત્યારબાદ નારણપુરામાં પણ મતદાન મથકો પર લાઈન જોવા મળી હતી. આ બધાની વચ્ચે એલિસબ્રિજ વિધાનસભામાં આ વખતે બંને પક્ષોએ નવો ઉમેદવાર રજૂ કર્યો હતો. ત્યાં જંગી મતદાનની જગ્યાએ નીરસ મતદાન રહ્યું હતું. ત્યારબાદ અમદાવાદના કાળિયા જમાલપુર વિધાનસભામાં સભા પાસે AIMIM અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મતદાનના કારણે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બધાની સાથે દરિયાપુર વિધાનસભામાં પણ કેટલીક જગ્યાએ AIMIM, કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો એકબીજાની સામે થયા હોય તેવા સમાચાર વહેતા થયા હતા.

ઈવીએમમાં મત આપીને મતદારોએ મતાધિકાર વાપર્યો
બાપુનગર સીટ પર આ વખતે 29 ઉમેદવારો છે, જેમને મોટા પ્રમાણમાં મતદાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો અને આ વખતે બાપુનગર વિધાનસભામાં કોંગ્રેસ ભાજપ અને સમાજવાદી પાર્ટીના ઉમેદવાર વચ્ચે ત્રિપાખિયો જંગ ખેલાયો હતો. અમદાવાદના વટવા વિસ્તારમાં આ વખતે પ્રદીપસિંહ જાડેજાની જગ્યાએ નવા ઉમેદવારે એન્ટ્રી મારી છે. આ વખતે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ મોટા પ્રમાણમાં મતદાન કરાવ્યું હતું. જ્યારે અમરાઈવાડી વિધાનસભામાં પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ હોય તેવું લાગી રહ્યું છે. હાલ તો મતદારોએ પોતાનો મત ઈવીએમમાં બટન દબાવીને મત આપી દીધો છે, પરંતુ આઠમી તારીખ સુધી અમદાવાદની ઘણી એવી વિધાનસભાનો ઉમેદવારો હશે જે પોતાની જીત માટે ચોક્કસ નહીં હોય તેવું નક્કી છે.

મતદાન માટે બાપુનગરમાં ઢોલ વાગ્યાં
બાપુનગર વિધાનસભામાં આવેલા સરસપુર વિસ્તારમાં બપોર બાદ મતદાન વધ્યું હતું. મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા માટે પહોંચ્યા હતા. મતદાનને કલાક જેટલો સમય બાકી હતો ત્યારે હવે મતદારો ઘર બહાર નીકળી મતદાન માટે બહાર આવ્યા હતા. બાપુનગર વિધાનસભામાં ભાજપ દ્વારા જીત માટે સોસાયટીઓના નાકે ઢોલ મૂકવામાં આવ્યા હતા, જેથી તેઓ સીધા મતદાનના સંપર્કમાં આવી શકે અને તેમને મતદાન બૂથ સુધી પહોંચાડી શકાય. તો કોંગ્રેસ દ્વારા પણ કાર્યકરો અને નેતાઓ સોસાયટીમાં પહોંચીને લોકોને મતદાન કરવા માટે કહી રહ્યા હતા.

અમરાઈવાડીમાં ઘરે ઘરે જઈને મતદાન માટે વિનંતીઓ કરાઈ
અમદાવાદ દરિયાપુર વિસ્તારમાં બપોરે બાદ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં મુસ્લિમ મહિલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા હતા. લીમડાચોક પાસે આવેલા મતદાન મથકમાં મોટી સંખ્યામાં મુસ્લિમ મહિલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત પણ શાહપુર દરવાજા બહાર કાશી વિશ્વનાથ મહાદેવ પાસે આવેલી સ્કૂલમાં પણ મોટી સંખ્યામાં લોકોએ મતદાન કર્યું હતું. જોકે જમાલપુર ખાડિયા વિસ્તારમાં હજી પણ મતદારોમાં કોઈ ઉત્સાહ હોય એવું જણાતું હતું. અમરાઈવાડી વિધાનસભામાં ઓછું મતદાન થયું હોવાથી કોંગ્રેસના કાર્યકરો અલગ અલગ સોસાયટીઓમાં જઈને લોકોને વોટ કર્યા કે નહીં એ ચેક કરી રહ્યા હતા. જે મતદારોને મત આપવાના બાકી હોય તેમને મત આપવા જવા વિનંતી કરી રહ્યા હતા.

3 વાગ્યા સુધી શહેર જિલ્લામાં 44.67 ટકા મતદાન
અમદાવાદ શહેર અને જિલ્લામાં બીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. ત્યારે 3 વાગ્યા સુધીનો ટ્રેન્ડ જોઈએ તો જિલ્લામાં 50 ટકા જેટલું સરેરાશ મતદાન થયું છે. જોકે શહેરમાં મતદાનની સરેરાશ 44 ટકા છે. અમદાવાદ શહેરમાં સૌથી ઓછું મતદાન ઠક્કરબાપાનગર ખાતે 38.85 ટકા રહ્યું છે. જ્યારે એનાથી થોડું વધારે એલિસબ્રિજમાં 39.30 % મતદાન નોંધાયું છે. તો શહેરમાં સૌથી વધુ ઘાટલોડિયામાં 47.09 ટકા મતદાન થયું છે.

ખાડિયામાં કોંગ્રેસી નેતા અને કાર્યકરોએ અડિંગો જમાવતાં પોલીસ દોડી ગઈ
શહેરના જમાલપુર ખાડિયા વિધાનસભામાં ખાડિયા વિસ્તારમાં આવેલી પખાલીની પોળ પાસે કોંગ્રેસના કાર્યકર્તાઓ, જગત શુક્લ સહિતના નેતાઓ બહાર બેઠા હતા. ત્યારે ચૂંટણી ઓબ્ઝર્વર ત્યાંથી પસાર થયા હતા અને તેમણે આ વિસ્તારમાંથી જતા રહેવા માટે કહ્યું હતું છતાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ ને નેતાઓ બેસી રહ્યા હતા. જેને પગલે તેમણે પોલીસને જાણ કરી હતી અને કોંગ્રેસના કાર્યકર્તાઓને ત્યાંથી જતા રહેવા માટે કહ્યું હતું. મતદાન મથકની 100 મીટરની હદ લાગતી હોવાથી ત્યાં ન બેસવા માટે પોલીસે જાણ કરી હતી. પોલીસે કોંગ્રેસના કાર્યકર્તાઓને જગ્યા ખાલી કરવા સૂચના આપી દીધી હતી. જોકે પખાલીની પોળ નજીકનાં મતદાન મથકોની બહાર કોંગ્રેસના નેતાઓને કાર્યકર્તાઓનો જમાવડો થતાં ચૂંટણી ઓબ્ઝર્વરે ફરિયાદ કરી હતી અને પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી ગયો.

1 વાગ્યા સુધી ઠક્કરબાપાનગરમાં સૌથી ઓછું 25.12 % મતદાન
અમદાવાદ શહેર અને જિલ્લામાં બીજા તબક્કાનું મતદાન યોજાયું હતું. ત્યારે 1 વાગ્યા સુધીનો ટ્રેન્ડ જોઈએ તો જિલ્લામાં 35 ટકા જેટલું સરેરાશ મતદાન યોજાયું હતું. જોકે શહેરમાં મતદાનની સરેરાશ 30 ટકા હતી. અમદાવાદ શહેરમાં સૌથી ઓછું મતદાન ઠક્કરબાપાનગર ખાતે 25.12 ટકા રહ્યું હતું. જ્યારે એનાથી થોડું વધારે એલિસબ્રિજમાં 25.26 % મતદાન નોંધાયું હતું.

બપોરે મતદાન માટે લોકોની ભીડ ઘટી
અમદાવાદ શહેરમાં મતદાન ખૂબ જ ધીમું ચાલી રહ્યું હતું. બપોરે 1:00 વાગ્યા સુધીમાં થયેલા મતદાનના આંકડા અને પરિસ્થિતિ પ્રમાણે મતદાન મથકો પર હવે ભીડ ઓછી જોવા મળી હતી. શહેરના કોટ વિસ્તાર કહેવાતા એવા જમાલપુર ખાડિયા વિસ્તારમાં મતદાન નીરસ થઈ રહ્યું હતું. બપોરે 12 વાગ્યા સુધી મતદાન કરવા માટે લોકો મતદાન મથક સુધી પહોંચ્યા હતા અને લાઈનો જોવા મળી હતી, પરંતુ બપોરે હાલમાં ખૂબ જ ઓછી ભીડ જોવા મળી હતી. ખાસ કરીને લઘુમતી વિસ્તારોમાં શાહપુર, દરિયાપુર સહિતના વિસ્તારોમાં લોકોની ભીડ જોવા મળી રહી હતી, પરંતુ જમાલપુર, રાયખંડ જેવા વિસ્તારમાં મતદાનમાં કોઈ ખાસ ઉત્સાહ જોવા મળ્યો ન હતો. ખાડિયા વિસ્તારમાં પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં મતદાન રહ્યું હતું.

લોકશાહી પર્વ પર ઓક્સિજન પર રહેલાં મહિલાએ વોટ આપ્યો
સ્વસ્થ લોકોને મતદાન કરવાનો ઉત્સાહ આવે એવો કિસ્સો શહેરના વેજલપુરમાં નોંધાયો હતો. મહિલા ગંભીર બીમારીથી પીડાય છે અને તેમનું નામ પૂર્ણિમા શેઠ છે. સિનિયર સિટિઝન એવાં પૂર્ણિમા શેઠ ઑક્સિજનના સહારે મતદાન કરવા પહોંચ્યાં હતાં. તેઓ ફાઇબ્રોસિસ નામની બીમારીથી પીડાઈ રહ્યાં છે . પૂર્ણિમાબહેન નૂતન કુમાર શેઠે આજે પોતાના દીકરા સહિતના પરિવારજનો સાથે મમતપુરા સ્કૂલ વેજલપુર સ્કૂલ નજીક મતદાન કરવા માટે પહોંચ્યા હતા. 6 વર્ષથી વધુ સમયથી મહિલા બીમારીથી પીડાઈ રહ્યા છે, પણ દરેક ચૂંટણીમાં પોતાનો મત આપવા માટે આવે છે, મહત્ત્વની વાત એ છે કે 4 વર્ષથી બીમાર મહિલા મતદાન કરવા માટે ઓક્સિજનના સહારે આવે છે અને પોતાનો મત આપે છે.

ફર્સ્ટ વોટર્સ ઉત્સાહિત
અમદાવાદના શાહપુર મેંહદીકૂવા વિસ્તારમાં રહેતી વિરલ નામની યુવતીએ સૌપ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. દૂધેશ્વર અર્બન હેલ્થ સેન્ટર ખાતે મતદાન કરવા આવેલી વિરલ નામની યુવતીએ જણાવ્યું હતું કે, મેં સૌપ્રથમ વખત મારા માતાધિકારનો ઉપયોગ કર્યો છે અને સૌ લોકોને મારી અપીલ છે તે લોકોએ મતદાન કરવું જોઈએ.

શહેરના શાહપુર વિસ્તારમાં સૌપ્રથમવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા આવેલી મલેક આફરીન નામની યુવતીએ જણાવ્યું હતું કે, આજે મેં સૌપ્રથમવાર મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને મને ખૂબ જ ઉત્સાહ હતો. સૌ લોકોને અપીલ છે કે અહીંયા મતદાન કરવા માટે આવે.

ચાંદખેડા-મોટેરામાં ભાજપે કોંગ્રેસના પોલિંગ ટેબલ તોડી યુવકોને માર માર્યાનો કોંગ્રેસનો આક્ષેપ
ગાંધીનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં આવતા ચાંદખેડા અને મોટેરા વિસ્તારમાં ભાજપના ઉમેદવારના કેટલાક લુખ્ખા તત્વો દ્વારા ગાંધીનગર હાઇવે પર આવેલી વિશ્વકર્મા એન્જિનિયરિંગ બહાર કોંગ્રેસના પોલિંગ ટેબલના યુવકોને માર મારી અને ટેબલ તોડી નાખ્યા હોવાના આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા.

કારમાં આવી 4થી 5 લોકો આવ્યા અને તોડફોડ કરી
મોટેરા અને ચાંદખેડા વિસ્તારમાં એક વરના ગાડીમાં કેટલાક ચારથી પાંચ લોકો જે વિસ્તારમાં ફરી અને કોંગ્રેસના જે પણ પોલિંગ ટેબલના કાર્યકર્તાઓ તેને ડરાવી અને ધમકાવી રહ્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો. હાલમાં વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજ અને જનતાનગરની પાછળ પ્રગતિ હાઇસ્કૂલ બહાર આવી ઘટના બની હોવાનું જાણવા મળ્યું હતું. જેના પગલે ચાંદખેડા પોલીસ પણ દોડતી થઈ હતી. આ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી અને પેટ્રોલિંગ કરવાની માગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી.

ફાટેલા કપડા પહેલી કોંગ્રેસ નેતાએ મત આપ્યો
મોંઘવારી, બેરોજગારી અને મંદીના વિરોધ સાથે બાપુનગરમાં કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકે ફાટેલા કપડા સાથે મતદાન કર્યું હતું. ફાટેલા કપડાં પહેરીને હાથમાં તેલનો ડબ્બો તથા ગેસનો બાટલો સાથે રાખીને નેતા ઘરેથી આવ્યા હતા. ત્યારબાદ મતદાન મથકની અંદર ફાટેલા કપડાં પહેરીને જઈને વિરોધ સાથે મતદાન કર્યું હતું. અમદાવાદમાં 11 વાગ્યા સુધીમાં 16.95% મતદાન નોંધાયું હતું. જેમાં સૌથી ઓછું એલિસબ્રિજમાં 12.64% નોંધાયું હતું. મણિનગર અને ઘોડાસરમાં મહિલાઓ ઢોલ-નગારાના તાલે ડાન્સ કરતી બુથ પર પહોંચી સામુહિક મતદાન કર્યું હતું.

પગમાં ફ્રેક્ચર છતાં લોકગાયકે મત આપ્યો
અમદાવાદના લોકગાયક અને સામાજિક કાર્યકર્તા હિમાંશુ ચૌહાણને પગમાં ફ્રેક્ટર હોવા છતાં ઘોડી સાથે મતદાન મથકે પહોંચ્યા હતા. લોકાશાહીના મહાપર્વ એટલે કે, ચૂંટણીમાં પોતાનો મત આપી અને બીજા લોકોને પણ મત આપવા માટેની અપીલ કરી હતી. જ્યારે લોકગાયક રાજલ બારોટે પણ મત આપી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી.

નારણપુરામાં આપના પોલિંગ ટેબલ પર કાગડા ઊડ્યા
નારણપુરા વિધાનસભામાં ગાંધીઆશ્રમ શાળા નંબર 1માં મતદાન કરવા માટે લોકોની ભીડ હતી. ત્યારે કોંગ્રેસના પોલિંગ ટેબલ પર લોકોની ભીડ જોવા મળી હતી. ભાજપના ટેબલ પર 2-4 લોકો આવતા હતા અને આમ આદમી પાર્ટીના ટેબલ પર તો એક પણ વ્યક્તિ આવ્યો નહોતો. આમ આદમી પાર્ટીના ટેબલ પર માણસો બેસી રહ્યા હતા.

ભાજપ રિક્ષામાં બેસાડી લોકોને મતદાન મથક સુધી પહોંચાડે છે.
ભાજપ રિક્ષામાં બેસાડી લોકોને મતદાન મથક સુધી પહોંચાડે છે.

ભાજપ રિક્ષામાં બેસાડી લોકોને બુથ સુધી પહોંચાડી રહ્યા હતા
વાડજ વિસ્તારમાં સંજય ગાંધીનગરના છાપરામાં ભાજપના કાર્યકર્તાઓ લોકોને રિક્ષાઓમાં બેસાડીને મતદાન મથક સુધી લઈ જઈ રહ્યા હતા. સુભાષબ્રિજ ગાંધી આશ્રમ પાસે આવેલી નારણપુરા વિધાનસભાની મહાત્મા ગાંધી આશ્રમ શાળા નંબર એકમાં મતદાન કરવા માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ જામી હતી. એક લાઈનમાં 50થી વધારે લોકો મતદાન કરવા માટે ઉભા રહ્યા હતા. મહાત્મા ગાંધી આશ્રમ શાળા નંબર એકમાં મોટાભાગે વાડજ વિસ્તારના રામાપીરના ટેકરા, સંજય ગાંધીના છાપરા તેમજ પરીક્ષિતનગરના લોકો મત આપી રહ્યા હતા.

બાપુનગર બેઠક પર કોંગ્રેસ નેતાનું અનોખા વિરોધ સાથે મતદાન
કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકે બાપુનગર વિધાનસભામાં આજે મતદાન કર્યું હતું. અમિત નાયક ઘરેથી ફાટેલા કપડાં પહેરીને નીકળ્યા હતા. ફાટેલા કપડાં ઉપરાંત હાથમાં તેલનો ડબ્બો રાખ્યો હતો તો અન્ય કાર્યકરોએ હાથમાં ગેસનો બાટલો રાખ્યો હતો. વિરોધ સાથે મતદાન મથકમાં જઈને અમિત નાયકે મતદાન કર્યું હતું. અમિત નાયકે જણાવ્યું હતું કે, નાગરિકો હવે બોલી શકતા નથી, આથી મેં આજે સરકાર દ્વારા વધારવામાં આવેલી મોંઘવારી, બેરોજગારી અને મંદીનો પ્રતિકાત્મક વિરોધ કરીને મતદાન કર્યું છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મતદાન કર્યું
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પત્ની, પુત્ર જય અને પુત્રવધૂ સાથે નારણપુરાના કામેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આવેલી સબ ઝોનલ ઓફિસમાં મતદાન કરવા પહોંચ્યા હતા. શંકરસિંહ, આનંદીબેન પટેલ અને એલિસબ્રિજના ભાજપના ઉમેદવાર અમિત શાહે પરિવાર સાથે મતદાન કર્યું હતું. જ્યારે વિરમગામ બેઠકના ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલે પત્ની કિંજલબેન સાછે મતદાન કર્યું હતું. બાદમાં કિંજલબેને જણાવ્યું હતું કે, વિરમગામ બેઠક પર લોકો પરિવર્તન ઇચ્છે છે. ચાંદલોડિયામાં શક્તિ સ્કૂલમાં EVM 45 મિનિટ બંધ રહેતા મતદારોએ હોબાળો મચાવ્યો હતો. બીજી તરફ નારણપુરા વિધાનસભામાં અલગ અલગ જગ્યાએ 12 જેટલા EVM મશીન બદલવા પડ્યા હતા. અસારવામાં બુથ નંબર 132માં 30 મિનિટ સુધી EVM ખોટવાયું હતું.

નવા મતદાર યુવક-યુવતીઓને મતદાન કરવા અપીલ
મતદાન કરી અમિત શાહે જણાવ્યું હતું કે, આજે બીજા તબક્કાના મતદાનનો દિવસ છે. જેમને પહેલીવાર મતાધિકારનો ઉપયોગ કર્યો છે તે સૌ યુવક-યુવતીઓને અપીલ કરું છું કે, આપનો મત જરૂર આપો અને ગુજરાતના વિકાસ આગળ વધારો. સમગ્ર ભારતના વિકાસનો પાયો ગુજરાત છે.

આનંદીબેન પટેલ અને શંકરસિંહ વાઘેલાએ મત આપ્યો
શંકરસિંહ વાઘેલાએ અમદાવાદમાં મતદાન કર્યું હતું. આનંદીબેન પટેલે શીલજ ખાતે પરિવાર સાથે મતદાન કર્યું હતું. એલિસબ્રિજના ભાજપના ઉમેદવાર અમિત શાહે પણ પરિવાર સાથે મતદાન કર્યું હતું. મુમતપરા પ્રાથમિક શાળાના બૂથ વજેલપુર વિધાનસભા મથકમાં મતદારો મોબાઈલ ફોન લઈને મતદાન કરવા જતા પોલીસે અટકાવ્યા હતા.

મતદાન ઝડપથી કરાવવા અધિકારીઓ પર દબાણ
વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કામાં સવારથી જ મતદાન મથકો પર લાંબી લાઇન લાગી હતી. મતદારો ઝડપથી મતદાન કરે તે માટે રાજકીય પક્ષો દ્વારા મતદાન મથકના અધિકારીઓ પર દબાણ કરવામાં આવી રહ્યું હતું, તો બીજી તરફ મતદારોને મોબાઈલ મતદાન મથકમાં ના લઈ જવા દેતા મતદારો વોટ આપ્યા વિના જ પરત જઈ રહ્યા હતા. જમાલપુર-ખાડીયાના ઉમેદવાર ભૂષણ ભટ્ટે પરિવાર સાથે મતદાન કર્યું હતું, તો અમિત ઠાકરે પણ પોતાનો મત આપી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

સિનિયર સિટિઝનોને મુશ્કેલી પડી
મુમતપુરા પ્રાથમિક શાળા બુથ વેજલપુર વિધાનસભા સિનિયર સિટિઝન મતદાન કરવા પહોંચ્યા હતા. પરંતુ મતદાન મથકે સિનિયર સિટીઝન માટે વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી નથી. ચૂંટણીપંચનું નોટિફિકેશન હોવા છતાં સિનિયર સિટીઝન માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. બીમાર સિનિયર સિટીઝન ચાલીને મત આપવા માટે પહોંચ્યા હતા.

નિરીક્ષકને મતદાન ઝડપથી કરાવવા આદેશ
બાપુનગર વિધાનસભાના ગાયત્રી મંદિર પાસે આવેલા મ્યુનિસિપલ સ્કૂલ તોડી પાડેલી ખુલ્લા મેદાનમાં સવારના 8 વાગ્યાથી મતદાન કરવા લાંબી લાઇન લાગી હતી. 8 લાકડાના ટેન્ટ બનાવવામાં આવ્યા હતા. તમામ ટેન્ટની બહાર 40-50 લોકોની લાઇન હતી. મતદાનમાં સમય લાગતો હોવાથી ભાજપના ઉમેદવારના સમર્થકો મતદાન મથકમાં આવ્યા હતા અને નિરીક્ષકને મતદાન ઝડપથી કરાવવા કહી રહ્યા હતા. તો બીજી તરફ મતદાન મથકમાં મોબાઇલ લઈ જવા પર પ્રતિબંધ હોવાથી મતદાન મથકની બહાર જ ચેકિંગ કરી મોબાઈલ ન લઈ જવા દેતા અનેક મતદારો મત આપ્યા વિના પરત ફર્યા હતા. જો કે, નિરીક્ષકે 5 વાગ્યા સુધી આવનાર તમામને મતદાન કરવવા કહ્યું હતું.

પેરામિલેટરી ફોર્સના જવાનો લોકોની મદદે
આજે વહેલી સવારથી મતદાન મથકોમાં મોટી લાઈનો જોવા મળી હતી. બીજા ચરણના મતદાનમાં મતદારોનું ઉત્સાહ સવારથી જોવા મળી રહ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે પણ મતદાન વહેલી સવારે પૂર્ણ કર્યું હતું. ત્યારે અલગ અલગ વિસ્તારમાં સિનિયર સિટીઝન અને બીમાર લોકોએ પણ મતદાનમાં પોતાનો હક મેળવવા માટે મતદાન મથક સુધી પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમની મદદે પોલીસ અને પેરામિલેટરી ફોર્સ આવી હતી. જેમણે તેમને ઇવીએમ મશીન સુધી પહોંચાડવાની કામગીરી કરી હતી. આવા અનેક દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે. જ્યાં લોકો મારે ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે

એલિસબ્રિજના ભાજપના ઉમેદવાર અમિત શાહે પરિવાર સાથે મતદાન કર્યું.
એલિસબ્રિજના ભાજપના ઉમેદવાર અમિત શાહે પરિવાર સાથે મતદાન કર્યું.

ભૂપેન્દ્ર પટેલે મતદાન કરી ચાની ચૂસકી લગાવી
ગુજરાત વિધાન સભાની ચૂંટણીમાં મતદાનનો આજે બીજો તબક્કો હતો. આજે સવારના 8થી 5 વાગ્યા સુધી મતદાન થયું હતું. પરંતુ અમદાવાદ શહેરમાં સવારમાં જ મતદારો મતદાન મથકોએ પહોંચી ગયા હતા અને મત આપવા માટે લાંબી લાઈન લગાવી હતી. અમદાવાદ શહેર જિલ્લામાં 21 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. શીલજ બુથ પર CM ભૂપેન્દ્ર પટેલ ઢોલ-નગારા સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. સાથે સમર્થકો માથે કેસરિયા સાફા ધારણ કરી પહોંચ્યા હતા. ભૂપેન્દ્ર પટેલે મત આપીને ચાની કિટલી પર ચાની ચૂસકી લગાવી હતી. ખોખરામાં EVM ખોટવાતાં મતદાન રોકવામાં આવ્યું હતું. 40 મિનિટ સુધી મતદાન થઈ શક્યું નહોતું. જમાલપુર-ખાડિયામાં પી.આર. ટ્રેનિંગ કોલેજમાં EVM ખોટકાતા મતદારો પરેશાન બન્યા હતા.

મતદાન કર્યા પછી ભૂપેન્દ્ર પટેલે ચાની કિટલી પર ચાની ચૂસ્કી લગાવી.
મતદાન કર્યા પછી ભૂપેન્દ્ર પટેલે ચાની કિટલી પર ચાની ચૂસ્કી લગાવી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીવારમાં રાણીપની નિશાન સ્કૂલ ખાતે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા હતા. રાણીપ ખાતે વડાપ્રધાનને જોવા માટે મોટી સંખ્યામાં લોકો પણ પહોંચ્યા હતા. 92 વર્ષના અમૃતબા વ્હીલચેર પર આવી મતદાન કર્યું હતું.

101 વર્ષના સમુબેને લાકડીના સહારે મતદાન કર્યું.
101 વર્ષના સમુબેને લાકડીના સહારે મતદાન કર્યું.

લાકડીના સહારે 101 વર્ષના બાએ મતદાન કર્યું
વાડજમાં સુહાસ એપાર્ટમેન્ટમાં રહેતા 101 વર્ષના વૃદ્ધા સમુબેન પ્રજાપતિએ જ્યોતિસંઘમાં મતદાન કર્યું હતું. 101 વર્ષની ઉંમર હોય છતાં લાકડીના સહારે ચાલીને મતદાન કરવા સમુબેન પહોંચ્યા હતા. યુથ નોડલ ઓફિસર સ્વીપ યોગેશ પારેખ દ્વારા સમુબેનને ઘરેથી મતદાન કરવા બૂથ પર લઈ જવામાં આવ્યા હતા. યોગેશ પારેખે સમુબેનને મતદાન કરાવી તેમને ઘરે પહોંચાડ્યા હતા. સમુબેને જણાવ્યું હતું કે, હું 101 વર્ષની છું, મેં મતદાન કર્યું છે તો તમે પણ મતદાન કરો.

વૃદ્ધોને મદદ કરતી પોલીસ.
વૃદ્ધોને મદદ કરતી પોલીસ.

મતદાનમાં પોલીસની માનવતા
મહેકી ઠક્કરબાપાનગર વિધાનસભામાં પ્રકાશ હાઈસ્કૂલમાં મતદાન કરવા આવનાર મતદારોમાં વૃદ્ધ અને ચાલી ન શકે તેવા મતદારો માટે વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી હતી. પોલીસકર્મી દ્વારા વૃદ્ધ મતદારને વ્હીલચેર પર લઈ જઈ મતદાન કરાવવામાં આવેૉ્યાં હતા અને મતદાન મથકની બહાર સુધી મૂકવામાં આવી રહ્યા છે.

વડાપ્રધાનની સૌ નાગરિકોને મતદાન કરવા અપીલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં સૌ નાગરિકોને, ખાસ કરીને યુવા તેમજ મહિલા મતદારોને અચૂક મતદાન કરવા માટે અનુરોધ કરું છું.

વડાપ્રધાનને જોવા લોકોનો મેળાવડો જામ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીવારમાં રાણીપની નિશાન સ્કૂલ ખાતે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા હતા. રાણીપ ખાતે વડાપ્રધાનને જોવા માટે મોટી સંખ્યામાં લોકો પણ પહોંચ્યા હતા. સાબરમતી વિધાનસભાના ભાજપના ઉમેદવાર ડોક્ટર હર્ષદ પટેલ પણ રાણીપની નિશાન સ્કૂલ ખાતે પહોંચી ચૂક્યા હતા.

રાણીપની નિશાન સ્કૂલ ખાતે લોકો મોદીને જોવા ઉમટ્યા.
રાણીપની નિશાન સ્કૂલ ખાતે લોકો મોદીને જોવા ઉમટ્યા.

મોર્ડન જમાના સાથે મોર્ડન પરિવર્તનની ઇચ્છા
વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરનાર કુશ પટેલ નામના યુવકે જણાવ્યું હતું કે, મેં મોર્ડન જમાના સાથે મોડર્ન પરિવર્તન આવે તથા વિકાસ થાય તે માટે મતદાન કર્યું હતું. જે પણ નવી સરકાર બને તે યુવા મહિલા માટે કામ કરે તેવી અપેક્ષા હતી.

92 વર્ષના અમૃતબા વ્હીલચેર પર આવી મતદાન કર્યું.
92 વર્ષના અમૃતબા વ્હીલચેર પર આવી મતદાન કર્યું.

નરોડા બેઠક પર લોકોની લાંબી લાઈન
પૂર્વ વિસ્તારની નરોડા બેઠક પરના સૈજપુર વોર્ડમાં સવારથી જ મતદાન કરવા લોકોની લાંબી લાઇન લાગી છે.

શહેરી વિસ્તારની 16 અને ગ્રામ્ય વિસ્તારની 5 બેઠકો
અમદાવાદની કુલ 21 વિધાનસભાની ચૂંટણીને લઈને જિલ્લા કલેક્ટર ડો. ધવલ પટેલે માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદની કુલ 21 બેઠકો પૈકી શહેરી વિસ્તારની 16 અને ગ્રામ્ય વિસ્તારની 5 બેઠકો છે. 21 પૈકી 19 બેઠકો સામાન્ય છે અને 2 બેઠકો દાણીલીમડા અને અસારવા અનુસુચિત જાતિ માટે અનામત રાખવામાં આવી છે.

મતદારોમાં મતદાન કરવાનો ઉત્સાહ.
મતદારોમાં મતદાન કરવાનો ઉત્સાહ.

ઠક્કરબાપાનગરમાં 100 લોકોની લાંબી લાઈન
ઠક્કરબાપાનગર વિધાનસભામાં નરોડા-નારોલ હાઇવે પર પ્રકાશ સ્કૂલમાં મતદાન કરવા માટે 100 લોકોની લાંબી લાઇન લાગી . મતદાન મથકની બહાર પણ લોકોની લાંબી કતાર જોવા મળી .

રાણીપની નિશાન સ્કૂલમાં વડાપ્રધાન મોદી વોટ આપ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 8:30 વાગ્યે અમદાવાદની સાબરમતી વિધાનસભામાં રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલ ખાતે મતદાન કરશે.અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા પહોચ્યા હતા. રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલ ખાતે સવારે 8:30 વાગ્યાની આસપાસ તેઓ મતદાન કરવા પહોંચ્યા હતા. જેને લઇ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વડાપ્રધાનની સુરક્ષાને લઈ અને એસપીજી દ્વારા પણ સમગ્રનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનની સાથે સાબરમતી વિધાનસભાના ભાજપના ઉમેદવાર ડો. હર્ષદ પટેલ પણ હાજર રહ્યા હતા. ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. વડાપ્રધાનના મતદાનને લઈ અને નિશાન સ્કૂલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સમગ્ર મતદાનને લઈ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હતી. ગઈકાલે સવારે વડાપ્રધાનના પ્રોટોકોલ મુજબ એસપીજી અને અમદાવાદ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. નિશાંત સ્કૂલમાં મતદાનની તમામ સામગ્રીઓ પહોંચાડવામાં આવી હતી.

ગ્રાફિક્સના માધ્યમથી જાણીએ અમદાવાદ જિલ્લાનો રાજકીય જંગ

દરિયાપુરમાં ભાજપ અને કોંગ્રેસની કાંટેકી ટક્કર
અમદાવાદની દરિયાપુર બેઠક પર ભાજપનો દબદબો રહ્યો છે. 1990થી 2007 સુધી અહીં ભાજપનું સતત કમળ ખીલ્યું છે. સતત પાંચ ટર્મ સુધી ભાજપના ભરત બારોટ અહીંથી જીતતા રહ્યા છે. જોકે સીમાંકન બાદ અહીંનાં સમીકરણો બદલાયાં અને વર્ષ 2012માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપની હાર થઈ અને કોંગ્રેસ ફરીથી આ બેઠક અંકે કરી. જેનો કોંગ્રેસે હજુ સુધી કબજો જાળવી રાખ્યો છે.

વિરમગામ બેઠક હાર્દિક પટેલ અને લાખાભાઇ ભરવાડ વચ્ચે સીધી ટક્કર
વિધાનસભા ચૂંટણીમાં અમદાવાદ જિલ્લાની વિરમગામ બેઠક પર ભાજપે ઉમેદવાર તરીકે હાર્દિક પટેલ અને કોંગ્રેસે ઉમેદવારને રિપીટ કરતા લાખા ભરવાડને મેદાનમાં ઉતાર્યા છે. જોકે, આ વખતે ભાજપ-કોંગ્રેસના જંગ વચ્ચે આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. ત્યારે વિરમગામ બેઠક પરથી આમ આદમી પાર્ટીએ અમરસિંહ ઠાકોરને ઉમેદવાર બનાવ્યા છે. જોકે, વિરમગામ વિધાનસભા બેઠકમાં વિરમગામ, માંડલ અને રામપુરા-દેત્રોજ તાલુકાનો સમાવેશ થયા છે. અહીં ઠાકોર વોટ બેંક મોટી સંખ્યામાં છે.

આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારમાં પાટિદાર વોટ બેંક વધુ છે. આ બેઠકનો ઇતિહાસ રહ્યો છે. જે પણ ઉમેદવાર જીત્યો છે તે માત્ર પાંચથી 10 હજારના મતનું માર્જીન રહે છે. હાલ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે સીધી ટક્કર દેખાઈ રહી છે. ત્યારે વિરમગામમાં પાટીદાર આંદોલન સમિતિ દ્વારા હાર્દિકનો વિરોધ કરવામાં આવી રહ્યો છે એવામાં પાટીદાર મતના અભાવે હાર્દિક પટેલ માટે આ ચૂંટણીમાં જીતવું મુશ્કેલ દેખાઈ રહ્યું છે. તો બીજી તરફ વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના લાખાભાઈ ભરવાડ ભાજપના ઉમેદવાર ડો. તેજશ્રીબેન પટેલ સામે 6548 મતની સરસાઈથી જીત્યા હતાં.

ભાજપે અમિત ઠાકરને તો કોંગ્રેસે રાજેન્દ્ર પટેલને મેદાને ઉતાર્યા
અમદાવાદ શહેરની વેજલપુર બેઠક આમ તો ભાજપ ગઢ ગણાય છે. મુસ્લિમ અને ઓબીસી મતદારોનો પ્રભૂત્વ ગણાતી આ બેઠક સેમી અર્બન તરીકે ગણાય છે. ઉલ્લેખનીય છે કે નવા સિમાંકન બાદ સરખેજ બેઠકથી અલગ થઈ છે. વર્શ 2012 અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના કિશોર ચૌહાણની જીત થઈ હતી. ત્યારે આ વખતે ભાજપે અમિત ઠાકરને તો કોંગ્રેસે રાજેન્દ્ર પટેલને મેદાને ઉતાર્યા છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ કલ્પેશ પટેલ ચૂંટણી લડવા મેદાનમાં ઉતાર્યા છે. તો હવે જોવાનું રહ્યું કે આ વખતે પણ વેજલપુર બેઠક ભાજપને જાય છે કે પછી કોંગ્રેસને મળે છે ક્યાંતો પછી આપ બાજી મારી જાય છે.

વેજલપુર બેઠક પર બે ભાઈઓની જંગ
વેજલપુર બેઠક પરથી એક જ પરિવારના 2 ઉમેદવારો ચૂંટણી લડવાના છે. બંને ઉમેદવારો એક જ બેઠક પર અલગ-અલગ પક્ષમાંથી ચૂંટણી લડશે. વેજલપુર વિધાનસભા પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે રાજેન્દ્ર પટેલ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે કલ્પેશ પટેલ ચૂંટણી લડવાના છે. બંને ઉમેદવાર એક બીજાના સગા મામા ફોઈના દીકરા છે. બંને ભાઈઓ પારિવારિક સંબંધ ખૂબ જ સારા છે. બંને ઉમેદવારોથી વેજલપુરના સ્થાનિકો પરિચિત છે. રાજેન્દ્ર પટેલને રાજુભાઇ તો કલ્પેશ પટેલને ભોલાભાઈ તરીકે લોકો ઓળખે છે. બંને ભાઈ આમ તો ભાજપની જીતેલી બેઠક પરથી જ ચૂંટણી લડવાના છે, જેમાં હવે કોને ફાયદો થશે તે પરિણામના દિવસે ખબર પડશે.

અમદાવાદમાં 11 સીટ પર ભાજપ લીડ માટે, પાંચ પર નાક સાચવવા લડે છે
અમદાવાદ શહેરની મોટા ભાગની સોસાયટીઓમાં નેતાઓને સભા માટે નો એન્ટ્રી મળી રહી છે ત્યારે નેતાઓ માત્ર સોસાયટીઓની બહારથી રાઉન્ડ લઈ જતા જોવા મળી રહ્યા છે, પણ અમદાવાદ શહેરની 16 બેઠકોની વાત કરીએ તો ભાજપ માત્ર પાંચ બેઠકો પર જ ચૂંટણી લડી રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. આ પાંચ બેઠકોમાં દરિયાપુર, જમાલપુર-ખાડિયા, દાણીલીમડા, બાપુનગર અને અમરાઈવાડી છે. 2017માં આમાંથી ચાર બેઠક કોંગ્રેસે જીતી હતી જ્યારે અમરાઈવાડી બેઠક ઓછા માર્જિનથી ભાજપે જીતી હતી. દરિયાપુર અને જમાલપુર-ખાડિયા અને દાણીલીમડા એ મુસ્લિમ બહુમતી ધરાવતી બેઠકો છે. બાપુનગરમાં હિન્દી ભાષી મતદારો વધુ છે. બાકીની જે 11 બેઠક છે, તેમાં છેલ્લાં વર્ષોથી ભાજપ જ જીતે છે, પણ અહીં ઉમેદવારો જીતવા માટે નહીં પણ જંગી લીડ માટે લડી રહ્યા છે.

ઉમેદવાર પોતાની જીત જંગી લીડથી થાય તેવા મરણિયા પ્રયાસ
ભાજપના જ ઉમેદવારો વચ્ચે કોણ વધુ મતથી જીતે તેની માટે આકરી સ્પર્ધા ચાલી રહી છે. દરેક ઉમેદવાર એ પ્રયાસ કરી રહ્યા છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમના વિસ્તારમાં આવીને સભા કરે અથવા રેલી યોજે. તેનું એકમાત્ર કારણ એ છે કે, દરેક ઉમેદવાર પોતાની જીત જંગી લીડથી થાય તેવા મરણિયા પ્રયાસ કરી રહ્યા છે. અલબત્ત, મોટા ભાગની બેઠકો પર ઉમેદવાર બદલાઈ ગયા હોવાના કારણે ભૂતપૂર્વ ધારાસભ્યો કરતાં વધુ મત મળે તે માટે પણ તેઓ મહેનત કરી રહ્યા છે.

ભાજપની કિચન ટુ કેબિનેટ ફોર્મ્યુલા
આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં પહેલીવાર ભાજપે 3 મહિલા ઉમેદવારોને ટિકિટ આપી છે. જેમા એક ઠક્કરબાપાનગરથી કચન રાદડિયા, નરોડાથી ડો. પાયલ કુકરાણી અને અસારવાથી દર્શના વાઘેલાનો સમાવેશ થાય છે. આમાંથી કંચન રાદડિયા અને ડો.પાયલ કુકરાણીને બહોળો રાજકીય અનુભવ નથી. રસપ્રદ બાબત એ છે કે, 1990થી અત્યાર સુધી ભાજપે 6 મહિલાને જ્યારે કોંગ્રેસે 7 મહિલાને અલગ-અલગ બેઠક પરથી ટિકિટ આપી છે. જેમાં ભાજપ દરવખતે જીત્યું છે. જ્યારે કોંગ્રેસની દર વખતે હાર થઈ ગઈ છે. આ વખતની ચૂંટણીમાં પણ ભાજપ, કોંગ્રેસ, આપ, મીમ અને અપક્ષ મળી 28 મહિલા ઉમેદવારો મેદાનમાં છે. આ આંકડો પણ પહેલીવાર ચૂંટણીમાં જોવા મળ્યો છે. શહેરની 16માંથી નરોડા બેઠક એવી છે જેમાં 1998થી ભાજપ મહિલા ડોક્ટરને જ ટિકિટ આપે છે. એકમાત્ર 2017માં ટિકિટ ફાળવણી ન હતી. કોંગ્રેસે 1990માં નરોડા બેઠક પર ડો. ગીતાબેન દક્ષિણીને ટિકિટ આપી હતી પણ તે હારી ગયાં હતાં.

કોંગ્રેસે આ વખતે માત્ર 2 મહિલા ઉમેદવારને જ ટિકિટ આપી
આ વર્ષે શહેરની 16 બેઠકો પર ભાજપે સૌથી વધુ 3 મહિલા ઉમેદવારો જ્યારે કોંગ્રેસે 2 મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતારી છે. જ્યારે આપે એકેય મહિલાને ટિકિટ આપી નથી. ભાજપે નરોડો બેઠક પર પાયલ કુકરાણી, ઠક્કરબાપાનગરમાં કંચન રાદડિયા, અસારવામાં દર્શનાબેન વાઘેલાને ટિકિટ આપી છે. કોંગ્રેસે ઘાટલોડિયા, નારણપુરામાં મહિલા ઉમેદવાર ઉતાર્યા છે. 23 મહિલા અપક્ષ તરીકે ચૂંટણી લડે છે.

અમદાવાદમાં માત્ર ભાજપની જ મહિલા ઉમેદવારો જીત મેળવી શકી
અમદાવાદની બેઠકો પર ભાજપને જ્યારે પણ મહિલા ઉમેદવારને ઉતારી છે ત્યારે તેનો વિજય થયો જ છે. 1998થી છેલ્લી 5 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 6 મહિલાને ટિકિટ આપી હતી તે દરેક બેઠક પર તેમનો વિજય થયો હતો. અમદાવાદની બેઠકો પર માત્ર ભાજપ પક્ષના ઉમેદવારો ધારાસભ્ય બની શક્યા છે. ભાજપે પણ છેલ્લા 20 વર્ષમાં પ્રથમ વખત અમદાવાદની 16 બેઠકો પર 3 મહિલાઓને ટિકિટ આપી છે.

1.02 લાખ મહિલા મતદાર સામે સરેરાશ એક જ મહિલા ઉમેદવાર
16 બેઠક પર 188 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. જેમાં 28 મહિલા અને 160 પુરુષ છે. અમદાવાદમાં 59.99 લાખ મતદારો નોંધાયેલા છે. જેમાંથી મહિલા મતદારો 28.75 લાખ અને પુરુષ મતદારો 31.17 લાખ છે. એટલે કે 48 ટકા મહિલા મતદારો સામે માત્ર 28 મહિલાઓ મેદાનમાં છે. મહિલાના પ્રતિનિધિત્વની વાત કરીએ તો 1.02 લાખ મહિલાએ એક મહિલા ઉમેદવાર અને 19 હજાર પુરુષ મતદારો સામે એક પુરુષ ઉમેદવાર છે.

5 ચૂંટણીના વિજેતા મહિલા ઉમેદવાર
2017માં એક પણ મહિલા ચૂંટણી જીતી શકી નહોતી
2012માં આનંદીબેન પટેલ - ઘાટલોડિયા, નિર્મલાબેન વાઘવાણી- નરોડા
2007માં ગીતાબેન પટેલ- સાબરમતી, ડૉ. માયાબેન કોડનાની- નરોડા
2002માં ડો. માયાબેન કોડનાની- નરોડા
1998માં ડો. માયાબેન કોડનાની- નરોડા
નરોડા બેઠક પરથી ભાજપના ડો. માયાબેન કોડનાની 3 વખત જીત્યા હતા.

પ્રચારમાં ભાજપે 1.29 કરોડ, કોંગ્રેસે માંડ 64 લાખ ખર્ચ્યા
અમદાવાદની 16 બેઠક પરના ભાજપ-કોંગ્રેસ સહિતના ઉમેદવારોએ 28 નવેમ્બર સુધીના ખર્ચના હિસાબો ચૂંટણી પંચ સમક્ષ રજૂ કર્યા છે. જે મુજબ ભાજપના ઉમેદવારોએ કુલ 1.29 કરોડનો ખર્ચ કર્યો જ્યારે તેની સામે કોંગ્રેસના ઉમેદવારોએ 64.39 લાખ ખર્ચ કર્યો હોવાનું રજૂ કર્યું છે. ભાજપના ઉમેદવારોએ રેલી-સભા-કાર્યાલય પર સૌથી વધુ 1.03 કરોડનો ખર્ચ કર્યો, જ્યારે કોંગ્રેસના ઉમેદવારોએ માત્ર 44 લાખ રૂપિયા ખર્ચ કર્યો છે. ચા-નાસ્તા અને પાણીના ખર્ચમાં બંને પાર્ટી તરફથી અંદાજીત 10 લાખ સુધીનો ખર્ચ દેખાડ્યો છે. ભાજપના ઉમેદવારોએ કોંગ્રેસ કરતા વાહનમાં પણ બમણો ખર્ચ એટલે કે 16 લાખનો ખર્ચ કર્યો હોવાનું રજૂ કર્યું છે.

આ ઉપરાંત ભાજપ તરફથી સૌથી વધુ ખર્ચ અમરાઈવાડીના ઉમેદવાર ડો. હસમુખ પટેલે 20.24 લાખ રૂપિયા જ્યારે કોંગ્રેસ તરફથી વટવાના બળવંતસિંહ જાદવે 6.76 લાખ રૂપિયા ખર્ચ કર્યો છે. જ્યારે સૌથી ઓછો ખર્ચ કરવામાં ભાજપના ઉમેદવાર નારણપુરા બેઠકના જિતેન્દ્ર પટેલે માત્ર 1.67 લાખ રૂપિયા અને કોંગ્રેસમાંથી એલિસબ્રિજ બેઠકના ઉમેદવાર ભીખુ દવેએ માત્ર 50,650 રૂપિયા ખર્ચ કર્યો હોવાનું રજૂ કર્યું છે. આ તમામ માહિતી ચીફ ઈલેક્શન ઓફિસરની વેબસાઈટના બે ઈન્સ્પેક્શનના આધારે છે.

બાપુનગરમાં ‌BJPના ઉમેદવારે ચા-નાસ્તામાં 2.13 લાખ ખર્ચ્યા
ઉમેદવારોએ રજૂ કરેલા ખર્ચમાં ચા-પાણી-નાસ્તામાં સૌથી વધુ ખર્ચ બાપુનગરના ભાજપ ઉમેદવાર દિનેશ કુશવાહે 2.13 લાખ ખર્ચ રજૂ કર્યો છે, જ્યારે વાહન પાછળ ઠક્કરબાપાનગર બેઠકના ઉમેદવાર કંચનબેન રાદડિયાએ સૌથી વધુ 3.72 લાખ ખર્ચ કર્યો છે. કોંગ્રેસ તરફથી ઠક્કરબાપા નગર બેઠકના ઉમેદવાર વિજય બ્રહ્મભટ્ટે ચા-પાણીમાં 1.89 લાખ, વાહન પાછળ 1.75 લાખ ખર્ચ કર્યો હોવાની ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરી છે.

ભાજપના 4 સામે 4 કેસ, કોંગ્રેસના 8 સામે 14, આપના 7 સામે 8 કેસ
વિધાનસભાની ચૂંટણી માટે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (એડીઆર) દ્વારા બીજા તબક્કાની ચૂંટણીના ઉમેદવારોના ગુનાઈત ઈતિહાસ અને મિલકત સંબંધી અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ બીજા તબક્કાની 93 બેઠકો પર ચૂંટણી લડી રહેલા 833 ઉમેદવારમાંથી 163 એટલે કે 20 ટકા ઉમેદવારો ગુના ધરાવે છે. 2017માં આ ટકાવારી 12 ટકા હતી. આ સાથે રેડ એલર્ટ મતક્ષેત્રો એટલે કે એક બેઠક પર ત્રણથી વધુ ઉમેદવારો ગુનાઇત ઈતિહાસ ધરાવતા હોય તેવી અમદાવાદની 16માંથી 7 બેઠક રેડ એલર્ટ મતક્ષેત્રો હોવાનું રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.

બીજા તબક્કાના કુલ 833માંથી 163 સામે કેસ છે

બેઠકભાજપકોંગ્રેસઆપ
વેજલપુરઅમિત ઠાકરરાજેન્દ્ર પટેલ
એલિસબ્રિજઅમિત શાહપારસ શાહ
જમાલપુર-ખાડિયાભૂષણ ભટ્ટઈમરાન ખેડાવાલાહારૂન નાગોરી
દાણીલીમડાનરેશ વ્યાસશૈલેષ પરમાર
બાપુનગરહિંમતસિંહ પટેલ
મણિનગરસી.એમ. રાજપૂત
અસારવાવિપુલ પરમારજે. જે. મેવાડા
ઘાટલોડિયાવિજય પટેલ
વટવાબિપીન પટેલ
ઠક્કરબાપાનગરસંજય મોરી
દરિયાપુરગ્યાસુદ્દીન શેખતાજ કુરેશી
અન્ય સમાચારો પણ છે...