• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • 2022 Gujarat Legislative Assembly Election: PM Narendra Modi's 32 Km Road Show Naroda To Chandkheda In Ahmedabad, Cover 14 Assembly Seats

રોડ શોમાં મોદી પર આ શું આવ્યું?:નરોડાથી ચાંદખેડા સુધી PMનો મેરાથોન રોડ શો પૂર્ણ, 3.45 કલાક સુધી મોદીએ હાથ હલાવી અભિવાદન ઝીલ્યું

અમદાવાદ2 મહિનો પહેલા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં 54 કિલોમીટરનો મેરેથોન રોડ શો ચાંદખેડા ખાતે પૂર્ણ થયો છે. સાંજે 5.15 વાગ્યે નરોડા ગામથી શરૂ થયેલો આ મેગા રોડ શો રાતે 9 વાગ્યે ચાંદખેડા ચાર રસ્તા ખાતે પૂર્ણ થયો હતો. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની 13 વિધાનસભા અને ગાંધીનગરની એક વિધાનસભા મળી કુલ 14 વિધાનસભામાં ફરી પૂર્ણ થયો છે. આ રોડ-શોમાં છેકથી છેક સુધી રોડની બંને તરફ અમદાવાદીઓ ઉમટી પડ્યા હતા. મેગા રોડ શોમાં 3.45 કલાક સુધી વડાપ્રધાન મોદીએ હાથ હલાવીને લાખો લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

અમદાવાદીઓને ઘેલું લાગ્યું, રોડ-શો પાછળ લોકો દોડ્યા
જોકે, મોદીના રોડ-શોનું ઘેલું લાગ્યું હોય તેમ તેઓ રીતસર વડાપ્રધાનનો કાફલો પસાર થયા બાદ પાછળ દોડતા જોવા મળ્યા હતા. ત્યારે આજે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. બીજીતરફ અમદાવાદ શહેરની 13 વિધાનસભા અને ગાંધીનગર જિલ્લાની ગાંધીનગર દક્ષિણ વિધાનસભા એમ કુલ 14 વિધાનસભામાં રોડ શો કર્યો હતો. આ રોડ શો દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દરેક જગ્યાએ સ્વાગત કરવામાં આવશે, જેમાં અલગ-અલગ વિધાનસભાના ભાજપના ઉમેદવારો, હોદ્દેદારો, કાર્યકર્તાઓએ સ્વાગત કર્યું હતું.

વડાપ્રધાન મોદી પર પુષ્પોની વર્ષા વચ્ચે...

અમદાવાદમાં મેરેથોન રોડ-શો દરમિયાન વડાપ્રધાન મોદીનો કાફલો ધરણીધર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે એક ઘટના બની હતી. વડાપ્રધાન પર પુષ્પો અને ગુલાબની પાંખડીઓની લોકો વર્ષા કરી રહ્યા હતા. ત્યારે અચાનક કોઈ કાપડ જેવી વસ્તુ વડાપ્રધાન તરફ આવી હતી. આ તસવીરોમાં ક્રમબદ્ધ રીતે જોઈ શકાય છે કે આ વસ્તુ વડાપ્રધાનના હાથને અડીને તેમના વાહનમાં જ આગળની બાજુએ પડી હતી.

મોદીનો કાફલો IOC રોડ ચાંદખેડા પહોંચ્યો
વડાપ્રધાન મોદીનો કાફલો સાબરમતી પહોંચ્યો હતો. સાબરમતી પાવર હાઉસ થઈને પીએમ મોદીનો કાફલો સાબરમતી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ત્યાંથી આગળ વધી વડાપ્રધાનનો કાફલો સાબરમતીથી ચાંદખેડા તરફ આગળ વધ્યો હતો. PMનો કાફલો વિસત ખાતે પહોંચ્યો હતો. વિસત સર્કલથી આગળ વધી મોદીનો કાફલો IOC રોડ ચાંદખેડા પહોંચ્યો હતો.

સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો વ્યાસવાડી થઈને સુભાષબ્રિજ આરટીઓ સર્કલ ખાતે પહોંચ્યો હતો. જ્યાં વડાપ્રધાને આરટીઓ સર્કલ પાસે સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પાંજલિ આપી હતી. ત્યાંથી કાફલો સાબરમતી જવા રવાના થયો છે. જોકે, પીએમ મોદીના આગમન પહેલા સાબરમતી વિસ્તારમાં ભાજપના ખેસ, માસ્ક, ભાજપના પ્લે કાર્ડ લેવા માટે લોકોએ પડાપડી કરી હતી.

PM કાફલો મુખ્યમંત્રીની ઘાટલોડિયા વિધાનસભામાં પહોંચ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઘાટલોડિયા વિધાનસભામાં પહોંચ્યો હતો. પલ્લવ ચાર રસ્તાથી તેઓ પ્રભાત ચોકથી કાફલો પાટીદાર ચોક પહોંચ્યા હતો. ત્યાંથી આગળ વધી કાફલો અખબારનગર બ્રિજ પહોંચ્યો હતો. કાફલો વ્યાસવાડી થઈને સાબરમતી પહોંચશે.

મોદીની એક ઝલક મેળવવા લોકોની પડાપડી
એલિઝ બ્રિજ પાસે ભાજપના ઉમેદવાર અમિત શાહ સહિત જનતાએ સ્વાગત કર્યું હતું. વડાપ્રધાનનો કાફલો શ્યામલ બ્રિજ પર પહોંચ્યો હતો. નરેન્દ્ર મોદીનો કાફલો ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. શિવરંજની બ્રિજની નીચે જ્યારે મોદી પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં લોકો મોદીની એક ઝલક મેળવવા માટે પડાપડી કરી હતી અને મોદીની ગાડીની આગળ આવી પહોંચ્યા હતા. એસપીડીની ટીમ દ્વારા લોકોને ગાડીથી દૂર ખસેડવા પડ્યા હતા. અંધજન મંડળ પહોંચ્યો હતો. ત્યાંથી પીએમનો કાફલો આગળ વધી હેલમેટ સર્કલ પહોંચ્યો હતો. જ્યાંથી આગળ વધતા 132 ફૂટ રોડ પર એઇસી ચાર રસ્તા કાફલો પહોંચ્યો હતો. એઇસી ચાર રસ્તા થઈ પલ્લવ ચાર રસ્તાથી ઘાટલોડિયા પ્રભાતચોક મોદીનો કાફલો પહોંચ્યો હતો.

મોદીને જોવા જનસેલાબ ઉમટી પડ્યો
નરેન્દ્ર મોદીના રોડ શોએ સાબરમતી નદી ક્રોસ કરી પશ્ચિમ વિસ્તારમાં પ્રવેશ કર્યો છે. ત્યારે ભુલાભાઈ ચાર રસ્તા થઈને પીએમનો કાફલો આંબેડકર બ્રિજથી ચંદ્રનગર પહોંચ્યા હતા. ત્યાંથી આગળ વધતા રોડ શોમાં એટલી ભીડ ઉમટી હતી કે, લોકો મોદીને જોવા માટે રોડ પર આવી ગયા હતા. લોકોનો જનસેલાબ ઉમટી પડ્યો હતો. લોકો મોદીની ગાડીની આગળ આવી ગયા હતા. એસપીજીને લોકોને દૂર કરવાની ફરજ પડી હતી. મોદીએ પણ લોકોને રસ્તો આપવા વિનંતી કરી હતી.

પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને પુષ્પાંજલિ આપી
બાપુનગરમાં ધારાસભ્ય વલ્લભભાઈ કાકડીયા અને મેયર કિરીટ પરમારે વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. બાપુનગરથી કાફલો વિરાટનગર પહોંચ્યો હતો. ત્યારબાદ વડાપ્રધાનનો કાફલો હાટકેશ્વર સર્કલ થઈ મણિનગર તરફ આગળ વધ્યો હતો. જે બાદ મોદીનો કાફલો અનુપમ બ્રિજ પહોંચ્યો હતો. જ્યાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને પુષ્પાંજલિ આપી હતી. ત્યાંથી કાફલો ઝડપથી આગળ વધી રહ્યો છે. કાંકરિયા થઈ ભુલાભાઈ ચાર રસ્તા પહોંચ્યો હતો.

વડાપ્રધાને ઈશારા કરી લોકોને દૂર રહેવા કહ્યું
મોદીનો રોડ શો બાપુનગરથી ખોડિયારનગર તરફ જવા રવાના થયો હતો. આ દરમિયાન મોદીના રોડ શો જોવા લોકોની એટલી ભીડ કે લોકો રોડ પર આવી ગયા. મોદીએ ઈશારા કરી લોકોને દૂર રહેવા કેહવું પડ્યું. મોદીના રોડ શોમાં એસપીજીને લોકોને ગાડીથી દૂર કરવા દોડવું પડ્યું. રોડ શો વિરાટનગર તરફ પહોંચ્યો હતો.

સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપી
વડાપ્રધાનને જોવા માટે મોદીના ફોટો સાથે પ્લે કાર્ડ લઇને લોકો પહોંચ્યા છે. ત્યારે મોદીનો રોડ શો કૃષ્ણનગર ચાર રસ્તાથી હીરાવાડી તરફ પહોંચ્યો છે. ત્યારે હીરાવાડીથી બાપુનગર તરફ સ્પીડમાં રોડ શો આગળ વધી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્યામશિખર ચાર રસ્તા પહોંચ્યા હતા. જ્યાં તેમણે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપી હતી. પીએમ મોદીના આગમન પહેલા મુખ્ય રસ્તાને જોડતા રસ્તા બંધ કરતા ટ્રાફિક જામ થયો. વાહન ચાલકો અટવાયા. ચંદ્રનગર બાજુ ટ્રાફિક જામ થયો હતો.

રોડ શોમાં લોકોના ટોળા પાછળ દોડ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં રોડ શો કરી રહ્યા છે. ત્યારે રોડ શો દરમિયાન વડાપ્રધાનની જીપ પાછળ લોકોના ટોળા દોડતા જોવા મળ્યા હતા. વડાપ્રધાનનો કાફલો નરોડા પાટીયા ક્રોસ કરીને આગળ વધ્યો હતો. તો બીજી તરફ રોડ શોને લઇ આરટીઓ સર્કલ પાસે તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી. સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને મોદી ફુલહાર કરશે. આરટીઓ સર્કલ પાસે લોકો મોદીના શો જોવા પહોંચ્યા હતા.

મોદીને જોવા લોકોના ટોળા ઉમટ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નરોડાથી શરૂ કરી ચાંદખેડા સુધી રોડ શો કરી રહ્યા છે. ત્યારે પીએમ નરેન્દ્ર મોદી નરોડા ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં તેમણે ઓપન જીપમાં સવાર થઈ રોડ શો શરૂ કર્યો હતો. નરોડાથી હાઇવે પર ઠેર નરેન્દ્ર મોદીને જોવા માટે મોટી સંખ્યામાં લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા. નરોડા ગામમાં પીએમ મોદીનો રોડ શો જોવા રસ્તા પર દુકાન, ઓફીસ, કોમ્પલેક્ષ બહાર મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા હતા.

ધરણીધર દેરાસર નજીક લોકો રોડ પર ઉમટી પડ્યા
વડાપ્રધાન મોદીની એક ઝલક જોવા માટે ધરણીધર દેરાસર નજીક લોકો રોડ પર ઉમટી પડ્યા છે. મોદીનો રોડ શો હોવાથી બીઆરટીએસ રૂટ અંજલિથી નહેરુનગર બંધ કરવામાં આવ્યો છે. મોદીનું ભવ્ય સ્વાગત માટે લોકો હાથમાં કમળનું નિશાન અને માથે ભાજપની ટોપી પહેરીને મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. સ્ટેજ બનાવમાં આવ્યો છે. આરપીએફના જવાનો રૂટ પર તહેનાત કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં નરેન્દ્ર મોદીનો આ સૌથી લાંબો રોડ શો
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ત્યારે બીજા તબક્કાની બેઠકો માટે મોદી દ્વારા પ્રચાર અને પ્રસાર કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાને આજે કાલોલ અને હિંમતનગરમાં જાહેર સભા યોજી હતી. ત્યારબાદ અમદાવાદમાં સાંજે રોડ શો યોજ્યો હતો. મોદી આ રોડ-શોમાં અમદાવાદની રથયાત્રા જેટલો લાંબો રૂટ કવર કરવામાં આવ્યો છે. રથયાત્રાનો કુલ 34 કિમીનો રૂટ છે અને અત્યારસુધીનો ગુજરાતમાં નરેન્દ્ર મોદીનો આ સૌથી લાંબો રોડ શો છે. આ પહેલાં તેમણે સુરતમાં 30 કિમીનો રોડ શો યોજાયો હતો.

નરેન્દ્ર મોદીના રોડ શોનો રૂટ
નરોડા ગામ બેઠક - નરોડા પાટિયા સર્કલ - કૃષ્ણનગર ચાર રસ્તા હીરાવાડી - સુહાના રેસ્ટોરન્ટ - શ્યામ શિખર ચાર રસ્તા - બાપુનગર ચાર રસ્તા - ખોડિયારનગર - BRTS રૂટ વિરાટનગર - સોનીની ચાલી - રાજેન્દ્ર ચાર રસ્તા - રબારી કોલોની - CTMથી જમણી બાજુ - હાટકેશ્વર ચાર રસ્તા - ખોખરા સર્કલ - અનુપમ બ્રિજ - પંડિત દિન દયાલ ઉપાધ્યાય પ્રતિમા - ફૂટબોલ ગ્રાઉન્ડ - ભૂલાભાઈ ચાર રસ્તા - ડાબી બાજુ - શાહ આલમ ટોલનાકા - દાણીલીમડા ચાર રસ્તા - મંગલ વિકાસ ચાર રસ્તા - ખોડિયારનગર બહેરામપુરા - ચંદ્રનગર - ધરણીધર ચાર રસ્તા - જીવરાજપાર્ક ચાર રસ્તા - શ્યામલ ચાર રસ્તા - શિવરંજની ચાર રસ્તા - હેલ્મેટ ચાર રસ્તા AEC ચાર રસ્તા - પલ્લવ ચાર રસ્તા - પ્રભાત ચોક - પાટીદાર ચોક અખબારનગર ચાર રસ્તા - વ્યાસવાડી - ડી માર્ટ - આર.ટી.ઓ સર્કલ સાબરમતી પાવર હાઉસ - સાબરમતી પોલીસ સ્ટેશન - વિસત ચાર રસ્તા - જનતાનગર ચાર રસ્તા - IOC ચાર રસ્તા ચાંદખેડા.

ભૂષણ ભટ્ટના પ્રચારમાં સાંસદ કિરીટ સોલંકીનું ખિસ્સું કપાયું
જમાલપુર-ખાડિયા બેઠકના ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટના પ્રચાર અર્થે બાઈક રેલી બહેરામપુરા ખાતે બપોરે એક વાગે પહોંચી હતી. આ દરમિયાન કિરીટ સોલંકી ભાજપના નેતાઓ સાથે ઉપસ્થિત રહ્યાં હતાં. આ રેલીમાં તેઓ ભૂષણ ભટ્ટ સાથે ટ્રકમાં સવાર હતાં. ત્યારે તેમણે પોતાના પેન્ટના ખિસ્સામાં હાથ નાંખ્યો ત્યારે ખબર પડી કે ખિસ્સામાં પર્સ નથી. કિરીટભાઈની ફરિયાદને આધારે તેમનું કહેવું છે કે સાડા અગિયાર વાગ્યે મેલડી માતાજીના મંદિર પાસે આવ્યા ત્યારે પર્સની ચોરી થઈ હોઈ શકે છે.

પર્સમાં મહત્વના ડોક્યુમેન્ટ સાથે રોકડ 14 હજાર
કિરીટ સોલંકીના પર્સમાં SBI, BOI, BOB, AXIS, YES BANKના ક્રેડિટ કાર્ડ હતાં. તે ઉપરાંત પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, પત્નીનું આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ સહિત રોકડા રૂપિયા 14 હજાર હતાં. પર્સ ચોરી થયા બાદ તેમણે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો સાણંદમાં રોડ શો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના સાણંદમાં રોડ શો કર્યો હતો. રોડ શો દરમિયાન અમિત શાહે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. અમિત શાહે કહ્યું- ગુજરાતમાં જ્યારે પણ કોંગ્રેસે વડાપ્રધાન સામે અપશબ્દોનો ઉપયોગ કર્યો છે. ત્યારે જનતાએ તેમને મતપેટીમાં જવાબ આપ્યો છે. આ વખતે પણ ગુજરાતની જનતા મોદીજીના અપમાનનો જવાબ આપશે. વડાપ્રધાન મોદીના સીએમ કાર્યકાળમાં ગુજરાતની ઘણી સમસ્યાઓ ઉકેલાઈ છે. પાણીની સમસ્યાનું સમાધાન થઇ ગયું છે અને ચેકડેમ બનાવવામાં આવ્યા. 24 કલાક વીજળી આપવામાં આવે છે.

મને ગાળો બોલવા માટે રામાયણમાંથી રાવણ લઈ આવ્યા: PM મોદી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચાલી રહેલા મતદાન વચ્ચે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કરવામાં આવેલી 100 માથાંવાળા રાવણની ટિપ્પણી પર નરેન્દ્ર મોદીએ કાલોલમાં ચૂંટણીસભામાં કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીને ખબર નથી આ રામભક્તોનું ગુજરાત છે. રામભક્તોની સામે તેમના પાસે બોલાવડાવવામાં આવ્યું કે તમે મોદીને 100 માથાંવાળો રાવણ કહો. કોંગ્રેસ રામના અસ્તિત્વને જ સ્વીકાર કરતી નથી. અયોધ્યાના રામ મંદિરમાં પણ વિશ્વાસ નથી, તેમનો તો રામસેતુ સામે પણ વાંધો. મને ગાળો બોલવા માટે રામાયણમાંથી રાવણ લઈ આવી બોલો. મને આશ્ચર્ય એ વાતનું છે કે આટલા અપશબ્દો બોલવા છતાં કોંગ્રેસે ક્યારેય પશ્ચાતાપ પણ વ્યક્ત કર્યો નથી. કોંગ્રેસ પાર્ટી દેશના વડાપ્રધાનને નીચા દેખાડવા એને પોતાનો અધિકાર સમજે છે. કોંગ્રેસનો ભરોસો લોકતંત્રમાં એક પરિવાર પર છે. પરિવારને ખુશ કરવા જે કંઈ કરવું પડે એ એક ફેશન થઈ ગઈ છે. કોંગ્રેસમાં તો મોદીને કોણ વધારે, મોટી અને તીખી ગાળો બોલે એની સ્પર્ધા ચાલે છે.

કોર્પોરેશનની ચૂંટણીમાં તમારું મોઢું જોયું; શું રાવણની જેમ 100 મોઢાં છે?: મલ્લિકાર્જુ ખડગે
ગુજરાત ચૂંટણી માટે ચાલી રહેલા પ્રચારમાં કોંગ્રેસનેતા મલ્લિકાર્જુન ખડગેએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિવેદન આપ્યું હતું. ગત સોમવારે અમદાવાદમાં એક જાહેરસભા દરમિયાન ખડગેએ કહ્યું હતું કે શું મોદી પાસે રાવણની જેમ 100 મોઢાં છે? મને સમજાતું નથી. તો રવિવારે સુરતમાં એક જાહેરસભા દરમિયાન ખડગેએ પોતાને અસ્પૃશ્ય અને વડાપ્રધાન મોદીને જુઠ્ઠાણાંના સરદાર જણાવ્યા હતા.

અમદાવાદમાં ખડગેનું રાવણનું નિવેદન
શહેરના બહેરામપુરામાં જાહેરસભા દરમિયાન ખડગેએ કહ્યું- વડાપ્રધાન કહે છે- બીજે ક્યાંય ન જુઓ. મોદીને જોઈને મત આપો. કેટલીવાર તમારું મોઢું જોઈએ? કોર્પોરેશનની ચૂંટણીમાં અમે તમારું મોઢું જોયું. MLAની ચૂંટણીમાં, MPની ચૂંટણીમાં મોઢું જોયું, દરેક જગ્યાએ શું તમારી પાસે રાવણની જેમ 100 મોઢાં છે, મને સમજાતું નથી.

ખડગે ચૂંટણીનું દબાણ સહન કરી શકતા નથી: અમિત માલવિયા
બીજેપી આઈટી સેલના વડા અમિત માલવિયાએ મંગળવારે કહ્યું હતું કે ખડગે ગુજરાત વિધાનસભા ચૂંટણીનું દબાણ સહન કરી શકતા નથી.

આ માત્ર PMનું જ નહીં, ગુજરાત અને સમગ્ર દેશનું અપમાન: સંબિત પાત્રા
આ મામલે સંબિત પાત્રાએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાવણ કહેવા એ ઘોર અપમાન છે. સૌપ્રથમ કોંગ્રેસના ચીફ હતા ત્યારે સોનિયા ગાંધીએ મોદીને મોતના સોદાગર કહ્યા હતા. છેવટે આ લોકોને શું મળે છે? કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પીએમને રાવણ કહ્યા છે. આવી ભાષાનો ઉપયોગ કોંગ્રેસ તેની માનસિકતાને દર્શાવે છે. આ માત્ર મોદીજીનું જ નહીં, પરંતુ ગુજરાત અને સમગ્ર દેશનું અપમાન છે. આ માત્ર ખડગેનું નિવેદન નથી, સોનિયા અને રાહુલનું પણ નિવેદન છે.

અમે અસ્પૃશ્ય છીએ, કમસે કમ તમારી ચા તો કોઈ પીવે છે: ખડગે
ખડગેએ સુરતની સભામાં જે પણ કહ્યું હતું એ અમે અહીં રજૂ કરી રહ્યા છીએ. ખડગેએ કહ્યું, "તમારા જેવા માણસ, જે હંમેશાં દાવો કરે છે કે હું ગરીબ છું. અરે ભાઈ, અમે પણ ગરીબ છીએ. અમે ગરીબોમાં સૌથી ગરીબ છીએ. અમે તો અસ્પૃશ્યોની વચ્ચે આવીએ છીએ. ઓછામાં ઓછી તમારી ચા તો કોઈ પીવે છે, મારી ચા પણ કોઈ પીતું નથી. અને પછી તમે કહો છો - હું ગરીબ છું. કોઈએ મને અપશબ્દો કહ્યા, મારી તો શું તાકાત છે.

મોદી પર ખડગેના કટાક્ષ
કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતા. ચૂંટણીપ્રચાર માટે ગુજરાતમાં પહોંચેલા ખડગેએ રવિવારે સુરતમાં એક રેલીમાં પોતાને અસ્પૃશ્ય અને વડાપ્રધાનને જુઠ્ઠાણાંના સરદાર કહ્યા હતા. ખડગેએ કહ્યું- વડાપ્રધાન પોતાને ગરીબ કહે છે, પરંતુ મારાથી ગરીબ કોણ હશે, હું તો અસ્પૃશ્ય છું.

હું રોજ 2-3 કિલો ગાળો ખાઉં છું: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે તેલંગાણામાં કહ્યું હતું કે તેમને દરરોજ 2-3 કિલો અપશબ્દોને મળે છે, પરંતુ તેમનું શરીર આ અપશબ્દોને પોષણમાં ફેરવી દે છે. તેમણે ભાજપના કાર્યકર્તાઓને સંબોધતાં આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે લોકો મને પૂછે છે કે મોદીજી તમે થાકી જતા નથી, તો હું તેમને કહું છું કે ભગવાને મારા શરીરમાં એક એવી મિકેનિઝમ બનાવી છે કે જે અપશબ્દોને પ્રોસેસ કરીને ન્યૂટ્રિશન બનાવી દે છે.

અન્ય સમાચારો પણ છે...