ચૂંટણી પ્રચાર પડઘમ શાંત:ભાજપ-આપના ઉમેદવાર આમને સામને, ઠક્કરબાપાનગરના ઉમેદવારને ઢોર માર મારવામાં આવ્યો

2 મહિનો પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનને ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે આજે રાત્રે અમદાવાદના ઠક્કરબાપાનગર વિસ્તારમાં ભાજપ અને આમ આદમીના કાર્યકરો વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. ઠક્કરબાપાનગર વિધાનસભાના હીરાવાડી વિસ્તારમાં શુભ સાગર પેલેસ નામની સોસાયટી પાસે આમ આદમી પાર્ટીના ઠક્કરબાપા નગર વિધાનસભાના ઉમેદવાર સંજય મોરી પર હુમલો થયો હોવાની જાણકારી મળી છે. ઘટનાને પગલે મોટો પોલીસ કાફલો પણ હાલમાં ઘટના સ્થળે પહોંચ્યો છે. ઠક્કરબાપાનગર વિસ્તારમાં બનેલી ઘટનાને પગલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા છે. સમગ્ર ઘટનાને પગલે બાપુનગર પોલીસ સ્ટેશનમાં પણ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ભાજપના કાર્યકર્તાઓ દ્વારા માર મારવામાં આવ્યો
આમ આદમી પાર્ટીના હોદ્દેદાર ભાવેશ કાકડીયાના જણાવ્યા મુજબ આજે રાત્રે ઠક્કરબાપાનગર વિધાનસભામાં આવતા હીરાવાડી વિસ્તારમાં સેતુબંધ સોસાયટીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંજયભાઈ મોરીને મીટીંગ માટે બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં બાદમાં ભાજપના કાર્યકરો દ્વારા સંજય મોરી પર હુમલો કરવામાં આવ્યો હતો. તેઓને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા માર મારવામાં આવ્યો હતો. હાલમાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા છે જો કે હાલમાં પોલીસ દ્વારા પોલીસ ફરિયાદ લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી નથી માત્ર સાદી અરજી લેવામાં આવી રહી છે.

ચૂંટણી પ્રચાર પડઘમ શાંત, સોમવારે બીજા તબક્કાનું મતદાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 93 બેઠકો માટે સોમવારે મતદાન થવાનું છે. ત્યારે આજે સાંજે 5 વાગ્યે બીજા તબક્કાના મતદાન માટેના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષો દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બંને તબક્કા માટે વડાપ્રધાનથી લઇ કેન્દ્રીય નેતાઓ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો હતો. હવે મતદાનને 48 કલાક જેટલો સમય બાકી રહેશે ત્યારે ઉમેદવારો પોતાના સંપર્કોથી ગ્રુપ મીટીંગ અને અલગ અલગ જગ્યાએ ખાનગીમાં મીટીંગ કરી પોતાના તરફ મતદાન થાય તેવા પ્રયાસો શરૂ કરશે.

ઉમેદવારોએ અનેક રેલીઓ સભા અને રોડ શો યોજાયા
બીજા તબક્કાના મતદાન માટે આજે સાંજે 5 વાગ્યે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે અને 93 બેઠકો ઉપર સોમવારે મતદાન યોજવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને ભાજપ તેમજ કોંગ્રેસના કેન્દ્રીય નેતાઓની ફોજ આ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે ઉતરી હતી. નેતાઓ અને ઉમેદવારોએ અનેક રેલીઓ સભા અને રોડ શો યોજાયા હતા અને આખરી તબક્કાના મતદાન માટે પ્રચાર કર્યો છે. આજે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પોતાના વિધાનસભા વિસ્તારમાં રેલી કરી અને લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે.

રાજકોટમાં ઈન્દ્રનીલ રાજ્યગુરુએ સ્ટ્રોંગરૂમની બહાર CCTV ગોઠવ્યા
રાજકોટ વિધાનસભા 68 કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજયગુરૂએ આધુનિક ટેકેનોલોજીનો ઉપયોગ કરી સ્ટ્રોંગ રૂમ બહાર મુખ્ય પ્રવેશ દ્વાર સામે CCTVથી સજ્જ કાર મૂકવામાં આવી છે, જેના મારફત મોબાઈલ પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થતા સાથે તમામ EVM ને સ્ટ્રોંગ રૂમ ખાતે સિલ કરી દેવામાં આવ્યા છે. રાજકોટના કણકોટ ગામે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે તમામ 8 બેઠકોના EVM સીલ કરી સ્ટ્રોંગરૂમમાં મૂકવામાં આવ્યા છે અને ત્યાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. જો કે આ સાથે કોંગ્રેસ દ્વારા કોલેજ બહાર CCTVથી સજ્જ કાર મૂકી સ્ટ્રોંગરૂમ પર નજર રાખવામાં આવી રહી છે.

AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષની અલ્લાહને આજીજી
અસદુદ્દીન ઓવૈસીએ શુક્રવારે ગુજરાતના જમાલપુરમાં રેલી યોજી હતી. આ દરમિયાન અસદુદ્દીન ઓવૈસી પોતાની પાર્ટીના ઉમેદવાર સાબીર કાબલીવાલાને વોટ માંગતી વખતે અચાનક રડી પડ્યા હતા. આ વીડિયો ટ્વિટર પર ટ્વિટ કરાયો હતો. જો કે તેને ઓફિશિયલ પેજ પર મૂકવામાં આવ્યો નથી. ઓવૈસીનો ગઈકાલે જ ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન કાળા વાવટા બતાવીને વિરોધ કરાયો હતો. આ વીડિયો પણ ગઈકાલનો છે.

અસદુદ્દીન ઓવૈસી ગુજરાતના જમાલપુરમાં રેલી કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન અસદુદ્દીન ઓવૈસી પોતાની પાર્ટીના ઉમેદવાર સાબીર કાબલીવાલાને વોટ માંગતી વખતે અચાનક રડી પડ્યા હતા. રડતાં રડતા અસદુદ્દીન ઓવૈસીએ પરવદિગારને યાદ કરીને કહ્યું હતું કે સાબીરને જીતાડવામાં આવે, જેથી અહીં ફરી કોઈ બિલકિસ સાથે અન્યાય ન થાય. રેલીમાં રડતાં રડતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે અલ્લાહ સાબીરને જીત આપે. ઓવૈસીએ ગુજરાતમાં ગરબામાં પથ્થરબાજોને જાહેરમાં લાકડીઓ વડે માર મારવાનો કિસ્સો પણ ઉમેર્યો હતો અને અલ્લાહને યાદ કરી કહ્યું કે સાબીરને વિજય આપો, જેથી આવી ઘટનાઓ ફરી ક્યારેય ન બને.

અમદાવાદમાં CMનો રોડ શો; કોંગ્રેસનો દાવો-અમારી સરકારમાં OBCને CM બનાવીશું
મુખ્યમંત્રીએ અમદાવાદમાં રોડ શો કર્યો હતો. ચેનપુરથી ઓગણજ સુધીનો રોડ કર્યો હતો. ગઈકાલે મોડી રાતે વડાપ્રધાન મોદીએ રોડ શો અને સભા કરી હતી. કોંગ્રેસ દ્વારા જ પહેલાં તબક્કામાં ઠોકબંધ 55 સીટ જીતવાનો દાવો ઠોકી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં, કઈ જગ્યાએ જીત મળી રહી છે તેનું પણ એનાલિસિસ કરી મીડિયાને આપવાનું પ્રવક્તા કહી રહ્યા છે. એટલું જ નહીં, સિનિયર નેતાએ તો કહી દીઘું છે કે સરકાર અમારી બને છે, જેમાં ઓબીસીને મુખ્યમંત્રી અને 3 ઉપમુખ્યમંત્રી બનાવશે તેવું કહીને બીજા તબક્કાની ચૂંટણી પહેલાં જ ગુગલી ફેંકી દીધી છે.

સીએમનું પોતાની બેઠક સહિતના વિસ્તારમાં રોડ શો
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં આજે પ્રચારનો અંતિમ દિવસ છે, ત્યારે અમદાવાદ શહેરની તમામ 16 વિધાનસભા બેઠકમાં ભાજપ દ્વારા મહા કેસરિયા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી સહિત તમામ ભાજપના ઉમેદવારો દ્વારા આજે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઘાટલોડિયા વિધાનસભામાં આજે રાણીપના ચેનપુર ગામથી ન્યુ રાણીપ, ગોતા, ચાંદલોડિયા વિસ્તારમાં ફરી અને ગોતા વીર સાવરકર હાઈટ સુધીનો રોડ શો યોજવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના રોડ શોમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો. ચેનપુર ગામથી ન્યુ રાણીપ વિસ્તારમાં પહોંચતા લોકોએ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું.

ગુરુવારે રોડ-શોમાં બાકી રહેલી અસારવા, દરિયાપુર, ખાડિયા બેઠક આવરી લેવાઈ
ગુરુવારે વડાપ્રધાન કરેલા રોડ-શોમાં શહેરની 16માંથી 13 બેઠક આવરી લેવાઈ હતી. દરિયાપુર, જમાલપુર-ખાડિયા અને અસારવા બેઠક બાકાત રહી હતી. જેથી શુક્રવારે બાપુનગરમાં સભા પહેલાં મોદીએ શાહીબાગથી ત્રણેય વિધાનસભા વિસ્તારને આવરી લઈ સારંગપુર સર્કલ સુધી રોડ-શો કર્યો હતો. મુસ્લિમ પ્રભુત્વવાળા વિસ્તારોમાંથી તેઓ પસાર થયા હતા.

કોંગ્રેસે મુખ્યમંત્રી અને ઉપ મુખ્યમંત્રીનો દાવ ખેલ્યો
બીજો તબક્કા માટે 5 ડિસેમ્બરે મતદાન છે ત્યારે કોંગ્રેસે ઓબીસી કાર્ડ સાથે અન્ય અનામત કાર્ડ વહેતું મૂકીને વધુને વધુ બેઠકો મળે તેવા પ્રયાસ હાથ ધરી દીધા છે. બીજા તબક્કામાં મુખ્યત્વે ઓબીસી, એસસી, એસટી અને લઘુમતી વર્ચસ્વની બેઠકો હોવાથી કોંગ્રેસે ઓબીસી સમાજના મુખ્યમંત્રી, એસસી-એસટી અને લઘુમતી સમાજના 3 નાયબ મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય કરીને આ વર્ગને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ જો કે કહ્યું હતું કે કોંગ્રેસે દરેક સમાજને પ્રતિનિધિત્વ આપે છે. કોંગ્રેસના ટોચના નેતાઓએ ચૂંટણી પહેલા અગાઉથી જ ઓબીસી કાર્ડ ફરતું કર્યુ હતું. ટિકિટોના વિતરણમાં પણ ઓબીસી પ્રભાવિત બેઠક પર ઓબીસી સમાજના ઉમેદવારોને ટિકિટ આપી હતી. પ્રચારમાં પણ ઓબીસી મતદારો વધુ હોય એવા વિસ્તારો પર કોંગ્રેસનું ફોકસ રહ્યું છે. અગાઉ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ BADAM (બક્ષીપંચ, આદિવાસી, દલિત, માઇનોરિટી) પર ફોકસની નીતિ અપનાવી હતી. રાજ્યમાં 6 એસસી અનામત તો 13 એસટી અનામત બેઠકો છે. જ્યારે વિવિધ બેઠકો પર લઘુમતી સમાજના મત પણ નિર્ણાયક છે.

ભાજપ ઉમેદવારે બોગસ વોટિંગની પણ છૂટ આપી!
પંચમહાલ જિલ્લાની કાલોલ બેઠકના ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણનો ચૂંટણી પ્રચારનો વીડિયો વાઇરલ થયો છે. ઘોઘંબા તાલુકાના માલુ ગામની સભાના આ વીડિયોમાં તેઓ જણાવે છે કે ‘બૂથની અંદર બોગસ કરો, કે જે કરો તે, તમારા કેટલા વોટ છે, તે 3000 વોટ પાડી જ દેવાના છે, પરિણામ નક્કી જ છે.’ આપના ઉમેદવાર દિનેશ બારીઆએ આ વીડિયોના આધારે ચૂંટણી અધિકારી સમક્ષ ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ કરીને પગલાં ભરવા માગ કરી છે.

બાપુનગર બેઠક જીતવા સરસપુરમાં સભા કરી
2017માં કોંગ્રેસ 3 હજાર મતથી જીતેલી બાપુનગર બેઠક પર ભાજપના દિનેશસિંહ કુશવાહને જીતાડવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સાંજે વિક્રમ મિલ કમ્પાઉન્ડમાં જાહેર સભા યોજી હતી. તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી કહ્યું હતું કે, અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ ભુલાય તેમ નથી અને આ દિવસો પાછા લાવવાના નથી. પ્રથમ તબક્કામાં મતદાનથી ભાજપની જીત નક્કી થઈ છે ત્યારે કોંગ્રેસ ઈવીએમને ગાળો બોલવા માંડી છે. ગુજરાતમાં માત્ર વિકાસનો મંત્ર રહ્યો છે. દેશમાં દોઢ હજાર કાયદા કાઢી નાખ્યા છે. આગામી 25 વર્ષના સુવર્ણકાળ માટે ભાજપને મત આપવા મોદીએ યુવાનોને હાકલ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, દેશના વિકાસમાં ગુજરાતનું મોટું યોગદાન છે. કોંગ્રેસના સમયમાં આતંકી ઘટના બને ત્યારે દુનિયા પાસે મદદ માટે જવું પડતું, આજે આપણી સેના આતંકવાદીઓને ઘરમાં જઈને મારે છે. ઈસ્લામિક દેશો સાથે પણ આવા સંબંધો સુધરતા તેઓ સન્માનથી જુએ છે. બહેરીન, યુએઈમાં હિન્દુઓના મંદિર બની રહ્યા છે. તેમણે શરૂઆતમાં જ કહ્યું હતું કે, આજે આ મારી છેલ્લી સભા છે.

કોંગ્રેસના રાજમાં ગુજરાત કોમી તોફાનોમાં નંબર વન હતું : શાહ
કેન્દ્રમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ગુજરાતને ક્રૂડ ઓઇલ રોયલ્ટી, નર્મદા માટેની સહાય, સોઇલ ટેસ્ટ સહાયની રકમ અટકાવી હતી, હાઇવે બનાવવા પણ ખર્ચ આપતાં ન હતા. ગુજરાતના વિરોધીઓ કોંગ્રેસને વોટ અપાય? તેવો પ્રશ્ન ચાંદખેડા ખાતેની સભામાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કર્યો હતો. કોંગ્રેસના શાસનમાં ગુજરાત કોમી તોફાનોમાં નંબર વન હતું, જ્યારે ભાજપના રાજમાં વિદેશી મૂડી રોકાણ, અન્ય મુડીરોકાણ સહિત અન્યમાં નંબર વન બનાવ્યું છે. ત્યારે આ વિકાસની પરંપરા ચાલતી રહેવી જોઇએ. નરેન્દ્રભાઇ માટે કોંગ્રેસીઓ અપશબ્દો બોલે તો ગુજરાતે તે સહન કરાય? ધારાસભ્ય તરીકે મને 4 વખત ચૂંટનાર આ ચાંદખેડા, મોટેરા, ઝુંડાલનો 15 વર્ષમાં જે વિકાસ થયો છે તે મારી નજર સામે હોવાનું કહી અમિત શાહે તેમના જુનો નાતો તાજો કર્યો હતો. ભાજપના ઉમેદવાર માટે તેમણે કહ્યું કે, કંઇ ઓછુ પડે તો તમારે અલ્પેશને નહી પણ શંભુજીનો અને મારો કાન પકડવાનો. કોંગ્રેસે અત્યાર સુધી જાતી જાતી વચ્ચે ઝેર ફેલાવું, કોમી તોફાનો અને વિકાસના નામે મીંડુ આપ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર ગુજરાતને કોમી તોફાનોમાંથી બહાર કાઢ્યું છે.

અન્ય સમાચારો પણ છે...