અમિત શાહ અમદાવાદમાં:કહ્યું- ગુજરાતમાં મોદીએ રમખાણ કરાવનારાઓને એવો પાઠ ભણાવ્યો કે આજના દિવસ સુધી રમખાણો નથી થયા

અમદાવાદ2 મહિનો પહેલા

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે આજે અમદાવાદમાં વેજલપુર વિધાનસભા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેર સભા સંબોધી હતી. અમતિ શાહે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ સરકારે શાંતિ સ્થાપવાનું કામ કર્યું છે. આ સાથે જ મુંબઈમાં 26/11ના એટેકને યાદ કરી કોંગ્રેસને આડેહાથ લેતા જણાવ્યું હતું કે, કોંગ્રેસની સરકારમાં અમદાવાદમાં છાશવારે શાંતિ ડહોળવામાં આવતી હતી. રાધિકા જીમખાનાની ઘટના ભૂલાય એવી નથી. શહેરની શાંતિને વિંખી નાખી હતી. નરેન્દ્ર મોદીએ વખતે મુખ્યમંત્રી હતા અને રમખાણ કરાવનારાઓને એવો પાઠ ભણાવ્યો કે એ ઘડી અને આજનો દિવસ ગુજરાતમાં ક્યારેય રમખાણ થયા નથી.

1 જાન્યુઆરી 2024ના અયોધ્યા મંદિર તૈયાર હશે: અમિત શાહ
અમિત શાહે વધુમાં કહ્યું હતું કે, પહેલાં કાંકરિયા લેક દુર્ગંધ મારતો હતો અને હવે અટલ ટ્રેનમાં પરિવાર બાળકો સાથે આવતો થયો છે. 10 વર્ષ સુધી મનમોહન અને સોનિયાની સરકારમાં દેશના જવાનો મરતા હતા. હવે પાકિસ્તાન ભૂલી ગયું કે સરકાર બદલાઈ ગઈ છે અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે. લોહીની નદીઓ વહેવાની વાત કરતા હતા. કાશ્મીરમાં 3 વર્ષથી કાકરીચાળો નથી કરી શક્યા. રાહુલ બાબા અને અહીંયાની જનતાને કહું છું કે, ટિકિટ બુક કરાવી લો 1 જાન્યુઆરી 2024ના અયોધ્યા મંદિર તૈયાર હશે.

મુંબઈ પર પાક આંતકવાદીઓએ હુમલો કર્યો
આજે 26/11 છે. આ તારીખ ક્યારેય ન ભુલાય. મુંબઈ પર પાક આંતકવાદીઓએ હુમલો કર્યો હતો. એ વખતે સરકાર મુક પ્રેક્ષક હતી. એમના ગૃહમંત્રી દિવસમાં 3 વખત કપડાં બદલતા હતા. અંતે એ સરકાર ઘરભેગી થઈ ગઈ. જ્યારે કોંગ્રેસીયાઓની સરકાર હતી ત્યારે રાધિકા જીમખાનાની ઘટના કેમ ભુલાય. શહેરની શાંતિ ડોહળાતી હતી. એક દિવસમાં 250 જેટલા સ્ટેબિંગ થતા હતા. હું અમરસિંહ ચૌધરીને મળેલો ત્યારે એમણે કહેલું રમખાણો સમાપ્ત કરવા અઘરા છે. રમખાણ કરવાવાળાને 2002માં એવો પાઠ મોદીજીએ બતાવ્યો કે પછી કોઈ કોમી રમખાણ નથી થયા. ભાજપે ગુજરાતમાં શાંતિ સ્થાપી વિકાસ આપ્યો.

આપની સભામાં પથ્થર વાગતા બાળક ઇજાગ્રસ્ત
સુરતની કતારગામ વિધાનસભા બેઠક ઉપર બબાલ થઈ. આમ આદમી પાર્ટીની જાહેર સભા ચાલી રહી હતી. ગોપાલ ઇટાલીયા અને અન્ય આમ આદમી પાર્ટીના નેતાઓ સંબોધી રહ્યા હતા તે દરમિયાન જ એકાએક અજાણ્યા શખ્સ દ્વારા સભા સ્થળ પાસે પથ્થર ફેંકવામાં આવ્યો હતો. સભામાં બેઠેલા લોકો પૈકી એક બાળકને આંખ પાસે પથ્થર વાગ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં ઇજાગ્રસ્ત બાળકને ગોપાલ ઇટાલીયા સારવાર માટે લઈ જતા જોવા મળ્યા હતા.

સંકલ્પ પત્રમાં હિંદુત્વની ઝલક
ભારતીય જનતા પાર્ટી દ્વારા જે સંકલ્પ પત્ર રજૂ કરવામાં આવ્યો છે. તેમાં હિંદુત્વની ઝલક દેખાઈ રહી છે. ચૂંટણીની જાહેરાત પહેલાં ચર્ચામાં આવેલ ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડનો મુદ્દો ફરી એકવાર ભાજપના ચૂંટણી ઢંઢેરામાં પણ સામેલ કરાયો છે. તેમજ અવારનવાર રાજ્યમાં વર્ષોથી શાંતિ હોવાનો દાવો કરતા ભાજપે રાજ્યમાં હિંસક વિરોધ કરનાર અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનાર તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવાનો વાયદો કર્યો છે. ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ કમિટીની ભલામણોનો સંપૂર્ણપણે અમલ થાય તે સુનિશ્ચિત કરાશે. એન્ટિ રેડિકલાઇઝેશન સેલ બનાવાશે. જે દેશવિરોધી તત્ત્વો અને આતંકવાદી સંગઠનોના સ્લીપર સેલને ઓળખીને તેને દૂર કરવાનું કામ કરશે.

દિલ્હીથી આવેલો AAPનો નમૂનો આતંકીઓનો હિતેચ્છુ: યોગી
સોમનાથ સાંનિધ્યે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આજે સભા યોજાઈ હતી, જેમાં તેમણે આમ આદમી પાર્ટી(AAP) અને કોંગ્રેસને આડેહાથ લીધી હતી. આકરા પ્રહારો કરતાં યોગીએ જણાવ્યું હતું કે દિલ્હીથી આવેલો આમ આદમી પાર્ટીનો નમૂનો આતંકીઓનો હિતેચ્છુ છે, શું તેને મત આપીને કલંકિત કરાય? તેમજ કોંગ્રેસને લઈ કહ્યું હતું કે કોંગ્રેસે મુસ્લિમોના મતો માટે ક્યારેય હિન્દુઓને સન્માન આપ્યું નથી અને હંમેશાં હિન્દુઓની આસ્થા સાથે ખીલવાડ કરવાનું કામ કર્યું છે.

ચૂંટણી સમયે જ બાબા સાહેબ યાદ આવ્યા!
રાજકોટમાં આજે ભાજપના ઉમેદવારો અને નેતાઓ સિવિલ હોસ્પિટલ ચોક ખાતે બાબાસાહેબની પ્રતિમાને ફૂલહાર કરવા આવ્યા હતા, પરંતુ દલિત સમાજના લોકોનો પણ એ જ સમયે ફૂલહાર કરવાનો કાર્યક્રમ હતો. આથી દલિત સમાજે ભાજપના નેતાઓનો વિરોધ કર્યો હતો. દલિત સમાજના એક વડીલે જણાવ્યું હતું કે તાજેતરમાં જ વજુભાઈ વાળાએ દલિત સમાજની લાગણી દુભાઇ એવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણી સમયે જ નેતાઓને બાબાસાહેબ યાદ આવે છે, બાકી કોઈ આવતું નથી. દલિત સમાજના લોકોએ કહ્યું હતું કે બહુ ભક્તિ કરી ભાઈ, હવે વારો આવવા દ્યો. જોકે આ કાર્યક્રમમાં ભાજપના નેતાઓને દલિત સમાજના લોકોનો સામનો કરવો પડ્યો હતો.

ઘાટલોડિયામાં મુખ્યમંત્રીનો રોડ શો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો દ્વારા રેલી અને જનસભા યોજી મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી અને ઘાટલોડિયા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલ દ્વારા પોતાના મતવિસ્તાર ઘાટલોડિયામાં રોડ શો યોજાયો હતો. મેમનગરના ગુરુકુળ રોડ પરથી આ રોડ શો શરૂ કરી મત વિસ્તારમાં ફરીને બોડકદેવ ગામ ખાતે પૂર્ણ કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેમનગર સુભાષ ચોક ખાતે ભીડભંજન હનુમાન મંદિરે દર્શન કરી રોડ શો શરૂ કર્યો. મુખ્યમંત્રીએ 1000 બાઇકો અને 50 જેટલી ગાડીઓ સાથે 1 કિલોમીટર લાંબો રોડ શો યોજાયો હતો. કુલ 12 કિલોમીટરનો રોડ શો યોજાયો હતો. રોડ શોમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઘાટલોડિયા ખાતે આવેલા પોતાના ભાજપ કાર્યાલય પાસે પહોંચ્યા ત્યારે એક વૃદ્ધને પોતાની ગાડીની નજીક બોલાવી અને તેઓને મળ્યા હતા.

અમિત શાહનો સૌરાષ્ટ્ર, અમદાવાદ અને વડોદરામાં ધૂંવાધાર પ્રચાર
કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહ આજે અમરેલીના જાફરાબાદ, ભાવનગરના તળાજા અને મહુવા, વડોદરાના નિઝામપુરા અને અમદાવાદમાં પ્રહલાદનગરમાં જનસભા સંબોધી હતી. ત્યારે ગઈકાલે તેમણે ભરુચ જિલ્લાના વાગરા ખાતે એક જાહેરસભાને સંબોધીને 2002નાં રમખાણો યાદ કર્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે એક સભામાં જણાવ્યું હતું કે ગુજરાતમાં અસામાજિક તત્ત્વો અગાઉ વારંવાર હિંસા કરતાં અને કોંગ્રેસ તેમને છાવરતી હતી, પરંતુ એ લોકોને 2002માં એવો તે પાઠ ભણાવ્યો છે કે તે લોકો ખો ભૂલી ગયા છે. એટલું જ નહીં, ભારતીય જનતા પાર્ટીએ આખા ગુજરાતમાં "કાયમની શાંતિ" કરી દીધી છે.

કોંગ્રેસને આડેહાથ લઈ શાહે શું કહ્યું હતું?
વાગરા ખાતે એક જાહેરસભાને સંબોધતાં તેમણે આક્ષેપ કર્યો હતો કે, ગુજરાતમાં (1995 પહેલાં) કોંગ્રેસનું રાજ હતું. ત્યારે વારંવાર કોમી રમખાણો થતા હતા. કોંગ્રેસ પોતે જ અલગ-અલગ સમુદાયના લોકોને ભડકાવીને એકબીજાની સામે લડાવતી હતી. આ કારણથી જ છાશવારે ગુજરાતમાં કોમી રમખાણો થતા હતા. આવા રમખાણોની આગ ઉપર જ કોંગ્રેસ પોતાના રાજકીય રોટલા શેકતી અને પોતાની વોટબેંક મજબૂત કરતી હતી. કોંગ્રેસે વર્ષો સુધી સમાજના એક મોટા વર્ગ સાથે વારંવાર અન્યાય કર્યો છે. પરંતુ 2002 પછી તો ગુજરાતમાં કાયમની શાંતિ થઈ ગઈ છે. કારણ એટલું જ છે કે જે લોકો વારંવાર હિંસા કરવા અને ભડકાવવા ટેવાયેલા હતા તેમને બરાબરનો સબક શીખવાડ્યો છે.

જે પી નડ્ડાએ ભાજપનો 'સંકલ્પપત્ર’ જાહેર કર્યો
વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન આડે માત્ર 5 દિવસ બાકી છે. ત્યારે ભાજપ આજે ચૂંટણીઢંઢેરો જાહેર કર્યો છે. આજે કમલમ ખાતે સંકલ્પ પત્ર જાહેર કરાયો એ સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.

પાટણના MLA કિરીટ પટેલે કોને ધમકી આપી?
પાટણ બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે, જેમાં કિરીટ પટેલે દાદાઓને ખુલ્લી ધમકી આપી અને ચૂંટણી પછી તેમને જોઈ લેવાનું કહેતાં રાજકારણ ગરમાયું છે. સબોસણ ગામમાં કિરીટ પટેલ ચૂંટણીપ્રચારમાં ગયા હતા, જ્યાં તેમણે લોકોને ચૂંટણીમાં કોઈ અંદરોઅંદર તેમને લડાવીને ફાયદો ન ઉઠાવી જાય એ બાબતનું ખાસ ધ્યાન રાખવા કહ્યું હતું.

અમદાવાદમાં ગેહલોતની સભામાં કેસરિયા સાફા
અમદાવાદમાં કોંગ્રેસની સભામાં કેસરિયા સાફા વહેંચાયા હતા. સાફા લેવા માટે પડાપડી થઈ હતી. માધુપુરા પોલીસ સ્ટેશન નજીક અશોક ગેહલોતની સભા પૂર્વે કેસરિયા સાફાનું વિતરણ થઈ રહ્યુ હતું, ત્યારે લોકોએ કેસરિયા સાફા કબજે કરવા માટે ખેંચાખેંચી કરી હતી.

સ્મૃતિ ઈરાની સુરતમાં હતા
સ્મૃતિ ઈરાની સુરતમાં હતા

કેજરીવાલ દારૂ પીવાની ટ્રેનિંગના ક્લાસ શરૂ કરે છે- સ્મૃતિ ઇરાની
કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા સ્મૃતિ ઈરાનીએ સુરતમાં કેજરીવાલ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે કેજરીવાલમાં દમ હોય તો ગુજરાતમાં આવીને બોલી બતાવે. કેજરીવાલ પોતાના વિધાનસભા વિસ્તારમાં એક સ્કૂલ બનાવી શક્યા નથી અને દારૂ પીવા માટેની ટ્રેનિંગ આપવા માટે ક્લાસ શરૂ કરે છે. આમ આદમી પાર્ટીને મત આપવો તે દારૂડિયાને મત આપવા સમાન થશે. આ ઉપરાંત રાહુલ ગાંધી પોતના મતક્ષેત્રમાં જતા નથી અને ગુજરાતમાં આવે છે તેમજ પાકિસ્તાનના નારા ભારત જોડો યાત્રામાં લાગ્યા હતા.

વિરમગામની જનતાને હાર્દિક પટેલનાં 26 વચન
હાર્દિક પટેલ સામે આ વખતે જીતવું કપરાં ચઢાણ છે. જોકે જીતના વિશ્વાસ સાથે મક્કમ હાર્દિક પટેલે પોતે જીતશે તો વિરમગામની શિકલ બદલી નાખતાં વચનો મતદારોને આપ્યા છે.હાર્દિક પટેલે સોશિયલ મીડિયામાં એક પોસ્ટમાં પોતાનાં વચનો પોસ્ટ કર્યા છે, જે મુજબ વિરમગામ, નળકાંઠા વિસ્તાર, માંડલ તથા દેત્રોજમાં વિકાસકાર્યો કરવાની ખાતરી આપી છે. હાર્દિક પટેલે સૌથી પહેલા જ વિરમગામ જિલ્લો બનાવવાનું વચન આપ્યું છે, સાથે જ અમદાવાદના કાંકરિયા તળાવ જેમ મુનસર અને ગંગા તળાવનો પણ વિકાસ કરાશે. નળકાંઠા, માંડલ અને દેત્રોજમાં 50 બેડની નવી હોસ્પિટલ બનાવવાની, વિરમગામમાં સાયન્સ, કોમર્સ અને આર્ટ્સની કોલેજ બનાવવાનું વચન આપ્યું છે. ઉપરાંત સ્પાર્ટ્સ કોમ્પ્લેક્સ, બાગ-બગીચા બનાવવાનાં વચનો આપ્યા છે.

અન્ય સમાચારો પણ છે...