વડોદરા નજીક આવેલું ભાયલી ગામનો કોર્પોરેશનમાં સમાવેશ થયેલો છે. જોકે, આ ગામ ડભોઇ વિધાનસભા મત વિસ્તારમાં આવે છે. આ ગામના મોટી ભાગોળ વિસ્તારમાંથી ઉંડેરા, સમીયાલાથી સોખડા તરફ જતી વરસાદી કાંસ આવેલી છે. છેલ્લા 10 વર્ષથી આ કાંસને પાકી બનાવવા ન આવતા ગામના માજી સરપંચે અપીલ કરી હતી કે, આ કાંસમાં કોર્પોરેશન દ્વારા "નૌકા વિહાર" નો કાર્યક્રમ રાખવામાં આવે. આ કાંસમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની નૌકા વિહાર કરે તો આ પ્રશ્ન હલ થવાની શક્યતાઓ છે. તો બીજી બાજુ કરજણ વિધાનસભા મત વિસ્તારમાં પોર પાસેના ઉટીયા ગામમાં 40 વર્ષથી પ્રાથમિક સુવિધાઓ ન મળતા ચૂંટણીનો બહિષ્કાર કરતા ગામમાં બેનરો લગાવવામાં આવ્યા છે.
આજે ખાનપુરથી સારંગપુર સુધીનો રોડ શો
ગુજરાતમાં એક તરફ પહેલાં તબક્કાનું મતદાન પૂરું થયું હતું. ત્યારબાદ તરત જ અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નરોડાથી ચાંદખેડા ગામ સુધી અમદાવાદ શહેર અને ગાંધીનગરની એક કુલ 14 બેઠકને આવરતો 54 કિમીનો લાંબો રોડ શો કર્યો હતો.ત્યારે આજે સતત બીજા દિવસે પણ અમદાવાદમાં વડાપ્રધાન મોદી ફરી રોડ શો કરશે. ખાનપુરના લકી રેસ્ટોરાંથી શરૂ કરીને વાયા વીજળીઘર ચાર રસ્તા, ભદ્રકાળી મંદિર (વડાપ્રધાન નગરદેવીના દર્શન કરશે), આઈ પી મિશન ચાર રસ્તા ખમાસા, મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ, આસ્ટોડિયા(ઢાળની પોળ), રાયપુર દરવાજા, કાપડીવાડ થઈને સારંગપુર (બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા) ખાતે પૂર્ણ થશે.
ભાજપ, કોંગ્રેસ અને આપનો ઝંઝાવાતી પ્રચાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠક પર મતદાન થયું હતું. પહેલા તબક્કામાં 62.89 મતદાન થયું છે. ત્યારે બીજા તબક્કાના મતદાનની તૈયારીઓ ભાજપ, કોંગ્રેસ અને આપ તથા અન્ય પાર્ટીઓ દ્વારા ચાલી રહી છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને આપના પંજાબના સીએમ ભગવંત માન ચૂંટણીપ્રચાર કરશે અને પોતાની પાર્ટીના ઉમેદવારો માટે મત માગશે.
ભાજપના ચૂંટણીપ્રચારમાં મોદી અને શાહ ઊતર્યા
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા તબક્કાનો ચૂંટણીપ્રચાર કરશે અને 4 સ્થળે સભા સંબોધશે, જેમાં બનાસકાંઠાના કાંકરેજમાં નાથપુરા ગામે દેવ દરબાર જાગીર મઠ, પાટણમાં યુનિવર્સિટી ગ્રાઉન્ડ, આણંદના સીબી પટેલ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ અને અમદાવાદના સરસપુરમાં વિક્રમ મિલ કમ્પાઉન્ડ ખાતે જનસભા સંબોધશે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો કડીમાં રોડ શો અને ડીસામાં જનસભા છે.
કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહ આજે એક રોડ શો અને 3 સભાને સંબોધશે, જેમાં વડોદરામાં અકોટાથી રાવપુરામાં અપ્સરા સિનેમાથી જ્યુબિલી બાગ સાથે રોડ શો યોજશે. એમાં ચોખંડી, માંડવી, ચાંપાનેર, અડાણિયા પુલ ચાર રસ્તા અને કોયલી ફળિયાથી નીકળી જ્યુબિલીબાગ ખાતે રોડ શો પૂરો થશે. તો મહેસાણાના નુગર ખાતે નુગર ચોર્યાસી સંકુલ અને વિજાપુરમાં હિંમતનગર-વિજાપુર હાઈવે પરના ગોવિંદપુરા ચાર રસ્તા એપીએમસી માર્કેટ તથા અમદાવાદમાં ગાંધીનગર દક્ષિણ બેઠક અંતર્ગત ન્યૂ સીજી રોડ પરના વિધિ બંગલો ચાર રસ્તા ખાતે જનસભા સંબોધશે.
કોંગ્રેસનો ચૂંટણીપ્રચારની દોર ખડગેએ સંભાળી
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ આજે ગુજરાતમાં ચૂંટણીપ્રચાર કરશે. આજે તેઓ અરવલ્લી જિલ્લાના ભિલોડા અને ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠક પર જનસભાને સંબોધશે.જ્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર અને વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર આજે વડગામના પાંચડામાં જીજ્ઞેશ મેવાણી માટે ચૂંટણી પ્રચાર કરશે. તો શક્તિસિંહ ગોહિલ ઠાસરા અને માતર ખાતે જનસભાને સંબોધશે. તો સાંસદ ઈમરાન પ્રતાપગઢી બાલાસિનોર અને દાહોદમાં સભા કરશે.
AAPના ભગવંત માનના ગુજરાતમાં ડેરા
આપ પણ આજે કાર્પેટ બોમ્બિંગ કરશે, જેમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ઉત્તર ગુજરાતનાં 4 શહેરમાં રોડ શો કરશે, જેમાં અરવલ્લીના ભિલોડા, સાબરકાંઠાના ઈડર, હિંમતનગર અને પ્રાંતિજમાં રોડ શો કરશે અને સાથે સાથે લોકોને સંબોધશે. તો રાજ્યસભા સાંસદ અને આપના ગુજરાતના સહપ્રભારી રાઘવ ચઢ્ઢા પણ 4 શહેરમાં રોડ શો કરશે, જેમાં ગાંધીનગરના દહેગામ અને ગાંધીનગર દક્ષિણ, મહેસાણાના કડી અને અમદાવાદના નરોડામાં ચૂંટણી પ્રચાર કરશે. તો આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા અમદાવાદમાં વટવા અને ઠક્કરબાપાનગરમાં જનસભા સંબોધશે,. જ્યારે આપના ગુજરાતમાં મુખ્યમંત્રીપદના ઉમેદવાર ઈસુદાન ગઢવી પેટલાદ અને મહુધામાં જનસભા સંબોધશે. જ્યારે પાસના પૂર્વ નેતા અને આપના ઉમેદવાર અલ્પેશ કથીરિયા 3 સ્થળે રોડ શો અને એક સ્થળે સભા કરશે. કપડવંજ, દસક્રોઈ અને નિકોલમાં રોડ શો અને બેચરાજીમાં કથીરિયાની સભા છે.
અમદાવાદમાં 54 કિમીનો મોદીનો ‘વન મેન’ રોડ શો
અમદાવાદમાં 1 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 54 કિલોમીટરનો મેરેથોન રોડ શો ચાંદખેડા ખાતે પૂર્ણ થયો હતો. સાંજે 5.15 વાગ્યે નરોડા ગામથી શરૂ થયેલો વન મેન મેગા રોડ શો રાતે 9 વાગ્યે ચાંદખેડા ચાર રસ્તા ખાતે પૂર્ણ થયો હતો. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની 13 વિધાનસભા અને ગાંધીનગરની એક વિધાનસભા મળી કુલ 14 વિધાનસભામાં ફરી વળ્યો હતો. આ રોડ-શોમાં છેકથી છેક સુધી રોડની બંને તરફ અમદાવાદીઓ ઊમટી પડ્યા હતા. મેગા રોડ શોમાં 3.45 કલાક સુધી વડાપ્રધાન મોદીએ હાથ હલાવીને લાખો લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.