જીટીયુના તાજેતરમાં યોજાયેલા જોબ પ્લેસમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ફાર્મસી, એન્જિનિયરિંગ, મેનેજમેન્ટના સ્નાતક કુલ 200 જેટલા વિદ્યાર્થીઓને વિવિધ કંપનીઓ તરફથી વાર્ષિક રૂ.3 લાખથી 9 લાખ સુધીનુ જોબ પેકેજ ઓફર કરવામાં આવ્યું છે. વિવિધ સેક્ટરની જોબ ઓફર કરનારી કંપનીઓએ આ જોબ પ્લેસમેન્ટમાં ઉમેદવારોના એકેડમિક પર્ફોમન્સની તુલનાએ ઈમોશનલ ક્વોશન્ટ,સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ, મેનેજમેન્ટ ક્વોશન્ટ સહિતના પાસાઓની ચકાસણીના આધારે જોબ ઓફર કરી હતી.
200 વિદ્યાર્થીઓ માંથી એમફાર્મ થયેલા 57 વિદ્યાર્થીને વાર્ષિક રૂ. 2.8 લાખથી 3.5 લાખ સુધીનું પેકેજ, જ્યારે એમઈ થયેલા 71 વિદ્યાર્થીને વાર્ષિક રૂ. 2.8 લાખથી 9 લાખ સુધીનું જ્યારે એમબીએ થયેલા 72 ઉમેદવારોને વાર્ષિક નવ લાખ સુધીના જોબ પેકેજ ઓફર કરવામાં આવ્યું છે.
જીટીયુ કેમ્પસમાં ભણાવવામાં આવતા પોસ્ટ ગ્રેજ્યુએટ ફાર્મસી કોર્સ, પોસ્ટ ગ્રેજયુએેટ એન્જિનિયરિંગ તેમજ એમબીએ ઈન ઈન્ટરનેશનલ રિલેશન કોર્સમાં મે-જૂન-2022ના કોર્સના પાસ આઉટ વિદ્યાર્થીઓને માટે પ્લેસમેન્ટ યોજવામાં આવ્યું હતુ. જેમાં જે તે ક્ષેત્રની પ્રતિષ્ઠિત કંપનીઓના પ્રતિનિધિઓએ ઓનલાઈન અને ઓફલાઈન મોડમાં ઈન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ઘરીને લાયકાત ધરાવતા ઉમેદવારોની પસંદગી કરીને તેમની અભિયોગ્યતા પ્રમાણે વાર્ષિક પગાર ઓફર કર્યો હતો. પ્લેસમેન્ટમાં રાજ્યની જાણીતી કંપનીઓની સાથે નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાની કંપનીઓ જોડાઇ હતી. વિદ્યાર્થીઓ અભ્યાસ પુરો કરી નોકરીમાં જોડાશે.
પ્લેસમેન્ટમાં ઝાયડસ, ટોરેન્ટ ફાર્મા, ઇન્ટાસ ફાર્મા જેવી કંપનીઓ જોડાઈ
જીટીયુના ચાંદખેડા કેમ્પસમાં આવેલ સ્કૂલ ફાર્મસીમાં અભ્યાસ કરતા આશરે 57 ઉમેદવારોને વાર્ષિક રૂ. 2.8 લાખથી 3.5 લાખ સુધીનું જોબ પેકેજ ઓફર કરવામાં આવ્યું છે. અમદાવાદ,વડોદરા સહિત રાજ્યભરમાં આવેલી ઝાયડસ, ટોરેન્ટ ફાર્મા, એમ્ની, ઈન્ટાસ ફાર્મા, કોરોના રેમેડીસ, બાયો મેટ્રિકસ, એક્યુપ્રેક, કાશ્મિક ફોરમ્યુલેશન, ઓબ્જિલા ફાર્મા સહિતની વિવિધ 11 જેટલી ફાર્મા કંપનીઓ તરફથી જોબ ઓફર થઈ છે. જ્યારે આ ઉમેદવારોને વાર્ષિક ત્રણ લાખ સુધીનું સરેરાશ જોબ પેકેજ ઓફર થયું છે. કંપનીઓ તરફથી એક્ઝિક્યુટિવ, પ્રોજેકટ આસિસ્ટન્ટ તેમજ જુનિયર સાયન્ટિસ્ટની પોસ્ટ માટેની જોબ ઓફર થઈ છે.
એમઈના કુલ 75માંથી 72 વિદ્યાર્થીને જોબ ઓફર કરાઈ
જીટીયુની ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીના એમઈ 2022 બેચના પાસ આઉટ 75 માંથી 72 વિદ્યાર્થીઓને જોબ ઓફર કરાઇ છે. પ્લેસમેન્ટમાં માઈક્રોસોફ્ટ બેંગલુરુ, એસેન્ચર ઈન્ડિયા, કોપાર્ટ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, હૈદરાબાદ, કૌશલ્યા સ્કિલ યુનિવર્સિટી, ઈન્ફોસિસ, આઈઆઈટી ગાંધીનગર, ટેક મહિન્દ્રા- મુંબઈ એસીએલ ડિજિટલ, ટીસીએસ,બ્લુનિફાય સોલ્યુશન્સ તરફથી વાર્ષિક 2.8 લાખથી 9 લાખ સુધીનું જોબ પેકેજ ઓફર થયું છે. આ વિદ્યાર્થીઓને સરેરાશ વાર્ષિક 6 લાખનું સરેરાશ જોબ પેકેજ ઓફર કરવામાં આવ્યું છે.
MBAના 72 વિદ્યાર્થીઓને 9 લાખ સુધીનું જોબ પેકેજ મળ્યું
ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સ્ટડીસમાંથી એમબીએ ઈન્ટરનેશનલ સ્ટડીસ થયેલા 72 વિદ્યાર્થીઓને વાર્ષિક 3 લાખથી 9 લાખ સુધીની જોબ ઓફર થઈ હતી. તમામ વિદ્યાર્થીઓની ગણતરી ધ્યાને લઇએ તો સરેરાશ વાર્ષિક પેકેજ 5 લાખ સુધીનું ઓફર થયું છે. મેનેજમેન્ટના પ્લેસમેન્ટમાં બાયજુસ, એસ એન્ડ પી ગ્લોબલ, મનુસખ સિક્યોરિટીઝ, સ્પેક્ટ્રા ફ્યૂલ્સ, લેન્ડિંગ કાર્ટ, પીવીકે વેન્ચર્સ, ટોરન્ટ પાવર કંપની તરફથી ઈન્ટરનેશનલ સેલ્સ એન્ડ માર્કેટિંગ મેનેજર, સેલ્સ એક્ઝિક્યુટિવ, રિક્રૂટમેન્ટ કન્સલ્ટન્ટ વગેરે કંપનીઓએ વિદ્યાર્થીઓને નોકરી ઓફર કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.