તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાથ નીકળશે નગરચર્યાએ?:સરકારે રથયાત્રાની તૈયારી શરૂ કરી, દરિયાપુરમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ; રથયાત્રાને 25 દિવસ બાકી, કાલુપુર-રિલીફ રોડ પરનાં દબાણ હટાવાયાં

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસે રથયાત્રાની તૈયારીઓ શરુ કરી - Divya Bhaskar
પોલીસે રથયાત્રાની તૈયારીઓ શરુ કરી
  • પોલીસ કમિશનરે રથયાત્રાની તૈયારીઓને લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરી હતી.
  • રથયાત્રા કાઢવા માટે રાજ્ય સરકાર અને મંદિર ટ્રસ્ટ સાથે મળીને નિર્ણય લેશે.

ચાલુ વર્ષે રથયાત્રા નીકળશે કે નહીં તેને લઈને અનેક તર્કવિતર્ક ચાલી રહ્યા છે ત્યારે રથયાત્રાને હવે માંડ 25 દિવસ બાકી છે ત્યારે દરિયાપુર પોલીસે બુધવારે રથયાત્રાના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. જ્યારે ટ્રાફિક પોલીસે પણ રથયાત્રાના રૂટ પરના કાલુપુર અને રીલિફ રોડ પરનો પાર્કિંગ અને રસ્તા પર ટ્રાફિકને અડચણરૂપ દબાણો હટાવવાનું શરૂ કર્યું હતું. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે રથયાત્રા નીકળશે કે નહીં તે હાલમાં કહી શકાય તેમ નથી, પરંતુ રથયાત્રા માટે પોલીસે તૈયાર રહેવું જ પડશે. આથી રથયાત્રાને લઈને દર વર્ષની જેમ જ શહેર પોલીસે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

મામેરાના યજમાન નક્કી કરાયા
વર્ષોથી સરસપુરમાં રહેતા મહેશભાઈ ભગવાનભાઈ ઠાકોરને આ વર્ષે મામેરાનો લહાવો મળ્યો છે. મહેશભાઈના જણાવ્યા અનુસાર મારા પિતાએ 40 વર્ષ સુધી રાહ જોઈ અને હું પણ 8 વર્ષથી રાહ જોઇ રહ્યો હતો ત્યારે આ વખતે ભગવાનનું મામેરું કરવાની તક મળી છે. આ વર્ષે ભગવાનના વાઘા મહારાષ્ટ્રીયન રજવાડી સ્ટાઇલના હશે અને આભૂષણ જે ટ્રસ્ટની પરંપરા છે તે મુજબ કરવામાં આવશે.

જળયાત્રામાં પણ 50 લોકો જ હાજર રહેશે
ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા આગામી 12 જુલાઈના રોજ યોજાશે કે કેમ તેના અનેક તર્કવિતર્ક વચ્ચે જગન્નાથ મંદિર ટ્રસ્ટ તરફથી પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને ભગવાન નગરચર્યાએ નીકળે તેની મંજુરી માંગવામાં આવી છે. રથયાત્રા પહેલા યોજાતી જળયાત્રામાં પણ 50 લોકો જ હાજર રહેશે તે માટે પણ મંજૂરી માગવામાં આવી છે.જમાલપુર જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રથયાત્રાને લઈ તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજે પોલીસ કમિશનરને હાથી, ટ્રક, અખાડા, ભજનમંડળીઓ સાથે ભગવાનની રથયાત્રા કાઢવા મંજૂરી માંગવાની અરજી કરવામાં આવી છે. અરજી બાદ મીટીંગ કરવામાં આવશે અને તેઓ નક્કી કરે તે મુજબ રથયાત્રા કાઢવામાં આવશે.

પોલીસ અને SRPના જવાનોએ ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું
પોલીસ અને SRPના જવાનોએ ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું

સ્થિતિની સમીક્ષા બાદ રથયાત્રાની મંજૂરી અંગે નિર્ણય લેવાશેઃ પ્રદીપસિંહ
અમદાવાદમાં અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રાને મંજૂરી આપવા અંગે હજુ સુધી સરકાર દ્વારા કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. બીજી તરફ રથયાત્રા અગાઉ નીકળતી પરંપરાગત જળયાત્રા કોવિડ પ્રોટોકોલ અને મર્યાદિત લોકોની ઉપસ્થિતિમાં કાઢવાનું નક્કી કરાયું છે. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે ભગવાન જગન્નાથજીની જળયાત્રા કોરોના પ્રોટોકોલ સાથે નીકળશે. રથયાત્રા અંગે કોરોનાની સ્થિતિને ધ્યાને રાખીને યોગ્ય નિર્ણય લેવાશે.

પ્રદીપસિંહ જાડેજાએ ટ્રસ્ટીઓ સાથે બેઠક કરી હતી
ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા કાઢવા માટે રાજ્ય સરકાર અને મંદિર ટ્રસ્ટ સાથે મળીને નિર્ણય લેશે. એ દિવસ પહેલા જમાલપુર જગન્નાથ મંદિરે દર્શન માટે પહોંચેલા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ટ્રસ્ટીઓ સાથેની મુલાકાત બાદ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કેવી રથયાત્રા યોજવી એનો નિર્ણય લેવામાં આવશે એમ જણાવ્યું હતું. રથયાત્રા પહેલાં પરંપરાગત રીતે નીકળતી જળયાત્રા કોરોનાની ગાઈડલાઈન્સ પ્રમાણે યોજાશે. મંદિરના મહંત દિલીપદાસજીએ જણાવ્યું હતું કે તમામ લોકોની લાગણી છે કે રથયાત્રા નીકળે અને દર્શનનો લહાવો મળે. આ વર્ષે સરકાર અને મંદિર ટ્રસ્ટ વચ્ચે ચર્ચાવિચારણા કરી નિર્ણય લેવામાં આવશે. કોરોનાની ગાઈડલાઈન્સ સાથે ઓછી સંખ્યામાં લોકોને રાખી જળયાત્રા યોજવામાં આવશે.

ગત વર્ષે મંદિર પરિસરમાં જ રથયાત્રા ફરી હતી.
ગત વર્ષે મંદિર પરિસરમાં જ રથયાત્રા ફરી હતી.

મંદિર તરફથી તૈયારીઓ શરૂ કરાઈ
મુખ્યમંત્રીએ કહ્યું હતું તે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવા માટે યોગ્ય સમયે નિર્ણય લેવાશે. હજી પણ કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાઓ છે. ત્યારે પ્રજાની સાવચેતી અને સલામતી માટેની જવાબદારી બને છે. આપણે લોકડાઉન વિના જ કોરોનાને હરાવ્યો છે. સ્થિતિ હવે નિયંત્રિત થઈ રહી છે, પરંતુ રથયાત્રા કાઢવા યોગ્ય સમયે જ નિર્ણય લેવાશે. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે બુધવારે રથયાત્રાની તૈયારીઓને લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસ ઇન્સ્પેક્ટરો સાથે વીડિયો-કોન્ફરન્સથી ચર્ચા કરી હતી. રથયાત્રાને લઈ મંદિર તરફથી જળયાત્રા સહિતની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

અખાત્રીજે ત્રણેય રથનું પૂજન કરવામાં આવ્યું હતું
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલાં ત્રણેય રથનું પરંપરાગત રીતે પૂજન કરવામાં આવતું હોય છે. અખાત્રીજના દિવસે સવારે સાડાનવ વાગ્યાની આસપાસ જમાલપુર ખાતેના જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી, ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝા અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રથનું પૂજન કર્યું હતું. માત્ર ગણતરીની સંખ્યામાં લોકોની હાજરીમાં પૂજાવિધિ સંપન્ન કરવામાં આવી હતી.

રથયાત્રાને લઈ મંદિર તરફથી જળયાત્રા સહિતની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી
રથયાત્રાને લઈ મંદિર તરફથી જળયાત્રા સહિતની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી

ગત વર્ષે રથયાત્રા મંદિર પરિસરમાં યોજાઈ હતી
ગત વર્ષે કોરોનાની મહામારીને કારણે ઐતિહાસિક એવી ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા પહેલીવાર મંદિરની બહારની જગ્યાએ મંદિર પરિસરમાં જ ફરી હતી. કોરોનાને કારણે રથયાત્રા છેલ્લે સુધી કાઢવા મામલે સરકાર અને મંદિર વચ્ચે વાતચીત થઈ હતી. હાઇકોર્ટમાં પણ આ મામલે સુનાવણી યોજાઈ હતી. બાદમાં છેવટે ભગવાન જગન્નાથજીના રથયાત્રા મંદિર પરિસરમાં જ કાઢવાનો નિર્ણય લેવાયો હતો. ભગવાન જગન્નાથજીના રથને પહિંદવિધિ કરી મંદિરના ગેટ સુધી જ લઈ જવાયો હતો. ત્યાર બાદ ત્રણેય રથને મંદિરમાં જ ફેરવવામાં આવ્યા હતા અને ભક્તોનાં દર્શન માટે મૂકવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...