રાજ્યની સૌથી મોટી અમદાવાદ ક્રિમિનલ મેટ્રો પોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં યોજાયેલી લોક અદાલતમાં ફોજદારી સમાધાનને લાયક કેસો જેમાં ચેક રિટર્નના કેસ, લગ્ન સંબંધિત ભરણપોષણ, પ્રોહિબિશન, જુગાર ધારાના કેસો સહિતના કુલ 54281 કેસો નિકાલ માટે મૂકવામાં આવ્યા હતા, જેમાં કોર્ટ, વકીલ, ફરિયાદી, આરોપી અને વીમા કંપનીના સહયોગથી કુલ 29588 પડતર કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.
ઉપરાંત પ્રી-લિટિગેશન કેસોમાં નોન-કોગ્નિઝેબલ, ફાઇનાન્શિયલ કંપની સાથે જોડાયેલા કેસો તેમ જ ટ્રાફિકના ઇ-ચલણ મેમોના કેસો જેમાં 2 વર્ષની સજાની જોગવાઈ હોય તેવા 28330 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. આમ આ લોક અદાલતમાં કુલ 57918 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. ચેક રિટર્ન, ફાઇનાન્શિયલ કંપની અને ટ્રાફિકના ઇ-ચલણ મેમોના કેસોનો નિકાલ કરી કુલ રૂ.2.16 અબજની રકમના કેસોમાં સમાધાન થયું છે.
સૌથી વધારે મેટ્રો કોર્ટ નં-16, જેમાં ટ્રાફિકના કેસો સૌથી વધુ 3800થી વધુ કેસોનો નિકાલ કરાયો છે. મેટ્રો કોર્ટ નં-26માં 20,200 કેસો, કોર્ટ નં.-17માં પ્રોહિબિશનના સૌથી વધુ 1700 કેસોનો નિકાલ કરાયો છે. આમ રાજ્યમાં યોજાયેલી લોક અદાલતમાં સૌથી મોટી મેટ્રો પોલિટિન મેજિસ્ટ્રેટ કોર્ટમાં એક જ દિવસે 57918 કેસોનો નિકાલ કરાતા તેનો પ્રથમ નંબર આવ્યો છે.
એડિ. સિનિયર સિવિલ જજ તથા ફુલ ટાઇમ લીગલ સર્વિસિસ કમિટીના સેક્રેટરી આર.કે.મોઢે જણાવ્યું હતું કે, લોક અદાલતમાં મેટ્રો પોલિટિન મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચીફ મેટ્રોપોલિટિન મેજિસ્ટટ્રેટ જે.બી.પરીખ સહિતના મેજિસ્ટ્રેટો, વકીલો, બાર એસોસિયેશન અને પક્ષકારોના સહયોગથી સફળ થઇ છે. સિનિયર ધારાશાસ્ત્રી અયાઝ શેખે જણાવ્યું હતું કે, લોક અદાલતમાં આટલા કેસોનો નિકાલ થવો તે એક ઇતિહાસ સમાન છે. કુલ રૂ.2.16 અબજની રકમના કેસોમાં સમાધાન કરાયું તે પણ મોટી બાબત છે. પ્રી-લિટિગેશન કેસોમાં 2 વર્ષની સુધીની સજાની જોગવાઇ છે, જેમાં નોન-કોગ્નિઝેબલ ગુના હોય છે. ચેક રિટર્નના કેસોમાં 2 વર્ષની સજાની જોગવાઇ છે, જે સમરી ટ્રાયલ કેસો છે. જે કેસો લોક અદાલતમાં નિકાલ કરવાનો કોર્ટને અધિકાર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.