રિપોર્ટ:અમદાવાદનાં 20 સ્થળ ઓલિમ્પિક ગેમ્સ યોજવા સક્ષમ બની શકે છે; ગ્લોબલ કન્સલટન્ટે અમદાવાદ-ગાંધીનગરની 40 ફેસિલિટીની સમીક્ષા કરી

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુનિવર્સિટીની સ્પોર્ટ્સ અને હોસ્ટેલ સુવિધાનો ગેમ્સના આયોજન માટે ઉપયોગ થઈ શકે છે

ભવિષ્યમાં ભારતમાં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સ માટે અમદાવાદને હોસ્ટ સિટીનો દરજ્જો મળે તે માટે ઔડાએ નિમેલા ગ્લોબલ કન્સલ્ટન્ટે શહેરમાં આવેલી સ્પોર્ટ્સ અને નોન સ્પોર્ટ્સ સુવિધાઓ તેમજ શહેરી માળખાની સમીક્ષા કરી લગભગ એવા 20 સ્થળ પસંદ કર્યા છે, જ્યાં ભવિષ્યની ઓલિમ્પિક રમતો યોજી શકાય તેમ છે.

કન્સલ્ટન્ટે અમદાવાદ તેમજ ગાંધીનગરમાં 40થી વધુ સ્પોર્ટ્સ અને નોન સ્પોર્ટ્સ સુવિધાની સમીક્ષા કરી હતી. આ સુવિધાઓની 2024માં પેરિસમાં યોજાનારી જ્યારે 2028માં લોસ એન્જલિસમાં યોજાનારી ઓલિમ્પિક ગેમની સુવિધાઓ સાથે સરખામણી કરાઈ હતી. કન્સલ્ટન્ટે આ ઉપરાંત ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ નક્કી કરેલા માપદંડ મુજબ રહેવાની, ઓલિમ્પિક વિલેજ, માહિતી કેન્દ્રો, મીડિયા સેન્ટર અને પાણી, ગટર તેમજ કચરાના નિકાલ જેવી સુવિધાની સમીક્ષા કરી હતી.

કન્સલ્ટન્ટના અહેવાલ અનુસાર અમદાવાદ અને ગાંધીનગરમાં આવી 40 સુવિધા છે જેમાંથી લગભગ 50 ટકા અમદાવાદમાં આવેલી છે. અમદાવાદની યુનિવર્સિટીઓમાં આવેલી સ્પોર્ટ્સ, હોસ્ટેલ જેવી સુવિધાઓને સુધારી ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેનારા માટે રહેઠાણની સગવડ પૂરી પાડી શકે છે. અમદાવાદમાં આવેલા મોટાભાગના સ્પોર્ટ્સ સંકુલ ભવિષ્યમાં સ્થપાનારા ઓલિમ્પિક પાર્કના સ્થળથી માત્ર 30 મિનિટમાં પહોંચી શકાય તેવા છે.

નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોસ્ટ બની શકે
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપરાંત નવું બની રહેલું નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને 30થી વધુ સ્પોર્ટિંગ ફેસિલિટી શહેરની આસપાસ જ છે. આ ઉપરાંત અમદાવાદ દેશના અન્ય શહેરો તેમજ અન્ય દેશોના શહેરો સાથે સારી કનેક્ટિવિટી પણ ધરાવે છે. આ પરિબળોને જોતાં અમદાવાદ ઓલિમ્પિક રમતોના આયોજન માટે આદર્શ સ્થાન બને છે.

અન્ય સમાચારો પણ છે...