આર્ટની અભિવ્યક્તિ મોંઘી પડી રહી છે. પેઈન્ટિંગ કરવા માટે આર્ટિસ્ટ કેનવાસ અને કલર-બ્રશ સહિત જે મટીરિયલનો ઉપયોગ કરે છે તેમાં 20 ટકા કરતાં વધુનો ભાવ વધારો છે. 1 વર્ષ અગાઉ ઈમ્પોર્ટેડ કે સારી ક્વોલિટીના મટીરિયલ લઈને બે ફૂટ બાય બે ફૂટનું પેઈન્ટિંગ કરવા માટે આર્ટિસ્ટને 4થી 5 હજારનો ખર્ચ થતો તેને બદલે આ ખર્ચ હવે 7થી 10 હજારે પહોંચ્યો છે.
જોકે, આર્ટ મટીરિયલનો ભાવ વધારો અને આર્ટિસ્ટની આર્ટ વેલ્યૂ સાથે કોઈ નિસ્બત નથી. તેમ છતાં આર્ટ મટીરિયલમાં થયેલા આ ભાવ વધારાને લીધે શહેરના કેટલાક આર્ટિસ્ટ મટીરિયલમાં સમાધાન કરીને પોતાની આર્ટ તૈયાર કરે છે.
ઇટાલીના બ્રેસ્ટો કેનવાસમાં 10 ટકાનો વધારો
હું ઓઈલ પેઈન્ટિંગ કરવા માટે હંમેશા વિન્સર એન્ડ ન્યૂટનની કલર ટ્યૂબનો યુઝ કરું છું. વર્ષ પહેલાં 1 હજારમાં મળતા આ કલર હવે બારસોથી પંદરસોમાં મળે છે. જ્યારે ઈટાલીના બ્રેસ્ટો કૅન્વાસમાં પણ 10 ટકાનો વધારે થયો છે. દોઢ બાય બે ફૂટનું પેઈન્ટિંગ કરવા માટે મારે એક વર્ષ પહેલાં 4થી 5 હજારનો ખર્ચ થતો જ્યારે હવે 6થી 10 હજારનો ખર્ચ થાય છે. - નબીબક્ષ મન્સૂરી, આર્ટિસ્ટ
પહેલા 1700 રૂપિયા મળતું કૅન્વાસ હવે 2500માં મળે છે
હું સામાન્ય રીતે વૉટર કલર અને ઓઈલ ઓન કૅન્વાસમાં કામ કરું છું. અગાઉ પાંચ ફૂટ બાય 5 મીટરનો કૅન્વાસનો રોલ 1700માં મળતો જે હવે 2500માં મળે છે. જોકે, આર્ટિસ્ટને મન ભાવ વધારો નિસ્બત કરે છે પણ જેઓ પેશન સાથે આર્ટમાં આગળ વધવા માગે છે તેઓ કોઈ પણ ભોગે પેઈન્ટિંગ કરશે જ. - ભૈરવી મોદી, આર્ટિસ્ટ
લોકલ-ઇમ્પોર્ટેડ બ્રાન્ડના કલરમાં 20-25 ટકાનો વધારો
દરેક ક્ષેત્રની જેમ આર્ટ મટીરિયલમાં પણ ભાવ વધારો થયો છે. પેઈન્ટિંગ માટે ઉપયોગમાં લેવાતા ઈમ્પોર્ટેડ-લોકલ બ્રાન્ડના રંગોમાં 20થી 25 ટકાનો ભાવ વધારો જોવા મળ્યો છે જ્યારે કેનવાસમાં પણ 20 ટકા વધારો થતા કેટલાક આર્ટિસ્ટ મટીરિયલમાં કોમ્પ્રોમાઈઝ કરીને આર્ટ ક્રિએશન કરે છે. - અતુલ વઘાસિયા, નમન કલાસામગ્રી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.