વિકસિત રાજ્ય ગણાતા ગુજરાતના 33 જિલ્લાઓમાંથી 20 જિલ્લાઓ એટલે કે 61 ટકા જિલ્લાઓ શૈક્ષણિક રીતે પછાત છે. ઉત્તર ગુજરાતના તમામ ચાર જિલ્લાઓ શૈક્ષણિક રીતે પછાત છે. મધ્ય ગુજરાતમાં 3 જિલ્લાઓ જ્યારે દક્ષિણમાં 5 જિલ્લાઓ શૈક્ષણિક પછાત છે. રાજ્યમાં કુલ જિલ્લાઓમાં પછાત જિલ્લાઓની ટકાવારી મુજબ, રાજસ્થાનમાં 91 ટકા જિલ્લા શૈક્ષણિક પછાત છે. મધ્યપ્રદેશમાં 75 ટકા, તમિલનાડુમાં 71 ટકા, બિહારમાં 66 ટકા છે. ઉત્તરપ્રદેશમાં 56 ટકા છે. ગુજરાતની સ્થિતિ દેશમાં ટકાવારીમાં છઠ્ઠા ક્રમે છે. જોકે, ગુજરાતની સ્થિતિ ઉત્તરપ્રદેશ કરતાં ખરાબ છે.
આ માહિતી લોકસભામાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા આપવામાં આવી હતી. તેમના જણાવ્યા મુજબ, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની એક્સપર્ટ કમિટી દ્વારા દેશમાં કુલ 374 જિલ્લાઓને શૈક્ષણિક રીતે પછાત જિલ્લા તરીકે નક્કી કરવામાં આવ્યા હતા. કમિટીએ ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો, કોલેજ-પોપ્યુલેશન રેશિયો, પ્રતિ કોલેજ સરેરાશ એનરોલમેન્ટ વગેરે જેવા પેરામીટરને આધારે આ જિલ્લાઓની ઓળખ કરવામાં આવી હતી.
રાજ્યમાં ઝોનવાઇઝ શૈક્ષણિક રીતે પછાત જિલ્લા
ઉત્તર ઝોનઃ બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ
કચ્છ ઝોનઃ કચ્છ
સૌરાષ્ટ્ર ઝોનઃ અમરેલી, ભાવનગર, જામનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર
મધ્ય ઝોનઃ દાહોદ, ખેડા, પંચમહાલ,
દક્ષિણ ઝોનઃ ભરૂચ, સુરત, ડાંગ, વલસાડ, નર્મદા
રાજસ્થાનમાં સૌથી વધુ જિલ્લા શૈક્ષણિક પછાત
રાજ્ય | કુલ જિલ્લા | શૈક્ષણિક પછાત | ટકા |
રાજસ્થાન | 33 | 30 | 91 |
મધ્યપ્રદેશ | 52 | 39 | 75 |
તમિલનાડુ | 38 | 27 | 71 |
બિહાર | 38 | 25 | 66 |
કર્ણાટક | 31 | 20 | 64 |
ગુજરાત | 33 | 20 | 61 |
ઉત્તરપ્રદેશ | 75 | 41 | 56 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.