AMCનું નિરીક્ષણ:AMCના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સહિત 20 અધિકારીઓ સુરતમાં સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદને તાજેતરમાં જ સ્વચ્છ શહેરનો એવોર્ડ મળ્યો છે. પરંતુ શહેરમાં ઠેર ઠેર ગંદકી જોવા મળે છે સ્વચ્છતાના નામે ક્યાંક ને ક્યાંક ધુપ્પલ ચાલતું હોય મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા માટે સતત ના આપવામાં આવી રહી છે, ત્યારે હવે અમદાવાદ શહેરના સફાઈના ધોરણે સુધારવા માટે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટરો સુરત શહેરમાં થતી સફાઈની કામગીરીનો અભ્યાસ કરવા માટે એક દિવસની સુરત સ્ટડી ટુર પર જશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકે એમ. થેન્નારસન આવ્યા ત્યારથી શહેરના જુદા જુદા વિસ્તારોની મુલાકાત લેવાનુ શરૂ કર્યુ છે. આ મુલાકાત દરમિયાન રોડ અને સફાઇમાં બેદરકારી તેમજ ઠેર ઠેર ગંદકી જણાઇ આવી હતી. રોડ, પાણી, ગટર, લાઇટ સહિતની કામગીરી પણ સંતોષકારક લાગી હતી. મેગાસિટી અને સ્માર્ટ સિટી જેવા જાતજાતના બિરૂદ મેળવનારા અમદાવાદ શહેરને સ્વચ્છતાના મામલે પણ અગ્રેસર લઇ જવા માંગતા કમિશનર એમ.થેન્નારસને 12 આસિસ્ટન્ટ કમિશનર અને સોલિડ વેસ્ટ ખાતાના ડે.ડાયરેક્ટર તથા 7 આસિસ્ટન્ટ ડાયરેક્ટરને સુરત જઇ સ્વચ્છતા સબંધિત કામગીરી જોઇ આવવાનો આદેશ કર્યો છે. એટલુ જ નહીં કમિશનરે આ તમામ અધિકારીઓને શુક્રવારે જ સુરત રવાના કરી દીધા હતા.

મ્યુનિ. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ તમામ અધિકારીઓ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન જશે. સુરતમાં રાત્રિ સફાઇ, સવારે રોડ સફાઇ, ડોર ટુ ડોર વેસ્ટ કલેકશન સિસ્ટમ, એકત્ર કરાયેલાં કચરાના સેગ્રીગેશનની કામગીરી વગેરેનો અભ્યાસ કરશે અને તેમાંથી પ્રેરણા લઇને અમદાવાદમાં સફાઇની કામગીરીમાં સુધારો કરાવશે, જેના આધારે આગામી સ્વચ્છ સર્વેક્ષણમાં અમદાવાદ શહેર વધુ સ્વચ્છ બને તે માટે આયોજન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...