તસ્કરી:અમદાવાદના ઉસ્માનપુરામાં વેપારીના ઘરમાંથી 20 લાખની ચોરી, વેપારી રક્ષાબંધન ઊજવવા દિલ્હી ગયા હતા

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

ઉસ્માનપુરામાં પંચશીલ સોસાયટી ખાતેના એક બંગલામાંથી રોકડા રૂ.20 લાખની ચોરી થતા પોલીસ દોડતી થઈ છે. રક્ષાબંધન ઊજવવા માટે વેપારી પરિવારના સભ્યો સાથે ફોઈના ઘરે દિલ્હી ગયા હતા. આ 5 દિવસ દરમિયાન બંગલાના પાછળના ભાગમાં આવેલા બેડરૂમની બારી ખોલી દીવાલથી અલગ કરીને તસ્કરો બંગલામાં ઘૂસી આવ્યા હતા.

ઉસ્માનપુરામાં પંચશીલ સોસાયટીમાં સંયુક્ત પરિવારમાં રહેતા અને અમદાવાદ-મહેસાણા હાઈવે ઉપર મિલ્ટન્ટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં ડિરેક્ટર ભૌમિક અભયકુમાર જૈન (ઉં. 28) 23મી ઓગસ્ટે પત્ની-દાદી સહિત પરિવારના સભ્યો સાથે રક્ષાબંધન ઊજવવા માટે ફોઈના ઘરે દિલ્હી ગયા હતા. આ દરમિયાન 27 ઓગસ્ટે સવારે 7.30 વાગ્યે બંગલામાં સફાઈ કામ કરવા આવેલા શાંતિલાલભાઈએ ભૌમિકના પિતાને બંગલામાં ચોરી થઈ હોવાની જાણ ફોનથી કરી હતી. આથી ભૌમિક અમદાવાદ આવી પહોંચ્યા હતા અને તપાસ કરી તો બેડરૂમની લાકડાની ફ્રેમવાળી કાચની બારીના મજાગરા સાથે દીવાલમાંથી અલગ કરી ચોર બંગલામાં ઘૂસી આવ્યા હોવાનું જણાયું હતું.

ચોરોએ એક રૂમના કબાટમાં ભૌમિકનાં માતા અને દાદીએ મૂકેલા 15 લાખ અને બીજા બેડરૂમના કબાટમાંથી ભૌમિકનાં પત્નીના 5 લાખની ચોરી કરી હતી. આ અંગે ભૌમિકભાઈએ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...