ગુનાખોરી સાથે સંકળાયેલા અને જોખમી કામ કરનારા મૃતકની માતાએ કરેલ વીમાનો કલેઇમ ગ્રાહક તકરાર નિવારણ પંચે નામંજૂર કર્યો છે. કેસની તપાસમાં મૃતક યુવક વિરુદ્ધ બકરી ચોરીની બે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. અને જ્યારે વીમો લીધો ત્યારે પ્રપોઝલ ફોર્મમાં પોતે જોખમી કે ગુનાઈત કામ કરતો હોવાની વિગતો છુપાવી હતી. આ કારણે તેના વીમાનો કલેઇમ નામંજૂર કરવાનો વીમા કંપનીનો નિર્ણય પંચે મંજૂર રાખ્યો હતો.
શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી માતાએ ગ્રાહક તકરાર નિવારણ પંચમાં ફરિયાદ કરી હતી. જેમાં એવી રજૂઆત કરાઇ હતી કે, પુત્રના નામે એચડીએફસી સ્ટાન્ડર્ડ લાઇફ ઈન્સ્યોરન્સ કંપની પાસેથી વર્ષ 2012 માં રૂ.20 લાખ અને રૂ. 2.98 લાખની બે વીમા પોલિસી લીધી હતી. 2014માં પુત્રનું અવસાન થતાં તેના ડેથ કલેઇમ વીમા કંપનીએ આપવાનો ઇનકાર કરી દીધો છે.
ડેથ કલેઇમ વીમા કંપનીએ આપવાનો ઇનકાર કરી દીધો
વીમા કંપની તરફથી રજૂઆત કરાઇ હતી કે, વીમા પોલિસીના પ્રપોઝલ ફોર્મમાં તમે જોખમી કામ કરતા નથી ને એવી કોલમ આવે છે. જે કોલમમાં મૃતક વ્યક્તિએ એ કોલમમાં આ બાબત જાહેર કરી નહોતી. અને પોલિસી લીધાના ટૂંકા ગાળામાં તેમનું અવસાન થયું હતું. આથી વહેલો ડેથ કલેઇમ આવતા વીમા કંપનીએ તપાસ હાથ ધરી હતી. જેમાં ઘટસ્ફોટ થયો હતો કે, મૃતક વિરુદ્ધ બકરી ચોરીની બે પોલીસ ફરિયાદો નોંધાઈ હતી. ગુનાખોરી સાથે સંકળાયેલો હોવા છતાં મૃતકે તે વાત છુપાવી હતી. જે અયોગ્ય અને ગેરકાયદે કહી શકાય.
કેસમાં મૃતકે સત્ય હકીકતો છુપાવી વીમાના કરારનો ભંગ કર્યો
ગુનાખોરી કરતી વખતે લોકોના હાથે પકડાય તો પણ મારના કારણે મોત નીપજી શકે છે. ગુનાખોરી કરતી વખતે ભાગતા અકસ્માત પણ થઇ શકે છે. વીમાનો કરાર વિશ્વાસ અને ઋણ આધારિત છે. પ્રપોઝલ ફોર્મમાં સત્ય હકીકતો દર્શાવી હોય તો વ્યક્તિનું જોખમ પોલિસી હેઠળ આવરી લેવાતી હોય છે. આ કેસમાં મૃતકે સત્ય હકીકતો છુપાવી વીમાના કરારનો ભંગ કર્યો છે.
મૃતકે પ્રપોઝલ ફોર્મમાં ગુનાની વિગતો છુપાવી હતી : પંચ
ગ્રાહક તકરાર નિવારણ પંચે દાવો રદ કરતા જણાવ્યું હતું કે, પોલીસ તપાસના કાગળો, ચાર્જશીટ, તપાસ અધિકારીનો રિપોર્ટ જોતા સ્પષ્ટ થાય છે કે, મૃતક વ્યક્તિ ગુનાખોરીમાં સંડોવાયેલો હતો. આથી આવા લોકોનું જીવનું જોખમ અન્ય વ્યક્તિઓ કરતા વધુ હોય છે. મૃતકે વીમાના પ્રપોઝલ ફોર્મમાં સત્ય હકકીતો છુપાવી હોવાથી વીમા કંપનીએ દાવો નામંજૂર કર્યો હતો. તે યોગ્ય હોવાથી મૃતકની માતાની ફરિયાદ રદ કરી નાખી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.