કામગીરી:2 હજાર વિદ્યાર્થીને સમજાવીને માધ્યમિકમાં પ્રવેશ અપાવાયો, અમદાવાદ ગ્રામ્યના ડીઈઓ દ્વારા આ અભિયાન હાથ ધરાયું

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રાથમિક બાદ માધ્યમિકમાં ડ્રોપ રેશિયો ઘટાડવા માટે પ્રયાસ

અમદાવાદની પ્રાથમિક સ્કૂલમાંથી માધ્યમિક સ્કૂલમાં પ્રવેશ ન મેળવેલા વિદ્યાર્થીઓને અને તેમના પરિવારને સમજાવીને 2 હજાર જેટલા વિદ્યાર્થીઓના એડમિશન હાઇસ્કૂલમાં કરાવાયા છે. જીલ્લામાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલના આચાર્યોને સાથે રાખીને એક અઠવાડિયું પ્રવેશ માટેનું અભિયાન ચલાવાયું હતું.

ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક સ્કૂલમાંથી માધ્યમિક સ્કૂલમાં દાખલ થનારા વિદ્યાર્થીઓનું ઓછું પ્રમાણ છે. જેનું મુખ્ય કારણ ટ્રાન્સપોર્ટેશનની અપૂરતી વ્યવસ્થા અને દૂરના અંતરે હાઇસ્કૂલ હોવાથી વાલીઓ બાળકોને મોકલે છે, પરંતુ બાળકીઓને મોકલતા સંકોચ અનુભવે છે.

અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિકમાંથી માધ્યમિકમાં દાખલ થનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થાય તે માટે ગ્રામ્ય ડીઇઓ કચેરીએ ખાસ અભિયાન શરૂ કરાયું હતું. જે અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલના આચાર્ય અને શિક્ષકોએ જે વિદ્યાર્થીએ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરીને માધ્યમિકમાં એડમિશન લીધું ન હોય તેવા બાળકોના ઘરે જઇને તેઓને પ્રવેશ માટે સમજાવ્યા હતા. શિક્ષકોના પ્રયત્નોથી આવા 2 હજાર વિદ્યાર્થીઓને શોધીને તેમના વાલી સાથે વાત કરી તેમને સમજાવીને માધ્યમિકમાં પ્રવેશ કરાવ્યો હતો.

વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે ઉદ્દેશ
કોઇ વિદ્યાર્થીનો અભ્યાસ બગડે નહીં તે અમારો ઉદ્દેશ છે. પ્રાથમિક સ્કૂલના જે બાળકોએ માધ્યમિક સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો ન હતો, તેઓના ઘરે ઘરે જઇને શિક્ષકોએ વિદ્યાર્થી-વાલી સાથે વાત કરી, સમસ્યાનું સમાધાન શોધ્યું હતું. આ અભિયાન અંતર્ગત 2 હજાર જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યો છે. - રાકેશ વ્યાસ, ડીઇઓ, અમદાવાદ ગ્રામ્ય

અન્ય સમાચારો પણ છે...