ભાસ્કર એક્સક્લૂસિવUP પોલીસનું મિશન અતીક અહેમદ:UPથી શુક્રવારે 2 આઈસર પ્રિઝનરવાન અને ઓફિસર્સની બોલેરો નીકળી, પોલીસને છેલ્લે સુધી ખબર નહોતી કે ક્યાં જવાનું છે

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: ચેતન પુરોહિત
  • કૉપી લિંક

ઉત્તર પ્રદેશના કુખ્યાત ગેંગસ્ટર અને રાજનીતિજ્ઞ રહેલા અતીક અહેમદને સાંજે અમદાવાદ જેલમાંથી પ્રયાગરાજ લઈ જવામાં આવી હતી. બાયરોડ તેને લઈ જવા માટે હાઈ સિક્યુરિટી ગોઠવવામાં આવી હતી. તેમાં ઉત્તરપ્રદેશ પોલીસની આઇસર પ્રિઝનરવાન અને અધિકારીઓનાં વાહનો અતીક અહેમદને લેવા અહીં આવી પહોંચ્યાં હતાં. આજે સવારે યુપી પોલીસ 9:30 વાગ્યે અમદાવાદ સાબરમતી જેલ પર પહોંચી હતી. જોકે, 40 જેટલા પોલીસકર્મીઓને એ વાતની જાણસુદ્ધાં પણ ન હતી કે તેઓ ક્યાં જઈ રહ્યા છે અને શું કરવાનું છે.

બોલેરામાં સવાર PI અને PSI કક્ષાના અધિકારી
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે શુક્રવારે બપોરે ઉત્તર પ્રદેશ પોલીસની ટીમને એક ફોન આવ્યો હતો કે, બધા તાત્કાલિક પ્રયાગરાજના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પહોંચે. ત્યારબાદ કોઈને ખબર ન હતી કે શા માટે આ બધું થઈ રહ્યું છે. યુપી પોલીસના 30થી વધુ પોલીસ જવાનો હથિયારો સાથે આઇસર પ્રિઝનરવાનમાં બેસી ગયા હતા. તેમની સાથે એક બોલેરો કાર પણ હતી. જેમાં પીઆઇ અને પીએસઆઇ કક્ષાના અધિકારી હતા. માત્ર અધિકારીઓને જ ખબર હતી કે ક્યાં જવાનું છે.

ગુજરાતમાં આવી ગયા છતાં કંઈ ખબર ન હતી
રસ્તામાં વાહનો આગળ ચાલતાં ગયાં અને પોલીસને તેમ છતાં ખબર ના પડી ક્યાં જવાનું છે. ઉત્તર પ્રદેશ પોલીસની ગાડીઓ ગુજરાતની હદમાં આવી તેમ છતાં પણ અતીક અહેમદને લઈ જવાના છે તે વિગતો સ્પષ્ટ થઈ ન હતી. રવિવારે સવારે 9:30 વાગે યુપી પોલીસની ગાડી સાબરમતી જેલ પર પહોંચી હતી. સાબરમતી સેન્ટ્રલ જેલના હાઇસિક્યુરિટી ઝોનમાં અતીક અહેમદને રાખવામાં આવ્યો હતો. ત્યાં યુપી પોલીસની ટીમ ટ્રાન્સફર વોરંટ લઈને પહોંચી હતી. અતીક અહેમદ પર 268 હેઠળ જેલની બહાર નહીં લઈ જવા માટે કાર્યવાહી થઈ હતી. પણ હવે તે રિવોક કરવામાં આવી અને તેને હવે ઉત્તર પ્રદેશ લઈ જવાનો તખ્તો તૈયાર થઈ ગયો છે.

અતીકને 2019માં સાબરમતી જેલમાં લાવવામાં આવ્યો હતો
જૂન 2019માં અતીકને સાબરમતી જેલમાં ખસેડવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે 22 એપ્રિલ 2019 ના રોજ આદેશ આપ્યો હતો કે અતીકને દેવરિયા જેલમાંથી ગુજરાતની ઉચ્ચ સુરક્ષા જેલમાં ખસેડવામાં આવે. અતીક પર રિયલ એસ્ટેટ બિઝનેસમેન મોહિત જયસ્વાલનું અપહરણ અને હુમલો કરવાનું કાવતરું ઘડવાનો આરોપ હતો.

જેલમાં કેદ અતીક વોટ્સએપ દ્વારા સંપર્કમાં રહેતો હતો

UPના ઉમેશ પાલ હત્યાકાંડમાં છેલ્લા 24 કલાકમાં 3 મોટા ખુલાસાઓ થયા છે. પ્રથમ- પ્રયાગરાજમાં ઉમેશની હત્યા માટે 6 નહીં, 13 શૂટર પહોંચ્યા હતા. તેમાંથી 7 પાછળથી રાહ જોઈ રહ્યા હતા. બીજો- હત્યાનું કાવતરું મુસ્લીમ હોસ્ટેલમાં ઘડવામાં આવ્યું હતું. ત્રીજુ- કાવતરામાં મુખ્ય ભુમિકા અમદાવાદની સાબરમતી જેલમાં કેદ અતીક અહેમદ અને તેનો ભાઈ અશરફની હતી. અશરફ બરેલીની જેલમાં કેદ છે. જેલમાં રહીને જ બંને વોટ્સએપ કોલ દ્વારા જ પોતાના સાગરીતો સાથે સંપર્કમાં રહેતા હતા.

આ ખુલાસો અલ્હાહાદ હાઈકોર્ટનો વકીલ અને હત્યામાં સામેલ સદાકત ખાને પૂછપરછ દરમિયાન કર્યો છે. પ્રયાગરાજના પોલીસ કમિશ્નર રમિત શર્માએ જણાવ્યું હતું કે સદાકતની STFએ ગોરખપુરથી ધરપકડ કરી હતી. તે નેપાળ ભાગી જવાની તૈયારીમાં હતો. સદાકત અલ્હાહાદ યુનિવર્સિટીની મુસ્લિમ બોર્ડિગ હોસ્ટેલના રુમ નં-36માં ગેરકાયદે રીતે રહેતા હતો. આ જ રુમમા ઉમેશ પાલની હત્યા માટેનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.

ઉમેશ હત્યા કેસને એક મહિનો થવા છતાં હજુ પાંચ આરોપીઓ ફરાર
24 ફેબ્રુઆરીની સાંજે પ્રયાગ રાજમાં ઉમેશ પાલની હત્યા કરવામાં આવી હતી. આરોપીઓમાં, ગેંગના મોસ્ટ વોન્ટેડ અતીકનો પુત્ર અસદ અને તેનો શાર્પ શૂટર હજુ પણ પોલીસથી દૂર છે. આ લોકોએ ગેટ ખોલ્યા બાદ કારમાંથી નીચે ઉતરતા જ ઉમેશ પાલને ગોળીઓ અને બોમ્બથી મારી નાખ્યા હતા.

યોગીએ કહ્યું હતું- માફિયાને માટીમાં ભેળવી દઈશું

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વિપક્ષના નેતા અખિલેશ યાદવે શનિવારે રાજ્ય વિધાનસભામાં જોરદાર ચર્ચા થઈ હતી. CM યોગીએ સદનમાં કહ્યું, 'અમે માફિયાઓની વિરુદ્ધ છીએ, અમે તેમને માટીમાં ભેળવી દઇશું. અમે કોઈ માફિયાને છોડીશું નહીં. તેમણે કહ્યું હતું કે સપાએ જ અતીક અહેમદને આશ્રય આપ્યો હતો. ગુનેગારને સાંસદ બનાવો અને પછી તમાશો કરો. મુખ્યમંત્રીએ કહ્યું કે સપા માફિયાઓનું પાલનપોષણ કરનાર છે. રાજુ પાલ હત્યા કેસમાં દોષિત અતીક અહેમદને સપાએ ધારાસભ્ય તરીકે આશ્રય આપ્યો હતો.

ઓવૈસી બે વર્ષ પહેલાં અમદાવાદ આવ્યા ત્યારે અતીકને જેલમાં મળવા માગતા હતા
ઓલ ઈન્ડિયા મેજલિસ-એ-ઈત્તેહાદ-ઉલ-મુસ્લિમીન (AIMIM)ના ચીફ અસદુદ્દીન ઓવૈસી બે વર્ષ પહેલાં ગુજરાત મુલાકાતે આવ્યા ત્યારે તેઓ સાબરમતી જેલમાં બંધ ઉત્તરપ્રદેશના માફિયા ડોન અતીક અહમદ સાથે મુલાકાત કરવા માગતા હતા, પરંતુ જેલ પ્રશાસને આ મુલાકાત માટે ઈનકાર કર્યો હતો. પ્રશાસને કહ્યું છે કે અતીક માત્ર પરિવારના સભ્યો અથવા તેમના ઓફિશિયલ વકીલ સાથે જ મુલાકાત કરી શકે છે. યુપીમાં અતીક અહમદની આગળ બાહુબલી શબ્દ લગાડવામાં આવે છે અને 17 વર્ષની ઉંમરે જ તેના પર મર્ડરનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

દેશના રાજકારણમાં ઘણા લોકો એવા છે, જે ખૂબ નાની અથવા માફિયાની દુનિયામાંથી નીકળીને આવ્યા હોય. અમુક લોકોએ નેતા બન્યા પછી તેમની છબિ સુધારી લીધી છે, પરંતુ યુપીના રાજકારણમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર અતીક અહમદે તેની છબિ સાથે કોઈ સમજૂતી કરી નથી. તે ત્રણ દશકા પહેલાં જેવો હતો તેવો જ આજે છે. તે માથા પર સફેદ રૂમાલની પાઘડી પહેરે છે અને આજે પણ તેના નામની આગળ બાહુબલીનું ઉપનામ લાગે છે.અતીક સપામાંથી ટિકિટ લઈ બેવાર ધારાસભ્ય બન્યો હતો.

મર્ડર, ખંડણી, અપહરણ જેવા આરોપ છે અતીક પર
અતીક અહમદનો જન્મ 10 ઓગસ્ટ 1962માં શ્રાવસ્તી જનપદમાં થયો હતો. અભ્યાસમાં તેને કોઈ ખાસ રસ નહોતો, તેથી તેણે હાઈસ્કૂલમાં નપાસ થયા પછી અભ્યાસ છોડી દીધો હતો. ઘણા માફિયાઓની જેમ અતિક પણ ગુનાહિત દુનિયામાંથી રાજકારણમાં આવ્યો છે. પૂર્વાંચલ અને અલાહાબાદમાં ખંડણી, અપહરણ જેવા ઘણા કેસમાં તેનું નામ આવ્યું છે. 1979માં માત્ર 17 વર્ષની ઉંમરે અતીક અહમદ પર મર્ડરનો આરોપ લાગ્યો હતો. અત્યારે હાલ નાના-મોટા થઈને તેની સામે 196 ફરિયાદ કરવામાં આવી છે.તેની સામે ઉત્તરપ્રદેશના લખનઉ, કૌશામ્બી, ચિત્રકૂટ, અલાહાબાદમાં જ નહીં, પરંતુ બિહારમાં પણ મર્ડર, અપહરણ, જબરદસ્તી વસૂલી જેવા કેસ નોંધાયેલા છે. તેની વિરુદ્ધમાં સૌથી વધુ અલાહાબાદમાં કેસ નોંધાયેલા છે. કાનપુરમાં પણ તેની સામે પાંચ કેસ નોંધાયેલા હતા, જેમાંથી તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે.

રાજકારણમાં પહેલું પગલું
ગુનાની દુનિયામાં નામ કમાઈ ચૂકેલા અતીકને સમજાઈ ગયું હતું કે સત્તાની તાકાત કેટલી મહત્ત્વની હોય છે. તેથી તેણે રાજકારણમાં આવવાનું નક્કી કર્યું. વર્ષ 1989માં તે પહેલીવાર અલાહાબાદ વિધાનસભા સીટથી ધારાસભ્ય બનેલો. તેણે 1991 અને 1993માં અપક્ષમાં રહીને ચૂંટણી લડી અને ધારાસભ્ય પણ બન્યો. 1996માં આ જ સીટ પર તેને સમાજવાદી પાર્ટીએ ટિકિટ આપી અને તે ફરી ધારાસભ્ય બન્યો. અતીક અહમદ 1999માં અપના દળ પાર્ટીમાં જોડાયો. તે પ્રતાપગઢથી ચૂંટણી લડ્યો અને હારી ગયો. તે 2002માં આ જ પાર્ટીમાંથી ફરી ધારાસભ્ય બન્યો. 2003માં જ્યારે યુપીમાં સરકાર બની ત્યારે અતીકે ફરી મુલાયમ સિંહનો હાથ પકડ્યો. 2004ની લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ તેને ફૂલપુર સંસદીય વિસ્તારમાંથી ટિકિટ આપી અને તે ત્યાંનો સાંસદ બન્યો. ઉત્તરપ્રદેશની સત્તા મે 2007માં માયાવતીના હાથમાં આવી ગઈ. તેના બધા નિર્ણયો ખોટા પડવા લાગ્યા. તેની સામે એક પછી એક કેસ નોંધાવા લાગ્યા હતા.

આ રીતે મેસેજ પહોંચાડતો હતો અતીક
અતીક અહમદનું વધુ એક રહસ્ય પણ ઘણું રસપ્રદ છે. તેણે ચૂંટણી દરમિયાન ફંડ ક્યારેય ફોન કરીને કે કોઈને ડરાવી ધમકાવીને નથી લીધું, પરંતુ શહેરના પોશ વિસ્તારમાં બેનર લગાવે છે અને એમાં લખ્યું હોય છે કે તમારો પ્રતિનિધિ તમારી પાસેથી સહયોગની અપેક્ષા રાખે છે. મત આપો અને ગરીબને જિતાડો. બનેરમાં લખેલા શબ્દો વાંચીને લોકો અતિકના ઘરે ફંડ મોકલાવી દેતા. એટલું જ નહીં, તે તેના ખાસ માણસને મેસેજ આપવા માગતો હોય તો તે વિવિધ ન્યૂઝપેપરમાં જાહેરાત આપતો હતો, જેમાં લખ્યું હતું કે શું કરવું છે અને શું નથી કરવાનું.

તે 2004માં વિધાનસભા ચૂંટણીમાં ફૂલપુરથી સપાની ટિકિટ પર સાંસદ બની ગયો હતો. એ સિવાય અલાહાબાદ પશ્ચિમ વિધાનસભા સીટ ખાલી થઈ ગઈ હતી. સીટ પર પેટાચૂંટણી થઈ, સપાએ અતીકના નાના ભાઈ અશરફને ટિકિટ આપી હતી, પરંતુ તેનો ડાબો હાથ કહેવાતા બસપાએ તેની સામે રાજુ પાલને ઊભો કરી દીધો હતો. રાજુએ અશરફને હરાવી દીધો. પેટાચૂંટણીમાં જીત નોંધાવીને પહેલીવાર ધારાસભ્ય બનેલા રાજુ પાલે અમુક મહિનાઓ પછી 25 જાન્યુઆરી 2005માં ધોળા દિવસે ગોળી મારીને તેની હત્યા કરી દીધી હતી. આ હત્યાકાંડમાં સીધી રીતે સાંસદ અતીક અહમદ અને તેના ભાઈ અશરફને આરોપી બનાવવામાં આવ્યા હતા. માયાવતીના ડરના કારણે અતીકે દિલ્હીમાં સરન્ડર કર્યું હતું.

નેતાજીએ પાર્ટીમાંથી કાઢ્યો
બસપાના ધારાસભ્ય રાજુ પાલની હત્યામાં નામજોગ આરોપી થયા પછી પણ અતીક સાંસદ તરીકે કાર્યરત હતો. એને કારણે ચારેય બાજુ તેની ઘણી નિંદા થઈ હતી અને અંતે મુલાયમ સિંહે ડિસેમ્બર 2007માં બાહુબલી સાંસદ અતીક અહમદને પાર્ટીમાંથી બહાર કાઢી નાખ્યો હતો. અતીકે રાજુ પાલ હત્યાકાંડના સાક્ષીઓને ડરાવવા-ધમકાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ મુલાયમ સિંહની સત્તા જવાના કારણે અને માયાવતીની સત્તા આવવાને કારણે તે સફળ ના થઈ શક્યો. ધરપકડના ડરને કારણે તે ભાગતોફરતો હતો. તેના ઘર, કાર્યાલય સહિત પાંચ જગ્યાની સંપત્તિ કોર્ટના આદેશ પછી જપ્ત કરી લેવામાં આવી હતી. તેની ધરપકડ પર પોલીસે 20 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. સાંસદ અતીકની ધરપકડ માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ માયાવતીના ડરના કારણે તેણે દિલ્હીમાં સરન્ડર કરવાનું વિચાર્યું.

માયાવતી સત્તામાં આવતાં અતીકની હાલત બગડી
માયાવતી સત્તામાં આવતાં અતીકની હાલત ખરાબ થવા લાગી. પોલીસ વિકાસ પ્રાધીકરણના અધિકારીઓએ તેની ખાસ અલીના સિટીને ગેરકાયદે જાહેર કરીને બાંધકામ તોડી પાડ્યું. ઓપરેશન અતિક અંતર્ગત જ 5 જુલાઈ 2007ના રોજ રાજુ પાલ હત્યાકાંડના સાક્ષી ફમેશ પાલે તેની સામે ધુમનગંજ પોલીસ સ્ટેશનમાં અપહરણ અને જબરદસ્તી નિવેદન અપાવવા મામલે ફરિયાદ નોંધાવી હતી. ત્યાર પછી અન્ય ચાર સાક્ષી તરફથી પણ તેની સામે ફરિયાદ નોંધવવામાં આવી હતી. બે મહિનાની અંદર જ અતીક અહમદ સામે અલાહાબાદમાં 9 કૌશામ્બી અને ચિત્રકૂટમાં એક-એક કેસ નોંધવામાં આવ્યો હતો.

અતીક અહમદ ગુજરાતની જેલમાં કેવી રીતે આવ્યો
19 માર્ચ 2017માં યુપીમાં યોગી આદિત્યનાથે મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. તે બે વર્ષ સપામાં ધારાસભ્ય રહ્યો હતો. 26 ડિસેમ્બર 2018માં યુપીના મોટા વેપારી મોહિત જયસ્વાલનું અતિકના માણસોએ ધમકી આપી હતી અને તેનો બધો બિઝનેસ અતીક અહમદના નામે ટ્રાન્સફર કરવા દબાણ કર્યું હતું. મોહિત જયસ્વાલે ડર્યા વગર અતીક સામે કેસ કર્યો. ત્યાર પછી તેને દેવરિયા જેલમાંથી બરેલી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. અંતે, આ કેસની સુનાવણી પહેલા હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી. સુપ્રીમ કોર્ટે આ સુનાવણી સીબીઆઈને સોંપી દીધી અને અતીકને યુપીની બહાર અમદાવાદની સાબરમતી જેલમાં હાઈ સિક્યોરિટીમાં રાખવા માટેનો આદેશ આપ્યો હતો. એ સાથે જ દેવરિયા જેલના 5 કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

જાહેરમાં આવ્યા વિના વાયદા કારોબારમાંથી કરોડોની કમાણી કરી
જેપી સિંહ કહે છે કે, જમીનના વ્યવસાયમાં એક રસ્તો છે કે અમે જમીન ખરીદી અને માલિક પાસેથી સીધી નોંધણી કરાવી. બિલ્ડરોનો બીજો રસ્તો એ છે કે તેઓ કોઈની જમીનના વેચાણ કરાર કરાવી લે છે. અતીકે વાયદાનો વેપાર શરૂ કર્યો. જે ખેડૂતની જમીન તેને ગમતી હતી તેની સાથે વાત કરી. અલ્હાબાદમાં કોઈ અતીકને જમીન આપવાનો ઈન્કાર કરી શકે નહીં.

પોતાના અનુસાર અથવા તેના અનુસાર કિંમત નક્કી કરવામાં આવી હતી અને જ્યારે જમીન વેચવામાં આવી હતી, ત્યારે અતીકના ગુંડા તે ખેડૂત પાસે નોંધણી કરાવીને જમીન વેચતા હતા. તેના હિસ્સાના પૈસા આપી દેતા. આવી સ્થિતિમાં અતીક પડદા પાછળ જ રહેતો.

અતીકનો વાયદાનો ધંધો અલ્હાબાદથી લઈને યુપીના અનેક શહેરોમાં ચાલતો હતો. આ રીતે તેમનું નામ ભંગારના ધંધામાં ચાલ્યું. તે ખૂબ જ ઓછી કિંમતે ભંગાર ખરીદતો અને ઊંચા ભાવે વેચતો. અતીક જ્યાં રેલ્વેમાં ટેન્ડરો મૂકતો હતો ત્યાં બીજું કોઈ ટેન્ડરો મૂકતું ન હતું. આ જ કારણ હતું કે તે દિવસ-રાત કમાતો રહ્યો. આ પૈસાથી તે ગુનાની દુનિયા ચલાવતો રહ્યો અને મોટી ગેંગ બનાવી લીધી.

અતીક અહેમદ: ડર એટલો કે તેની વિરુદ્ધ ચૂંટણી પણ લડતા ડરતા હતા નેતાઓ

વર્ષ 1979ની વાત છે. અલાહાબાદ (હવે પ્રયાગરાજ)ના ચકિયાનો રહેવાસી એક છોકરો 10મા ધોરણમાં નાપાસ થઈ ગયો હતો. પિતા ફિરોઝ ડ્રાઇવિંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આ બધા વચ્ચે 17 વર્ષનો અતિક અહેમદ ગુંડાઓની સંગતમાં પડી ગયો હતો. ત્યારે તેને જલદીથી અમીર બનવું હોય છે. આના જ કારણે તે લૂંટ, અપહરણ અને છેડતી કરવી વગેરે ક્રાઇમ કરવા લાગ્યો હતો. તે જ વર્ષે અતીક પર હત્યાનો કેસ દાખલ થયો હતો.

તે સમયે અલાહાબાદમાં જુની સિટીમાં ચાંદ બાબાનો ડર રહેતો હતો. પોલીસ અને રાજકારણીઓ ચાંદ બાબાથી પરેશાન રહેતા હતા. તેવામાં અતીક અહેમદને બન્નેનો સાથ મળ્યો હતો. 7 વર્ષોમાં તો અતીક ચાંદ બાબાથી પણ વધુ ખતરનાક થઈ ગયો હતો. લૂંટ, અપહરણ અને હત્યા જેવી ખતરનાક ઘટનાઓને સતત અંજામ આપતો હતો.

જે પોલીસ તેને સાચવતી હતી, તેના માટે જ તે હવે કાંટો બની ગયો હતો.

1986માં પોલીસે તેની ધરપકડ કરી હતી. જો કે, અતીક તેની શક્તિનો ઉપયોગ કરે છે અને તે સમયે અલ્હાબાદના કોંગ્રેસી નેતાનો સંપર્ક કરે છે. નેતાજીને દિલ્હી સુધી પહોંચ હતી. કામ થઈ ગયું, દિલ્હીથી ફોન આવ્યો અને અતીક જેલની બહાર હતો.

ગુનાની દુનિયામાં અતીક મોટુ નામ બની ગયું હતું. વર્ષ 1989માં રાજનીતિમાં ઝંપલાવીને શહેરની પશ્ચિમી સીચથી વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. તે વખતે તેનો મુકાબલો તેના કટ્ટર-હરિફ એવા ચાંદ બાબા સાથે થયો હતો. તેવામાં ગેંગવોર તો થવાની જ હતી.

આમાં પણ અતિકે બાજી મારી દીધી હતી અને પોતાની ધાકના કારણે ચૂંટણી જીતી ગયો હતો. થોડા દિવસો પછી ધોળાદિવસે શહેરમાં ચાંદ બાબાની હત્યા થઈ હતી. પછી તો આખું પૂર્વાંચલ અતીકના નામની બોલબાલા થવા લાગી હતી.

વર્ષ 1991 અને 1993માં પણ અતીક બિનહરીફ રીતે ચૂંટણી જીતી ગયો હતો. વર્ષ 1995માં લખનઉના ચર્ચિત ગેસ્ટહાઉસ કાંડમાં પણ અતીકનું નામ સામે આવ્યું હતું. વર્ષ 1996માં સપાની ટિકિટ પરથી ધારાસભ્ય બન્યો હતો. વર્ષ 1999માં અપના દળની ટિકિટથી પ્રતાપગઢથી ચૂંટણી લડ્યો હતો અને હારી ગયો હતો. પછી 2002માં પોતાની જુની સીટ અલ્હાબાદ પશ્ચિમ સીટથી પાંચમી વખત ધારાસભ્ય બન્યો હતો.

ઘણી ખતરનાક ઘટનાઓને અંજામ આપ્યા પછી અતીકનો ખૌફ વધતો જતો હતો. તેનો એટલો ડર વધી ગયો હતો કે અલ્હાબાદ શહેરની પશ્ચિમ સીટ પરથી કોઈપણ નેતા ચૂંટણી લડવા તૈયાર નહોતો થતો. પાર્ટીઓ ટિકિટ આપતા, તો પણ નેતા પરત આપી દેતા હતા. વર્ષ 2004ની લોકસભાની ચૂંટણીમાં અતીક અહેમદે સપાની ટિકિટ પરથી UPની ફૂલપુર સીટથી ચૂંટણી જીતી હતી. તે વખતે અતીક અલ્હાબાદ પશ્ચિમ સીટ પરથી ધારાસભ્ય હતો.

સાંસદ બનવા પર તેણે ધારાસભ્યનું પદ છોડવું પડ્યું હતું. પેટાચૂંટણી થઈ હતી. સપાએ અતીકના નાનાભાઈ અશરફને ઉમેદવાર જાહેર કર્યો હતો. આ વચ્ચે જ અતીકનો જમણો હાથ ગણાતા રાજુ પાલે બસપાની ટિકિટથી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. ઓક્ટોબર 2004માં રાજુ પાલે ચૂંટણી જીતી લીધી હતી. પહેલીવાર અતીકને પોતાના જ વિસ્તારમાં ટક્કર મળી હતી. હવે વાત પ્રતિષ્ઠાની હતી.

ધારાસભ્ય બન્યાના 3 મહિના પછી 15 જાન્યુઆરી 2005ના રોજ રાજુ પાલે પૂજા પાલ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના ઠીક 10 દિવસ પછી એટલે કે 25 જાન્યુઆરી 2005ના રોજ રાજુ પાલની હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યા પાછળ અતીક અહેમદ અને અશરફનું નામ સામે આવ્યું હતું.

વર્ષ 2005માં ધારાસભ્ય રાજુ પાલની હત્યા પછી અતીક અહેમદનો ખરાબ સમય શરૂ થઈ ગયો હતો. વર્ષ 2007માં UPની સત્તામાં પરિવર્તન આવ્યું. માયાવતી મુખ્યમંત્રી બની ગઈ હતી. સત્તા જતી રહ્યા પછી તરત જ સપાએ અતીકને પાર્ટીમાંથી બહાર કરી દીધો હતો. CM બનતા જ માયાવતીએ ઓપરેશન અતીક શરૂ કરી દીધું હતું. 20 હજારનું ઈનામ રાખીને અતીકને મોસ્ટ વોન્ટેડ જાહેર કર્યો હતો.

અતીક અહેમદ પર 100થી વધુ કેસા હોવાના કારણે તેના રાજકરણની કરિયર પર પૂર્વવિરામ મુકાઈ ગયું હતું. 2012ની UP વિધાનસભાની ચૂંટણી વખતે પણ અતીક અહેમદ જેલમાં જ હતો. વર્ષ 2012માં તેણે ચૂંટણી લડવા માટે અલ્હાબાદ હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી. જોકે 10 જજે તેની આ સુનાવણીમાંથી પોતાને જ અલગ કરી દીધા હતા. 11મા જજે સુનાવણી કરી અને અતીક અહેમદને જામીન મળી ગયા હતા.

ચૂંટણીમાં અતીકની હાર થઈ હતી. તેને રાજુ પાલની પત્ની પૂજા પાલે હાર આપી હતી. 2014ની લોકસભાની ચૂંટણીમાં પણ સમાજવાદી પાર્ટીની ટિકિટ પર શ્રાવસ્તી સીટથી ચૂંટણી લડી હતી, પણ BJPના દદ્દન મિશ્રા સામે હાર મળી હતી.

આ પછી 2019ની લોકસભાની ચૂંટણી જેલમાંથી જ લડી હતી. આ ચૂંટણી તેણે નરેન્દ્ર મોદીના મતવિસ્તાર વારાણસીથી લડી હતી અને ડિપોઝીટ જપ્ત થઈ ગઈ હતી.