અમદાવાદના સરખેજ ઝોન અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની કચેરીના ઇન્ચાર્જ ઝોનલ અધિકારીને તેમના મળતિયા સાથે રૂ. 1.35 લાખની લાંચ લેતાં એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)ની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
આ અંગેની વિગત એવી છે કે, સસ્તા અનાજની દુકાન ધરાવતી એક વ્યક્તિની વિરુદ્ધ સરખેજ પોલીસ સ્ટેશનમાં આવશ્યક ચીજવસ્તુઓ ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુના બાબતે તેની વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ) મુજબના અટકાયતી પગલાં લેવાનાં થતાં હતાં. જોકે આ અંગે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, ઝોનલ ઓફિસ સરખેજના ઇન્ચાર્જ ભૂપેન્દ્રકુમાર બાબુભાઈ ચૌધરીએ અટકાયતી પગલાં નહિ લેવા માટે માસિક હપતો આપવાની વાત કરી હતી. આ માટે માસિક રૂ. 1.65 લાખ આપવાની માગણી કરી હતી. જોકે રકઝકને અંતે રૂ.1.35 લાખ આપવાનું નક્કી થયું હતું.
આ દરમિયાન દુકાનધારક લાંચની રકમ આપવા માગતો ન હોવાથી તેણે એન્ટી કરપ્શન બ્યુરો કચેરીનો સંપર્ક કરી સમગ્ર બાબતથી વાકેફ કરીને ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે મદદનીશ નિયામક એ. વી. પટેલના માર્ગદર્શન હેઠળ પીઆઈ એમ. વી. પટેલ અને ટીમે પાલડીમાં મહાલક્ષ્મી પાંચ રસ્તા પાસે આવેલી ચેતન સોસાયટીના બંગલા નંબર-11 સામે લાંચના છટકાનંુ આયોજન કર્યંુ હતું, જેમાં દુકાનધારક પાસે લાંચના રૂ. 1.35 લાખ માગી સ્વીકારતા પુરવઠા અધિકારી ભૂપેન્દ્રકુમાર ચૌધરી અને તેમના મળતિયા અબ્દુલ રઝાક ઉર્ફે રાજુભાઈ દિલાવરભાઈ ચૌહાણને એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે રંગેહાથ ઝડપી લીધા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.