વેપારીની આત્મહત્યા:સાઢુભાઈ સહિત 2 લોકોએ રૂ.6 લાખ પચાવી પાડ્યાં હતા, સ્યૂસાઇડ નોટમાં સાઢુભાઈ સહિત પરિવારના 2 સભ્યનાં નામ લખ્યાં

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જીવરાજ પાર્કના લકવાગ્રસ્ત વેપારીએ ઓફિસમાં ઝેર પી આપઘાત કરી લીધો​​​​​​​

જીવરાજ પાર્કમાં રહેતા લકવાગ્રસ્ત વેપારીએ સરખેજ-સાણંદ રોડ પર આવેલી ઓફિસમાં ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. ત્રણ દિવસથી બંધ ઓફિસમાંથી એકાએક દુર્ગંધ આવતા આસપાસના વેપારીઓએ પોલીસને જાણ કરતાં પોલીસે દરવાજો તોડીને અંદર તપાસ કરતાં ટેબલના ખાનામાંથી ચિઠ્ઠી મળી હતી, જેમાં સાઢુભાઈ સહિત પરિવારના 2 સભ્યો વેપારીનો 6 લાખનો ફાંદો કરી ગયા હોવાનું અને પૈસા નહીં આપવા માટે ધમકી આપતા હોવાથી તેમણે આપઘાત કરી લીધો હોવાનું લખ્યું હતું.

જીવરાજ પાર્કની પવનસૂત સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ લીબાભાઈ પટેલ (ઉં.54) પત્ની જશવંતીબેન અને દીકરી જાનવી સાથે રહેતાં હતાં. 1 વર્ષ પહેલાં પ્રવીણભાઈને લકવો થયો હતો. મંગળવારે બપોરે પ્રવીણભાઈની સરખેજ-સાણંદ રોડ પર આવેલી ઓફિસમાંથી અત્યંત દુર્ગંધ આવતી હોવાથી આસપાસના વેપારીઓએ પોલીસને જાણ કરતાં સરખેજ પીઆઈ એસ. જી. દેસાઈ અને એસીપી વી. જી. પટેલ ઘટનાસ્થળે પહોંચી ઓફિસનો દરવાજો તોડીને જોયું તો પ્રવીણભાઈનો મૃતદેહ પડ્યો હતો, જે ફૂલી ગયેલો અને કહોવાઈ ગયો હતો.

મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યો હતો. જ્યારે પોલીસે ઓફિસમાં તપાસ કરતા ટેબલના ડ્રોઅરમાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી, જેમાં તેમણે સાઢુ ભાઈ સહિત પરિવારના 2 સભ્યોનાં નામ લખ્યાં હતાં. તે સાથે લખ્યું હતું કે, ‘આ લોકો પાસેથી રૂ.6 લાખ લેવાના હતા. તે પૈસા આ બંને જણાં પાછા આપતા ન હતા અને ધાક ધમકી આપતા હતા, જેથી કંટાળીને આપઘાત કરી રહ્યો છું.’

ઓફિસમાંથી મળેલી 2 પાનાની ચિઠ્ઠી ખરેખર તેમણે જ લખી હતી કે નહીં તેમ જ ચિઠ્ઠીમાં કરેલા આક્ષેપોની દિશામાં તપાસ કરાશે. ત્યારબાદ પ્રવીણભાઈનો પરિવાર જો ફરિયાદ આપશે તો પોલીસ દુષ્પ્રેરણાનો ગુનો નોંધશે.

31મીએ વડોદરા જવાનું કહીં ઘરેથી નીકળ્યા હતા
પ્રવીણભાઈ 31 ડિસેમ્બરે સવારે 9.30 વાગે ધંધાના કામથી વડોદરા જવાનું કહીને નીકળ્યા હતા, જો આવતાં મોડું થશે તો વડોદરા જ રોકાઈ જશે અને બીજા દિવસે આવશે તેવું કહીને ઘરેથી નીકળ્યા હતા. ત્યાર બાદ રાતે 9.30 વાગે પ્રવીણભાઈએ પત્નીને ફોન કરીને વડોદરા રોકાયા હોવાની જાણ કરી હતી. ત્યાર બાદ બીજા દિવસથી પ્રવીણભાઈનો ફોન બંધ આવતો હતો.

અન્ય સમાચારો પણ છે...