નિષ્ફળ લૂંટના CCTV:અમદાવાદના વસ્ત્રાપુરમાં બેરોજગાર યુવકે ટ્રેડિંગ કંપનીના કર્મચારીની આંખમાં મરચું નાંખી રૂ. 2 કરોડની દિલધડક લૂંટ કરી, આરોપી પકડાયો

અમદાવાદ6 મહિનો પહેલા
  • આરોપી અંકુર મોડેસરા બેરોજગાર હોવાનું સામે આવ્યું
  • કારમાંથી લૂંટારું બેગ લઈને એક્ટિવા પર નાસ્યો
  • એક્ટિવાને પાછળથી કર્મચારીએ રોકવા પ્રયાસ કર્યા
  • આગળ ઊભેલી પોલીસે લૂંટારુંને ઝડપી પાડ્યો

અમદાવાદ શહેરમાં બપોર બાદ 2 કરોડની લૂંટનો દિલધડક બનાવ બન્યો છે. જેમાં વસ્ત્રાપુર વિસ્તારમાં ધોળા દિવસે ટ્રેડિંગ કંપનીના કર્મચારીની આંખમાં મરચું નાખી અઢી કરોડની લૂંટ થઈ છે. ગ્રો મોર નામની ટ્રેડિંગ કંપનીના કર્મચારીને લૂંટીને લૂંટારુ ભાગ્યો હતો. લૂંટનો દિલધડક બનાવ CCTVમાં કેદ થઈ હતી. જેમાં એક્ટિવા પર બુકાની બાંધીને આવેલો લૂંટારું ગ્રોમોર કંપનીના કર્મચારીની આંખમાં મરચું નાખીને પૈસા ભેરલી બેગની લૂંટ કરીને ફરાર થયો હતો. પરંતુ બહાદુર કર્મચારીએ તેની એક્ટિવા ઝડપી લીધી હતી. આ દરમિયાન અન્ય વેપારીઓ અને પોલીસ પહોંચી જતા લૂંટારું પોલીસ પકડમાં આવી ગયો હતો. પોલીસે આરોપી સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

બેરોજગાર યુવકે લૂંટનો પ્રયાસ કર્યો
પોલીસની પ્રાથમિક તપાસમાં વસ્ત્રાપુર લૂંટ કેસમાં આરોપી અંકુર મોડેસરા ચાંદલોડિયાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે અને તે બેરોજગાર પણ હતો. ગ્રો મોર નામની ટ્રેડિંગ કંપનીના કર્મચારી સુનિલ ચૌહાણ અને સતીશ પટણી રૂપિયા લેવા માટે બેંકમાં ગયા હતા. તેમણે બેંકમાંથી 4 કરોડ રૂપિયા ઉપાડ્યા હતા અને એક થેલો ગાડીમાં હતો. આ દરમિયાન આરોપી અંકુરે તેને લૂંટીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે PSI એમ.એચ રાવલ અને કોન્સ્ટેબલ અવતાર સિંહ સમય પર પહોંચી જતા લૂંટના આરોપી અને રૂપિયા રિકવર થયા હતા.

આરોપી અંકુર મોડેસરાની તસવીર
આરોપી અંકુર મોડેસરાની તસવીર

રેકી કરીને લૂંટને અંજામ આપ્યો
25 વર્ષનો અંકુર ચાંદલોડિયાનો રહેવાસી છે અને આરોપી ગ્રો મોર કંપનીમાં અવારનવાર આવતો જતો હતો. માનવામાં આવી રહ્યું છે કે રેકી કર્યા બાદ બપોરે કર્મચારી સુનિલ ચૌહાણ અને સતિષ પટ્ટણી કંપનીના પૈસા IDBI બેંકમાં પૈસા ઉપડવા નીકળ્યા હતા. ત્યારે અંકુર એક્ટિવા લઈને ત્યાં પહોંચ્યો અને કર્મીની આંખમાં મરચું નાખીને રૂ. 2 કરોડની લૂંટ કરી હતી.

કર્મીએ લૂંટના અંજામને નિષ્ફળ બનાવ્યો, આરોપી ઝડપાયો
અંકુરને ખબર હતી કે કરોડો રૂપિયા બેંકમાં ભરવા અને ઉપાડવા જતા હોય છે. જેથી આરોપીએ પીછો કરીને લૂંટને અંજામ આપ્યો હતો.પરંતું લૂંટ કરીને ભાગે તે પહેલાં જ ઝડપાઇ ગયો હતો. તેવામાં વસ્ત્રાપુરમાં દિન દહાડે લૂંટની ઘટનાએ ફરી કાયદા વ્યવસ્થાને લઈને સવાલ ઉઠાવ્યો છે. ગુનેગારોમાં હવે પોલીસનો ડર નથી રહ્યો તે આ ઘટના પરથી સાબિત થાય છે. પરંતુ કર્મચારી અને પોલીસની સજાગતાથી કરોડોની લૂંટને નિષ્ફળ બનાવાઈ છે. હાલમાં વસ્ત્રાપુર પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

લૂંટના બનાવના સીસીટીવી સામે આવ્યા
અઢી કરોડની લૂંટના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં એક એક્ટિવા પર બૂકાનીધારી લૂંટારું આવે છે. આવીને પાસે રોડ પર કાર પાસે ઊભેલા કર્મચારીની આંખમાં મરચાંની ભૂક્કી નાખે છે. પછી કાર પાછળ જઈને કારનો દરવાજો ખોલે છે અને તેમાંથી રૂપિયા ભરેલો નાણાનો થેલો લઈને નાસી છૂટે છે. ત્યારે જેવો એક્ટિવા પર લૂંટારું નાસવા જાય છે ત્યારે ત્યાં ગાડીની પાસે જેની આંખમાં મરચું નાખ્યું એ કર્મચારી પાછળથી એક્ટિવા પકડી રાખે છે. દરમિયાન બીજા લોકો પણ તેની પાછળ પાછળ ભાગે છે. જો કે પોલીસે લૂંટારુંને પકડી પાડ્યો હતો.

કર્મચારીની આંખમાં મરચું નાખીને લૂંટારુંએ કારમાંથી બેગ ઉઠાવી હતી
કર્મચારીની આંખમાં મરચું નાખીને લૂંટારુંએ કારમાંથી બેગ ઉઠાવી હતી

સમગ્ર બનાવ શું હતો
ગ્રો મોર નામની ટ્રેડિંગ કંપનીના કર્મચારી સુનિલ ચૌહાણ અને સતીશ પટણી બેંકમાં રૂપિયા ઉપાડવા ગયા હતા. તેમણે બેંક નજીક રોડ પર તેણે કાર પાર્ક કરી હતી. કર્મચારી કારમાંથી ઉતરીને ઊભો હોય છે ત્યારે અગાઉથી રેકી કરી હોય તેવી રીતે આરોપી અંકુર કર્મચારીની આંખમાં મરચાંની ભૂક્કી નાંખે છે અને કર્મચારી કંઈ સમજ કે વિચારે એ પહેલા જ કારનો દરવાજો ખોલીને રૂપિયા ભરેલી બેગ લઈને નાસે છે. જો કે, કર્મચારી તેને નાસતો રોકવા પ્રયાસ કર્યો હતો. પછી અન્ય લોકો પણ તેને પકડવા દોડ્યા હતા. પોલીસ આરોપીને પકડી પાડ્યા બાદ આ મામલે રેકી કરી લૂંટનો પ્લાન હતો. અન્ય લોકો આમાં સામેલ છે કે કેમ તે સહિતની દિશામાં તપાસ કરી રહી છે.

ચાર પરપ્રાંતીયોએ વૃદ્ધ દંપતીની હત્યા કરી રોકડ અને દાગીના લૂંટી
પાંચ મહિના પહેલા શાંતિ પેલેસમાં રહેતા અશોકભાઈ અને જ્યોત્સનાબહેનના બંગલામાં ઘૂસી આવેલા 4 લૂંટારુ બંનેની ગળાં કાપી હત્યા કરી ઘરમાંથી રોકડા રૂ.50 હજાર અને દાગીના લૂંટીને ભાગી ગયા હતા. હત્યારાઓને પકડવા ક્રાઇમ બ્રાંચની ટીમોએ 200 કરતાં પણ વધારે સીસીટીવી ચેક કર્યા હતા, જેમાં આરોપીઓ ઓળખાઈ ગયા હતા. ત્યારબાદ 4 આરોપીને ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશના ગ્વાલિયરના ગિઝોરા ખાતેથી ઝડપી લીધા હતા. હત્યા અને લૂંટ કર્યા બાદ ચારેય આરોપીઓ તેમના વતન ભાગી ગયા હતા. ક્રાઇમ બ્રાન્ચની ટીમો તેમની પાછળ તેમના વતન પહોંચી હતી અને વારાફરથી ચારેય આરોપીઓને ઝડપી લીધા હતા.

બેગ લઈને નાસી રહેલા લૂંટારુંને પકડવા કર્મચારીએ એક્ટિવાને પાછળથી પકડી લીધું હતું
બેગ લઈને નાસી રહેલા લૂંટારુંને પકડવા કર્મચારીએ એક્ટિવાને પાછળથી પકડી લીધું હતું

વૈભવી લાઈફ સ્ટાઇલ મેઇન્ટેન કરવા દંપતીએ લૂંટનો પ્લાન ઘડ્યો હતો
એક મહિનો અગાઉ કૃષ્ણનગર વિસ્તારમાં જવેલર્સ શો રૂમમાં લૂંટ કરવા આવેલા દંપતી પકડાઈ ગયા બાદ તે લોકડાઉન અને ગરીબીની વાતો કરતા હતા. પરંતુ ખરેખર પરિસ્થિતિ કંઈક અલગ જ હતી. આ મહિલા કોઈ મજબૂરી માટે નહીં પણ હાઈ પ્રોફાઈલ લાઈફ સ્ટાઇલ માટે લૂંટનો પ્લાન ઘડ્યો હતો. પોલીસને જાણવા મળ્યું કે તેની પાસે 100થી વધુ બ્રાન્ડેડ બુટ-ચપ્પલ છે અને તેનાથી પણ વધુ કપડાં છે. આ બાબતે હાલ પોલીસ સમક્ષ આવતા વધુ તપાસ હાથ ધરી હતી.

વસ્ત્રાપુર ગાર્ડનમાં યુવકને ભરબપોરે છરી બતાવી રૂ.10 હજારની લૂંટ
એક મહિના અગાઉ શહેરમાં આંશિક લોકડાઉન ખુલ્યા બાદ લેક-ગાર્ડન પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે, ત્યારે વસ્ત્રાપુર ગાર્ડનમાં ભરબપોરે એક યુવકને અજાણ્યા શખસે છરી બતાવી લૂંટી લીધો હતો. લૂટારુંએ અંદાજે 8000થી 10000 રૂપિયાની લૂંટ ચલાવી હતી.

અન્ય સમાચારો પણ છે...