ધીમું વેક્સિનેશન:ગુજરાતમાં અત્યાર સુધીમાં વેક્સિનના 2 કરોડ ડોઝ આપવામાં આવ્યા, 8 દિવસથી દરરોજના ટાર્ગેટ કરતા 38 હજાર ઓછા ડોઝ આપ્યા

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
તમામ આંકડા 11 જૂન સુધીના - Divya Bhaskar
તમામ આંકડા 11 જૂન સુધીના
  • 1 કરોડ 55 લાખ પ્રથમ ડોઝ અને 45 લાખ સેકન્ડ ડોઝ આપવામાં આવ્યા
  • ગુજરાત પર મિલિયન રસીકરણમાં સમગ્ર દેશમાં પ્રથમ હોવાનો સરકારનો દાવો

કોરોના રસીકરણ અભિયાનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના દિશા દર્શનમાં ગુજરાતે અપૂર્વ સિદ્ધિ મેળવી છે. આજે(12 જૂન) સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યમાં કોરોના રસીના 2 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ સફળતા પૂર્વકની કામગીરી માટે આરોગ્ય વિભાગના સૌ કર્મીઓને અભિનંદન પાઠવ્યા છે. 2 કરોડ રસીના આ ડોઝમાં આજ સુધીમાં 1 કરોડ 55 લાખ પ્રથમ ડોઝ અને 45 લાખ સેકન્ડ ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્ય સરકારે ગુજરાત પર મિલિયન રસીકરણમાં સમગ્ર દેશમાં પ્રથમ હોવાનો દાવો કર્યો છે.

તમામ આંકડા 11 જૂન સુધીના
તમામ આંકડા 11 જૂન સુધીના

18થી 45 વયજૂથના લોકોને ટાર્ગેટ કરતા 33 હજાર ડોઝ ઓછા આપ્યા
જો કે 3 જૂનના રોજ મુખ્યમંત્રી તમામ 33 જિલ્લામાં 18થી 45ની વયજૂથના લોકોને વેક્સિન આપવાની જાહેરાત કરી હતી. આ સમયે મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે, 4 જૂનથી આ વયજૂથના લોકોને દરરોજ 2 લાખ 25 હજાર ડોઝ આપવામાં આવશે. પરંતુ જ્યારથી તમામ જિલ્લામાં 18થી 45ની વયજૂથના લોકોને વેક્સિન આપવાની શરૂઆત કરી ત્યારથી લઈ 11 જૂન સુધીમાં એટલે કે 8 દિવસમાં 18 લાખ ડોઝને બદલે 15 લાખ 36 હજાર 642 ડોઝ જ આપવામાં આવ્યા છે. આમ સરેરાશ 2.25 લાખ ડોઝ આપવાને બદલે 1 લાખ 92 હજાર 80 ડોઝ આપ્યા છે. આમ સરેરાશ 2 લાખ ડોઝ પણ આપી શકાયા નથી. જે ટાર્ગેટ કરતા 33 હજાર ડોઝ ઓછા છે.

તમામ આંકડા 11 જૂન સુધીના
તમામ આંકડા 11 જૂન સુધીના

18+થી તમામ વયજૂથના લોકોને ટાર્ગેટ કરતા 38 હજાર ડોઝ ઓછા આપ્યા
આ ઉપરાંત મુખ્યમંત્રી રૂપાણીએ 18થી ઉપરના તમામ વયજૂથના લોકોને દરરોજ 3 લાખ ડોઝ આપવાની જાહેરાત કરી હતી. પરંતુ 4 જૂનથી લઈ 11 જૂન સુધીના 8 દિવસમાં 20 લાખ 96 હજાર 136 ડોઝ જ આપવામાં આવ્યા છે. આમ દરરોજ 3 લાખ ડોઝને બદલે માત્ર 2 લાખ 62 હજાર 17 ડોઝ આપવામાં આવી રહ્યા છે. જે ટાર્ગેટ કરતા 38 હજાર ડોઝ ઓછા છે.

કુલ 13.24 લાખ ફ્રન્ટ લાઇન વર્કરને પ્રથમ ડોઝ આપ્યો
આજ દિન સુધી હેલ્થ વર્કર જૂથમાં 6.17 લાખને પ્રથમ ડોઝ અને 4.46 લાખને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. કુલ 13.24 લાખ ફ્રન્ટ લાઇન વર્કરને પ્રથમ ડોઝ તથા 6.54 લાખને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 45થી વધુ ઉંમર ધરાવતા કુલ 99.41 લાખ લોકોને પ્રથમ ડોઝ અને 33.82 લાખ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 18થી 44 વય જૂથના 36.02 લાખ લોકોને પ્રથમ ડોઝ અને 59 હજાર લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

16 જાન્યુઆરીથી શરૂ થયું હતું વેક્સિનેશન
ગુજરાતમાં 16 જાન્યુઆરીથી તબક્કાવાર રસીકરણનો પ્રારંભ થયો હતો. પ્રથમ તબક્કામાં હેલ્થ અને ફ્રન્ટલાઈન વર્કર, 1લી માર્ચથી શરુ થયેલા બીજા તબક્કામાં કોમોર્બીડ અને વૃદ્ધ લોકો, 1લી એપ્રિલથી શરુ થયેલા ત્રીજા તબક્કામાં 45થી વધુ વયના લોકો અને ચોથા તબક્કામાં 18થી 44વયના લોકોને રસી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.