છેતરપિંડી આચરનાર ઝડપાયા:કેનેડાના વિઝાના નામે 30 લોકો પાસેથી એક કરોડની ઠગાઈ કરનારા 2 પિતરાઈ ભાઈઓ ઝબ્બે

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીઓએ નવરંગપુરામાં ચંદન કોમ્પલેક્ષમાં ટ્રાવેલ એજ્યુકેશન નામથી વિઝા કન્સલ્ટિંગની ઓફિસ ખોલી હતી

કેનેડાના વિઝા આપવાના નામે 30 લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ અમદાવાદના નવરંગપુરા પોલીસ મથકમાં નોંધાતા બે ઠગબાજોને પોલીસે ઝડપી પાડ્યા છે. નવરંગપુરા પોલીસે અનંત સુથાર અને રવિ સુથાર નામના આરોપીઓની આ ગુનામાં ધરપકડ કરી છે. બંને આરોપીઓ પિતરાઈ ભાઈ હોવાનું સામે આવ્યું છે.

બંનેએ વિદ્યાર્થી દીઠ લાખો રૂપિયા ખંખેર્યા હતા
આરોપીઓએ વર્ષ 2019માં ટ્રાવેલ એજ્યુકેશન નામની ઓફિસ ખોલી વિદેશમાં વિદ્યાર્થીઓને વર્ક પરમિટ, સ્ટુડન્ટ વિઝા અને ટુર વિઝા આપવાનો દાવો કરી એક વિદ્યાર્થી પાસેથી લાખો રૂપિયા ખંખેરી વર્ક પરમિટ વિઝા, સ્ટુડન્ટ વિઝા અને ટૂર વિઝા ન આપી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હતી. ટ્રાવેલ એજ્યુકેશનની ઓફિસના વર્ષ 2022માં પાટિયા પાડી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

ફરિયાદ મળતાં નવરંગપુરા પોલીસની કાર્યવાહી
વારંવાર વિદ્યાર્થીઓ આરોપીઓની ઓફિસ ખાતે ધક્કા ખાઈ કંટાળતા અંતે નવરંગપુરા પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા હતા અને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આરોપીઓએ હાલ 30 લોકો સાથે ઠગાઈ કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસ હાલ એ તપાસ કરી રહી છે કે આ બંને આરોપી પિતરાઈ ભાઈઓએ કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે.

અનેક વિદ્યાર્થીઓ સાથે 1 કરોડ 58 લાખ 43 હજાર રૂપિયાની છેતરપિંડી આચરી
નવરંગપુરા વિસ્તારમાં સીજી રોડ ખાતેના ચંદન કોમ્પલેક્ષમાં ટ્રાવેલ એજ્યુકેશન નામથી વિઝા કન્સલ્ટિંગની ઓફિસ ખોલી હતી. વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓને કેનેડા,યુએસએ સહિતના અન્ય દેશોમાં સ્ટુડન્ટ વિઝા અને વર્ક પરમીટ વિઝા અપાવવાનું કહી અનેક વિદ્યાર્થીઓ સાથે ૧ કરોડ ૫૮ લાખ ૪૩ હજાર રૂપિયાની છેતરપિંડી આચરી ફરાર થઈ જતા નવરંગપુરા પોલીસે વિદ્યાર્થીની છેતરપિંડીની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...